ફિલ્મનામા: વેધક સંવાદોથી વિચાર કરતી મૂકે એવી ફિલ્મ…

- નરેશ શાહ
`જાનવર પેટ ભરને કે બાદ શિકાર નહીં કરતા ઔર ઈન્સાન ભૂખ હો ના હો, બટોરતા હી રહેતા હૈ!’
`જબ કુછ નહીં થા, તબ જંગલ થા. જબ કુછ નહીં હોગા, તબ ભી જંગલ રહેગા!’
`હમ ગરીબો કે લીએ ભી એક રિઝર્વ જંગલ દે દો, વરના જાનવર કી તરહ ગરીબ ભી જિંદા નહીં રહેંગે!’
`શરૂઆત તો ઈન્સાનોને કી, પહેલે વો જંગલ મેં ઘૂસે, અબ જાનવર ઉસ કે ઈલાકે મેં ઘૂસ રહે હૈ!’……..
આ તમામ સંવાદો પંકજ ત્રિપાઠીની ફિલ્મ `શેરદિલ : ધ પીલીભીંત સાગા’ના છે. આ ફિલ્મમાં સંવાદો (જો તમે સંવેદનશીલ અને વિચારશીલ હો તો) તમને અંદરથી લોહી-લુહાણ કરી દે છે. આ ફિલ્મ બેશક તમને ઉશ્કેરતી નથી પણ વિચાર કરવા અને અફસોસ કરવા માટે જરૂર પ્રેરે છે.
નેટફ્લિક્સ’ પર રજૂ થયેલી આ ફિલ્મ જોતાં-જોતાં તમે આમિર ખાને બનાવેલીપિપલી લાઈવ’ ફિલ્મ યાદ આવતી રહે છે, પણ પીપલી-લાઈવ’માં વધુ ફોકસ તો મીડિયાનીબ્રેકિગ ન્યૂઝ’ની ભૂખ પર હતું, જ્યારે `શેરદિલ – ધ પીલીભીંત સાગા’નું ફોકસ જંગલ, પ્રકૃતિ, ગરીબી, શહેરીકરણ અને લાચારી છે.
નેપાળ બોર્ડર નજીક આવેલાં ઉત્તર પ્રદેશનો એક નાનકડો કસ્બો ટાઈગર રિઝર્વ્ડ ફોરેસ્ટની લગોલગ આવેલ છે. જંગલના જાનવર આ કસ્બાના લોકોના ખેતર ખેદાનમેદાન કરી નાખે છે અને એક ડઝન ગ્રામજનો હિંસક વાઘના
શિકાર પણ બની ચૂકયાં છે… જંગલના જાનવર-પશુઓની કનગડત, દુકાળ, અતિવૃષ્ટિથી અવારનવાર પરેશાન કસ્બો મુખિયા (સરપંચ) ગંગારામ શહેરના સરકારી બાબુને ફરિયાદ કરવા આવે છે.
ત્યારે નોટિસ બોર્ડ પર સરકારી સૂચના વાંચી જાય છે કે વાઘનો શિકાર બનનારને સરકાર તરફથી દશ લાખની મરણોત્તર સહાય આપવામાં આવશે. માતા, પત્ની અને બે બચ્ચાંના પિતા અને ગામના સરપંચ ગંગારામને વિચાર આવી જાય છે કે, પોતે સામે ચાલીને વાઘનો શિકાર બની જાય તો બદલામાં મળતાં દશ લાખ રૂપિયાથી પરિવાર અને ગામનું ભલું થઈ જાય…
આ કલ્પના જ રસપ્રદ અને કુતૂહલપ્રેરક છે. આપણી સરકારી સિસ્ટમના ખોખલાપણું હરગીઝ અજાણ્યું નથી,
પણ આ દાધારિગાપણું એક માણસને સામે ચાલીને મરવા માટે તૈયાર કરી દે એ પણ કેવી શરમજનક સ્થિતિ બની
જાય તેનું ઉદાહરણ ફિલ્મના સરપંચનું પાત્ર છે.
સામે ચાલીને વાઘનો કોળિયો બની જવાનું નક્કી કર્યા પછી સરપંચ ગંગારામ ગામ-પરિવારને પટાવી – સમજાવીને થોડા દિવસના રોટી – કાંદા લઈને ગંગારામ જંગલમાં ઘૂસી જઈને વાઘની તલાશમાં લાગી જાય છે. શિકાર ખુદ શિકારીની તલાશમાં નીકળી પડે છે અને પછી જે કંઈ બને છે.
એ શેરદિલ : ધ પીલીભીંત સાગા’ની સ્થૂળ કહાણી છે, પરંતુ તેનો ઈનર કરંટ આંખ ઉઘાડનારો છે. ફિલ્મમાં ગંગારામ એક જગ્યાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે,દેખીએ, યે જાનવર પેટ ભરને કે બાદ શિકાર નહીં કરતા ઔર ઈન્સાન ભૂખા હો ના હો, બસ, બટોરતા હી રહેતા હૈ! ‘
`શેરદિલ’ એક ફિલ્મ નથી. સભ્ય સમાજને વિંઝાયેલો તમાચો છે. વિકાસ થકી કરેલાં વિનાશ તેમ જ પ્રગતિ દ્વારા કરેલાં પતનની કાળી ચીસ છે, શેરદિલ : ધ પીલીભીંત સાગા.
આઘાતજનક વાત તો એ છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. 2017માં પીલીભીંત પ્રદેશમાં આ રીતે સહાયની રકમ મેળવવા માટે લોકો સામે ચાલીને ટાઈગર રિઝર્વ ફોરેસ્ટ’માં ઘૂસી ગયેલાં એવા સમાચારો પરથી જાણીતા બંગાળી ડિરેક્ટર શ્રીજીત મુખરજીએ જશેરદિલ’ની વાર્તા લખીને ફિલ્મ બનાવી છે અને તેના વ્યંગમાં સત્ય કહી દેતાં સંવાદો (સુદિપ નિગમ, અતુલકુમાર રાય અને શ્રીજીત મુખરજી)
આ ફિલ્મની અંગત રીતે ગમેલી હાઈલાઈટસ છે. નિર્દોષતા અને અજ્ઞાનને કારણે ગંગારામ અને તેની પત્ની લાજો વચ્ચેના સંવાદોમાંથી આપોઆપ હાસ્ય ફૂટે છે એટલે એવું માનવાની બિલકુલ જરૂર નથી કે આ ફિલ્મ આર્ટ ફિલ્મ જેવી ધીરગંભીર અથવા ડાર્ક મૂવી છે. હા, બેશક, એ ધીમી જરૂર લાગે છે. ગંગારામ સાથે શું થાય છે તેનું કુતૂહલ તમને સતત ધક્કો મારતું રહે છે, ફિલ્મ જોવા માટે.
`શેરદિલ : ધ પીલીભીંત સાગા’ નિશંકપણે પંકજ ત્રિપાઠીની ફિલ્મ છે. પંકજ ત્રિપાઠીના ચહેરાની નિર્દોષતા અને નિડર લિડર બનવાની મમતા આ ફિલ્મની મૂડી છે.
ઈન્ટરવલ પછી જંગલમાં પ્રવેશતા શિકારી જીમ અહેમદ એટલે કે નિરજ કાબીની એન્ટ્રી સાથે ફિલ્મમાં નિ:શક ગતિ આવે છે. સયાની ગુપ્તા સહિતના અન્ય કલાકારો પાત્રોચિત છે પણ… અંગત સલાહ છે કે, આ ફિલ્મ સહપરિવાર જોઈ લેવી જોઈએ કારણ કે, આપણે ચૂકી ગયા છીએ એ સંસ્કારની વાછટથી આ ફિલ્મ પલાળી શકે છે અને હા, અમે નથી કહ્યું તેમ, તમે પણ ફિલ્મનો અંત કોઈને કહેશો નહીં!