મેટિની

ફિલ્મનામાઃ બીસ્ટ: જાનવર જંગલી બને ત્યારે…

નરેશ શાહ

2022માં રિલીઝ થયેલી આ અમેરિકન ફિલ્મ માટે મિક્સ અભિપ્રાયો વ્યક્ત થયાં છે. ઘણાંને પસંદ નથી આવી તો અનેકને આ લખનારની જેમ ખૂબ પસંદ પડી છે. સપરિવાર જોઈ શકાય એવી બિસ્ટ’ ફિલ્મ (આજ નામથી સાઉથમાં બનેલી ફિલ્મ હિન્દીમાં પણ ડબ થયેલી છે) તમનેરોર’ (સિંહની ડણક અથવા ત્રાડ)ની સતત યાદ અપાવતી રહે છે. હા, એટલું તો સ્વીકારવું પડશે કે રોર’ કરતાંબિસ્ટ’ અનેક બાબતમાં ચડિયાતી છે…

ડો. નેટ ડેનિયલ્સ રજાઓમાં પોતાની બન્ને ટીનએજ બચ્ચીઓને લઈને સાઉથ આફ્રિકાના રિઝર્વ ફોરેસ્ટમાં આવે છે, કારણ કે આ રિઝર્વ ફોરેસ્ટને મેનેજ કરનાર માર્ટિન બટેલ્સ તેમના ફેમિલી ફ્રેન્ડ છે. માર્ટિન વાઈલ્ડ લાઈફનો બાયોલોજિસ્ટ છે અને જંગલી જાનવર, ખાસ કરીને સિંહો સાથે તેને ખાસો એવો ઘરોબો છે.

દરેક રિઝર્વ ફોરેસ્ટમાં એક કાયમી દૂષણ હોય છે: પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરનારા લોકો. ડોકટર મિત્ર અને તેની બે ટિનેઅજ પુત્રીને લઈને માર્ટિન આજે સિંહોનો પરિવાર રહે છે એ સ્થળે આવે છે પણ એક ઘાયલ સિંહણ તેને પોતાની પાસે આવવા દેતી નથી. સિંહણની વેદનાના સીસકારા અને ઘૂરકિયાં માર્ટિનને શંકાસ્પદ લાગે છે એટલે…મિત્ર અને તેની પુત્રીઓ સાથે જંગલમાં જ વસતી આદિવાસીઓની વસાહતમાં પહોંચે છે, કારણ કે માર્ટિનને જાણવું છે કે સિંહણ ઘાયલ કઈ રીતે થઈ, પરંતુ વસાહતમાં હિચકારો નજારો બધાને હેબતાવી દે છે.

આખી વસાહતમાં લોહિયાળ લાશો પડી છે. સ્પષ્ટ થાય છે કે રાની પશુઓએ બધાને ફાડી-ચીરી નાખ્યાં છે… માર્ટિનને આ બધું ભેદી લાગે છે એટલે તે મિત્ર અને તેની દીકરીઓને જીપમાં લઈને સલામત સ્થળે જવા નીકળે છે, કારણ કે જંગલના આ વિસ્તારમાં વોકીટોકી પણ સ્પષ્ટપણે કામ કરતાં નથી. જંગલના કાચા રસ્તે જીપ આગળ વધે છે ત્યાં અધવચ્ચે જ જંગલી પ્રાણીનો ભોગ બનેલો એક આદિવાસી લોહિયાળ હાલતમાં મળે છે…

એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આ હુમલો સિંહ જેવા પ્રાણીએ જ કર્યો છે, પણ સિંહ કારણ વગર (આટલા અને સતત) હુમલા ન કરે એ જાણતો માર્ટિન મિત્ર ડોકટરને ઘાયલ આદિવાસી પાસે છોડીને ઘાતક બની ગયેલા સિંહનું પગેં પકડવા એકલો આગળ વધે છે, પણ… સત્યઘટના પર આધારિત `બિસ્ટ’ ફિલ્મની આમ જુઓ તો અહીંથી શરૂઆત થાય છે અને અંત સુધી એ તમારો જીવ તાળવે ચોંટાડી દે છે.

મૂળ આઈસલેન્ડના ડિરેકટર બાત્સાર કોરમાકરે ડિરેકટ કરેલી 94 મિનિટની બિસ્ટ’ની વાર્તા એકદમ સીધીસાદી છે. ખૂનખાર પ્રાણીઓ વચ્ચે નિસહાય જેવા બે પુરુષ અને બે ટિનએજ કેવી લડત આપે છે અને કોણ, કેવી રીતે બચે છે, તેની અહીં જ વાત છે. પ્રાણી અને માણસો વચ્ચે ના સંબંધ-ઘર્ષણની વાત કરતી આપણે ત્યાં (જાનવર ઔર ઈન્સાન, આઝાદ, કર્તવ્ય, હાથી મેરે સાથી, કાલ વિગેરે) અનેક ફિલ્મો બની છે, પરંતુ અમેરિકન ફિલ્મબિસ્ટ’નો મિજાજ એકદમ અલગ અને થોડો ડરામણો પણ છે.

અહીં માણસ દેખું, માણસ ખાઉં’ જેવા એક સિંહ વચ્ચે ફસાયેલાં અને બચવા માટે મરણિયા પ્રયાસો કરતાં માણસોની વાત છે. સામાન્ય રીતે શાંત ગણાતાં અને અટકચાળાં વગર ન ઉશ્કેરાતાં સિંહ શા માટે હિંસક અને આક્રમક બની ગયા છે, તેનું કારણ પણ સમજવા જેવું છે. આ જીવલેણ ચુંગાલમાંથી બચવા માટેની માનવીય મથામણ, કોઠાસૂઝ અને પિતૃપ્રેમની પણ વાત કરતીબિસ્ટ’ ફિલ્મ એક અલગ અનુભવ જેવી છે, છતાં `ફિલ્મનામા’માં તેની ભલામણ કરવાનું ખાસ કારણ ફિલ્મીની ફોટોગ્રાફી અને ધડકન સૂન્ન કરી દે તેવા સીન્સ છે.

વીએફએકસથી બધું થઈ શકે છે એ વાત સાચી પણ `બિસ્ટ’ ફિલ્મના કેટલાંક સીન્સ એટલાં લાજવાબ અને નેચરલ લાગે છે કે તમે આફરીન પોકારી ઊઠો. મિત્ર અને તેની બચ્ચીઓ સાથે પ્રથમ વખત સિંહને મળતાં બાયોલોજિસ્ટ માર્ટિનને તમે ડાલમથ્થા સાથે ધિંગામસ્તી કરતાં જોશો તો આભા જ થઈ જશો.

એ જ રીતે પાછળ દોડતાં સિંહથી બચવા જીપનો દરવાજો બંધ થાય અને સિંહ દરવાજાના કાચ સાથે અથડાઈ, એ જુઓ તો ખરેખર થથરી જશો… `બિસ્ટ’ ફિલ્મમાં આવા સીન્સની ભરમાર છે. પુત્રીથી ખૂનખાર સિંહને દૂર લઈ જવા માટે પિતા ખુદ સિંહને જાત ધરી દે છે એ અને પછીનાં દૃશ્યોનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે એ સીન્સ જોવાનું તમને કુતૂહલ જાગે અને…

તમે એમેઝોન પ્રાઈમ પરની `બિસ્ટ’ ફિલ્મ જુઓ. હા, જોવામાં બચ્ચાં સાથે હોય તો હોમ થિયેટરની લાઈટસ ચાલુ રાખજો અને બચ્ચાંને બથમાં લઈને બેસજો. આ ડરામણો અનુભવ છે, જે ચૂકવા જેવો નથી. ન તમારે, ન તમારા બચ્ચાંઓએ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button