ફિલ્મનામા: માનવું તો પડશે, સમીરજી… આપકા જાદુ ચલ ગયા! | મુંબઈ સમાચાર

ફિલ્મનામા: માનવું તો પડશે, સમીરજી… આપકા જાદુ ચલ ગયા!

ગીતકાર પિતા અનજાન કરતાં સવાયા સફળ અને લોકપ્રિય નીવડ્યા છે પુત્ર ગીતકાર સમીર

  • નરેશ શાહ

‘સામાન્ય લોકો તો સમજ્યા, પણ નિર્માતા-દિગ્દર્શકો પણ એવું માનતા હોય છે કે હું જમણાં ખિસ્સામાં હિટ અને ડાબા ગજવામાં ફ્લોપ ગીતો રાખીને જીવું છું!’ આમ કહીને ગીતકાર સમીર (‘અનજાન’) ઉમેરે છે કે, ‘સચ્ચાઈ એ છે કે લોકપ્રિય ગીતમાં ગીતકાર ઉપરાંત સંગીતકાર અને ગાયકનો પણ જબરો પ્રભાવ હોય છે. મારું પ્રથમ હિટ સોંગ (‘નજર કે સામને, જીગર કે પાસ’-આશિકી)ના શબ્દો જુઓ. એકદમ સામાન્ય અને જરા પણ ઊંડાણ કે સાહિત્યિક ટચ તેમાં નથી, પણ નદીમ-શ્રવણના સંગીત અને કુમાર શાનુના અવાજે તેને બ્લોકબસ્ટર ગીત બનાવી દીધું. જિંદગીનો પ્રથમ ‘ફિલ્મફેર’ એવોર્ડ પણ મને એ ગીતના કારણે જ મળેલો!’

હિન્દી ફિલ્મોમાં જેમને ખાત્રીપૂર્વક આનંદ બક્ષી પછીના ક્રમે મૂકી શકાય એવા સફળ ગીતકાર સમીરે (તમે જાણો છો કે એ જાણીતા ગીતકાર અનજાનના પુત્ર છે) આ વાત ડેરેક બોસે સમીર પર લખેલાં પુસ્તકમાં કરી છે તો પોતાના અમુક આઈકોનિક ગીતો પાછળની ચમકાવતી-રસપ્રદ વાતો કરતું ‘લિરિક્સ બાય સમીર’ પુસ્તક તો ખુદ સમીર સુજા અલી સાથે મળીને લખી ચૂક્યા છે.

સમીરની ગીતકાર તરીકેની કારકિર્દી ભોજપુરી ગીતોથી થઈ હતી. એમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘બેખબર’ હતી, જેના સંગીતકાર ઉષા ખન્ના હતાં. શરૂ થયેલી આ કારકિર્દીને 1983થી ગણીએ તો સમીર છેલ્લાં બેતાલીસ વરસથી હિન્દી ફિલ્મોનાં ગીતો લખી રહ્યા છે. ગલવાન-ઘાટી પર ચાઈનીઝ-ભારતની સૈન્યની અથડામણ પર બની રહેલી સલમાન ખાનની આગામી ફિલ્મનાં ગીતો પણ સમીર લખી રહ્યાં છે.

સ્વાભાવિક છે કે સાડા પાંચસો જેટલી ફિલ્મોમાં ત્રણ હજારથી વધુ ગીતો લખી ચૂકનારા ગીતકાર સમીરના સેંકડો ગીતો પાછળની મજેદાર કહાણીઓ હોવાની. અકે કહાણી તો ‘કુછ કુછ હોતા હૈ’ના ટાઈટલ સોંગની જ છે. ‘તુમ પાસ આએ, યૂં મુસ્કુરાએ…’ જેવું ટાઈટલ સોંગ લખીને કરણ જોહરને આપતી વખતે સમીરને ખુદ લાગતું હતું કે આ ગીતના શબ્દો ભલે ફિલ્મની થીમ કે વાર્તાને અનુરૂપ હોય પણ પોતે આ ગીત વધુ સારી રીતે લખી શકે તેમ છે… ગીત સંભળાવીને એમણે કરણ જાહેરને કહ્યું પણ ખરું, હું આથી પણ સારું ગીત લખી શકું તેમ છું…

‘…પણ મને આ શબ્દો જ વધારે યોગ્ય લાગે છે!’ કહીને કરણ જોહરે એ જ ગીત જતીન-લલિત પાસે સ્વરબદ્ધ કરાવ્યું. સમીર કહે છે કે, દિગ્દર્શક પોતાની અપેક્ષામાં સ્પષ્ટ હોય ત્યારે જ આવું શક્ય થાય, કારણ કે મેં તો રેકોર્ડિંગ વખતે જ નવા અંતરા લખી આપ્યા છે અને ક્યારેક મારા ગીતના શબ્દોની કતલેઆમ થતાં પણ જોઈ છે.’

સલમાન ખાનની ‘જીત’ ફિલ્મમાં સુહાગ રાત માટે લખાયેલું ગીત ડિરેક્ટરે સ્વિત્ઝર્લેન્ડની વાદીઓમાં શૂટ કરીને ફિલ્મમાં સામેલ કરેલું. ગીતમાં સલમાન ખાન અને હીરોઈન કરિશ્મા કપૂરને બે બલગ-અલગ ટેકરી પર ઊભા રહીને (સુહાગ રાતનું) ગીત ગાતાં જોઈને સમીરને તો આઘાત જ લાગ્યો હતો. આમિર ખાનની ‘દિલ’ ફિલ્મનું એક સૌથી લોકપ્રિય ગીત હતું: ‘મુઝે નીંદ ના આએ, મુઝે ચૈન ના આએ…’ ગીત લખાયું ત્યારે ડિરેક્ટર ઈન્દ્રકુમાર અને નિર્માતા અશોક ઠાકરિયાને આ શબ્દો ગમ્યાં નહોતા. સમીરે ખૂબ સમજાવ્યા, પણ અશોક ઠાકરિયા સહમત થતા નહોતા. આખરે સમીરે કહેવું પડ્યું કે સિચ્યુએશન મુજબ આનાથી સારું ગીત હું લખી શકું તેમ નથી… તમે બીજા ગીતકાર પાસે લખાવડાવી લો ! ’ આખરે ડિરેક્ટર-પ્રોડ્યુસર ઝૂક્યાં. ગીત રેકોર્ડ થયું ત્યારે બન્નેએ વિચારેલું કે યોગ્ય નહીં લાગે તો ગીતને ફિલ્મમાં લેશું જ નહીં પણ…

રેસ્ટ ઈઝ હિસ્ટરી…

‘સાજન’ ફિલ્મનું આ ગીત તમે સાંભળ્યું જ નહીં, ગણગણ્યું પણ છે: ‘મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યે પ્યાર તો તુમ સે કરતાં હૈ.., પર સામને જબ તુમ આતી હો, કુછ ભી કહેને સે ડરતાં હૈ…’

એકદમ બોલચાલની શૈલીના શબ્દોમાં લખાયેલાં આ સુપરહિટ સોંગ વિષે સમીર કહે છે કે, ‘એક યુવાને મારો આભાર આ ગીત માટે માનેલો. એ પોતાની પ્રેમિકાને દિલની વાત નહોતો કરી શક્તો એટલે એણે આ ગીત જ પ્રેમિકાને સંભળાવી દીધું અને તીર નિશાના પર લાગેલું. એ યુવાને મને કહેલું કે આ ગીત લખીને તમે મારા જેવા અનેક યુવાનો પર ઉપકાર કર્યો છે…!’

સમીરના આવા સેંકડો ગીતોએ આપણા જીવનનો હિસ્સો બનીને આપણી ઉપર (શૈલેન્દ્ર, સાહિર, ગુલઝાર, આનંદ બક્ષી કરતાં થોડાક ઓછો પણ) ઉપકાર જરૂર કર્યો છે. સાડા પાંચસોથી વધુ ફિલ્મો, પચાસથી વધુ મ્યુઝિક આલ્બમ (હિમેશ રેશમિયાનું ‘તેરા સુરૂર’ યાદ છેને ?!) માટે ગીત લખી ચૂકેલાં સમીર હિન્દી સિનેમાના રામ – લક્ષ્મણ અને રવિન્દ્ર જૈન સિવાયના સિતેરથી વધુ સંગીતકાર સાથે કામ કરી ચૂક્યા છે. બેશક, તેમાં સૌથી વધુ વખત એમણે આનંદ- મિલિન્દ (એક્સો છેતાલીસ ફિલ્મ), નદીમ- શ્રવણ (નેવ્યાંશી ફિલ્મ) અન્નુ મલિક (સાઈઠ ફિલ્મ) હિમેશ રેશમિયા (એકતાલીસથી વધુ ફિલ્મ) અને જતિન-લલિત (વીસ ફિલ્મ) માટે ગીતો લખ્યાં છે.

બેશક, એમણે અનેક સિચ્યુએશનમાં ગીતો લખ્યાં છે, પણ સમીર એમનાં રોમેન્ટિક સોંગ માટે હિન્દી સિનેમામાં કાયમ યાદ રહેશે.

(-અને હાં, 2000માં આવેલી ‘તેરા જાદુ ચલ ગયા’ ફિલ્મના સંગીતકાર ઈસ્માઈલ દરબાર હતા. ગીતકાર હતા સમીર!)

આપણ વાંચો:  ક્લેપ એન્ડ કટ..! : સો રૂપિયામાં સિતારે ઘર પે !

આપણ વાંચો:  ક્લેપ એન્ડ કટ..! : સો રૂપિયામાં સિતારે ઘર પે !

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button