ફિલ્મનામાઃ રાજકારણમાં બધું ચાલે, પણ સિનેમામાં રાજકારણીઓ નથી ચાલતાં!

- નરેશ શાહ
અતિશયોક્તિ ધરાવતાં આ સ્ટેટમેન્ટ પાછળની વાસ્તવિકતા બિલકુલ નથી!
અનુરાગ કશ્યપનું નામ વજનદાર ગણાય છે હિન્દી ફિલ્મોની દુનિયામાં પણ થિયેટરમાં રિલીઝ થઇને ગયા અઠવાડિયે ઓટીટી પ્લેટફોર્મ પર મુકાઇ ગયેલી ‘નિશાનચી’ ફિલ્મ બોકસ ઓફિસ પર તો ભપ થઇ ગયેલી અને ઓટીટી પર પણ બહુ જોવાય એવી શકયતા નથી, કારણકે મૂળે ફિલ્મ જ નબળી તેમ જ બેતુકી છે.
આ ‘નિશાનચી’ ફિલ્મમાં ટાઇટલ રોલ ઐશ્વરી ઠાકરેએ કર્યો છે. આ ઐશ્વરી ઠાકરે એટલે મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત ‘ઠાકરે ફેમિલી’નું ફરજંદ. બાલાસાહેબ ઠાકરેનો એ પ્રપૌત્ર અને જયદેવ ઠાકરે-સ્મિતા ઠાકરેનો સુપુત્ર. અનુરાગ કશ્યપ જેવા ડિરેકટરની ફિલ્મમાં ટાઇટલ રોલ (અને એ પણ ડબલ રોલ) કરવા મળે એ કંઇ નાનીસૂની વાત ન ગણાય, પણ ‘નિશાનચી’ ફિલ્મ પછી ઐશ્વરી ઠાકરેનું નામ પણ નિષ્ફળ ‘પોલિટિક્લ સન’ (સ્ટાર સનની જેમ) તરીકે દર્જ થઇ ગયું છે.
ભવિષ્યમાં ભાઇ ઐશ્વરી ઠાકરે અભિનય ક્ષેત્રે મોટો મીર મારી શકશે કે કેમ, એ તો સમય જ સાબિત કરશે, પણ બોલિવૂડમાં રાજકારણીઓનાં સંતાનો બહુ સફળ થયા નથી. સોય ઝાટકીને કહી શકાય કે વધારે નિષ્ફળ જ ગયા છે.
મુંબઇ-ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ‘નેપોકિડ’ અને ‘નેપોટિઝમ’નો મુદ્દો છેલ્લાં બે દશકાથી સતત ચર્ચાતો રહ્યો છે અને આ અંગારા પર તેલ રેડવાનું સૌથી વધુ કામ કંગના રનોતે કર્યું છે, પરંતુ આપણો મુદ્દો ‘સ્ટાર-કિડ’ નથી, અભિનયના અજવાળાં પાથરવા આવેલા ‘પોલિટિશ્યન-કિડ’ છે. રાજકારણીઓનાં સંતાનો ફિલ્મમાં ખાસ કશું ઉકાળી શકયા નથી. (સામા પક્ષે સચ્ચાઇ એ છે કે ફિલ્મસ્ટારો રાજકારણમાં ખાસ્સા એવા સફળ થયા છે પણ એ અલગ મુદ્દો છે).
તરત યાદ કરવા જેવું નામ ચિરાગ (રામવિલાસ) પાસવાનનું છે. આ ભાઇસાહેબ મોટા ઉપાડે ‘મિલે ના મિલે હમ’ (2011) ફિલ્મથી હીરો તરીકે છવાઇ જવા આવ્યા હતા પણ એવા ઊંધા માથે પછડાયા કે પિતાના પગલે રાજકારણમાં પાછા ચાલ્યા ગયા. મજા તો એ છે કે ‘નેપોટિઝમ’ નામનો સૌથી મોટો ગોકિરો કરનારી કંગના રનોત જ ચિરાગ પાસવાનની ફિલ્મની હીરોઇન હતી.
ચિરાગ પાસવાન પછી પણ રાજનેતાઓના પુત્ર-પૌત્રો-પુત્રી હિન્દી સિનેમામાં અભિનયનો એકડો ઘૂંટવા આવ્યા છે પણ કોઇનો કક્કો ચાલ્યો નથી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને સંસદસભ્ય મનોહર જોશીની 28 વર્ષીય ગ્રાન્ડ ડોટર શર્વરી વાઘની તો પ્રથમ ફિલ્મ ‘યશરાજ’ બેનરની ‘બંટી ઔર બબલી-ટૂ’ (2021) હતી પણ એ પછી શર્વરીએ શું ઉકાળ્યું એ જાણવા માટે તમારે ગૂગલફૈબાને પૂછવા જવું પડે તેવી સ્થિતિ છે.
હવે તેની આલિયા ભટ્ટ સાથેની ‘આલ્ફા’ આવશે, તેનો કેટલો ફાયદો શર્વરી વાઘને થશે એ જોવાનું રહ્યું, કારણ કે મોટું બેનર કે મોટો સ્ટાર હોય તો પણ તમારી અભિનયની ‘દુકાન’ ચાલી જાય એવું કોઇ પતરે કોતરાયેલું સત્ય નથી, નહીંતર અક્ષયકુમાર સાથે ‘સ્કાયફોર્સ’ ફિલ્મમાં ડેબ્યુ કરનારા વીર પહાડિયાની અત્યારે ચોમેર વાહવાહ થતી હોય, પણ ફિલ્મ અને વીર પહાડિયા બન્ને ફલોપ જ રહ્યાં.
આ વીર પહાડિયા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુશીલકુમાર શિંદેના પૌત્ર છે. આવા જ બેડલક (બીજું શું કહેવું?) હિમાચલ પ્રદેશના કૉંગ્રેસી નેતા સુખરાવના પૌત્ર આયુષ શર્માના થયા છે. ભાઇ આયુષ શર્માના તો સુપરસ્ટાર સલમાન ખાનના જીજાજીને ‘હીરો’ બનાવવા ફિલ્મ પણ બનાવી અને સાથે એક્ટિંગ પણ કરી આપી છતાં આયુષ શર્મા નથી ચાલ્યો એ હકીકત છે.
રાજકારણીઓનાં સંતાનોના ફિલ્મ કનેકશન તપાસીએ તો નાનકડું અને રાહતરૂપ નામ એક જ મળે છે: અભિમન્યુ સિંહ, મધ્ય પ્રદેશના દિગ્ગજ કૉંગ્રેસી અર્જુન સિંહ (ના પુત્ર અજયસિંહનો દીકરો) ના પૌત્ર અભિમન્યુ સિંહે 2009થી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરીને ‘આયેશા’, ‘યે સાલી ઝીંદગી’, ‘જિસ્મ-2’, ‘બ્લેકમેલ’ જેવી ફિલ્મો તેમ જ ‘કાલી કાલી આંખે’ જેવી વેબસિરીઝ તેમનાં નામે બોલે છે. બેશક, અભિમન્યુ સિંહ એક સારા અભિનેતા તરીકેની નામના કમાયા છે, પરંતુ આજેય એ સાવ સેલેબલ કે સફળ સ્ટાર નથી બની શક્યો.
સફળ અને કંઈક અંશે સેલેબલ કેટેગરીમાં મૂકી શકાય તેવું એક જ નામ ઊડીને આંખે વળગે એવી હીરોઈન છે: મનિષા કોઈરાલા.
નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બિશેશ્વર કોઈરાલાના સંસદસભ્ય રહેલાં પુત્ર પ્રકાશ કોઈરાલાની પુત્રી મનિષાએ 1989માં સૌથી પહેલી નેપાળી ફિલ્મમાં કામ કરેલું, પણ 1991માં આવેલી સુભાષ ઘઈની ‘સૌદાગર’થી તેણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી અને પછી તો ‘પ્રથમ પાંચમાં’ પૂછાઈ તેવી સફળતા મનિષા કોઈરાલાએ મેળવી હતી, પરંતુ મનિષા કોઈરાલાના નાના ભાઈ સિદ્ધાર્થ કોઈરાલા પણ અભિનય ક્ષેત્રમાં આવ્યા અને પાંચ-છ ફિલ્મોમાં અભિનય પણ કર્યો, પરંતુ એ તમામ ફિલ્મો એવી છે (પૈસા વસૂલ, દેખ ભાઈ દેખ, દેશદ્રોહી-2, મેઘા) જે આપણે ક્યારેય જોઈ નથી. મતલબ એક જ થયો: રાજકારણમાં બધું ચાલે પણ સિનેમામાં રાજકારણીઓ (કે તેના વારસદારો) નથી ચાલતા!
હા, આ બધા વચ્ચે એક નામ એવું છે, જે હિન્દી અને મરાઠી સફળ ફ્લોપ ફિલ્મ્સ વચ્ચે હજુ પણ પોતાની ‘દુકાન’ સાચવીને બેઠો છે એ છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી વિલાસ રાવ દેસમુખનો ચિરંજીવ રિતેશ દેશમુખ!
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..!:સિદ્ધાર્થ છાયા



