મેટિની

કવર સ્ટોરી : મોમ દીપિકાની બદલાતી ડિમાન્ડ!

નવી માગણીઓ મંજૂર ન થવાથી એક્ટ્રેસે ફિલ્મ ‘સ્પિરિટ’ અચાનક છોડી દેતા દિગ્દર્શક સંદીપ વાંગા વિફર્યો છે -હેમા શાસ્ત્રી

દુઆ 9 મહિનાની થવા આવી. દુઆ પાદુકોણ સિંહ એટલે રણવીર સિંહ – દીપિકા પાદુકોણની દીકરી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પુત્રી જન્મ પછી મેટરનિટી લીવ ભોગવી રહેલી દીપિકા ફરી લાઈટ, એક્શન, કેમેરા માટે સજ્જ થઈ રહી છે. હજી પખવાડિયા પહેલાં જ સમાચાર હતા કે ઓક્ટોબરમાં દીપિકા ‘કિંગ’નું શૂટિંગ શરૂ કરશે અને એના પછી ડિસેમ્બરમાં ‘સ્પિરિટ’નું શૂટિંગ શરૂ કરશે. જોકે, દીપિકાએ અચાનક ધડાકો કર્યો છે.

પરેશ રાવલે ‘હેરીફેરી3’ સાથે નહીં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો એના આંચકો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પચાવે ત્યાં મોમ પાદુકોણએ ‘એનિમલ’ મેકર સંદીપ વાંગા રેડ્ડીની ‘સ્પિરિટ’ ફિલ્મ સાથે છેડો ફાડી નાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

‘હેરાફેરી 3’માં જો પરેશભાઈ કામ નહીં જ કરે તો એમની જગ્યાએ કોની વરણી કરવી એની અટકળ સુધ્ધાં નથી વહેતી થઈ, ઉલ્ટાનું બાબુરાવના પાત્રમાં પરેશ ભાઈ સિવાય બીજું કોઈ નહીં ચાલે એવી ગપસપ થઈ રહી છે જ્યારે બીજી તરફ, સંદીપ વાંગાએ ‘સ્પિરિટ’માં દીપિકાના રોલ માટે તૃપ્તિ ડિમરીને સાઈન પણ કરી લીધી છે. ‘એનિમલ’માં ઝોયા રિયાઝના રોલમાં દેશભરમાં ડાર્લિંગ બની ગઈ હતી એ જ તૃપ્તિ ડિમરી.

નામાંકિત કલાકાર ફિલ્મ સાઈન કર્યા પછી જ્યારે કાગળિયા ફાડી નાખે ત્યારે ફિલ્મમેકર અને એક્ટર એમ બેઉ પક્ષેથી ખુલાસાઓ થવા લાગે. ‘સત્ય પોતાની જ પડખે છે’ એવું બંને પક્ષનું માનવું હોય છે. હજી આ વર્ષની શરૂઆતમાં દીપિકાએ સંદીપ વાંગાની ફિલ્મ સ્વીકારી હતી અને ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલા એવું તે શું બની ગયું કે એક્ટ્રેસે છેડો ફાડી નાખ્યો. એવું કહેવાય છે કે માતુશ્રી દીપિકાની ડિમાન્ડો પૂરી શકવા સંદીપ વાંગા અસમર્થ હોવાથી અભિનેત્રીએ ફિલ્મ છોડી દીધી છે.

આપણ વાંચો: ભારત-પાક તણાવ મુદ્દે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ શું કામ મૌન છે?

શું હતી દીપિકાની માગણી?

આઠ કલાકથી વધુ કામ નહીં કરું, મહેનતાણા પેટે 20 કરોડ લઈશ, તેલુગુ ડાયલોગ ડબ નહીં કરું અને ઈન્ટિમેટ – બોલ્ડ સીન કરવાની પણ અનિચ્છા….

‘સ્પિરિટ’ના દિગ્દર્શક સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મોમાં જે આક્રમકતા જોવા મળે છે એ એના સ્વભાવમાં પણ છે. દીપિકાના નિર્ણયથી એ લાલપીળો થયો છે. સંદીપના રોષનું મુખ્ય કારણ છે એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ ફિલ્મનો પ્લોટ જાહેરમાં મૂકી દીધો! ફિલ્મ એ રેટેડ થ્રિલર હશે જેમાં પ્રભાસ પોલીસના રોલમાં જોવા મળશે અને લીડ પર વચ્ચે કેટલાંક બોલ્ડ સીન હશે. અલબત્ત આ સીન મર્યાદા ઓળંગી જનારા હશે એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

બસ, દીપિકાએ આ રીતે પત્તુ ખોલી નાખ્યું એથી સંદિપનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. વાણિયાભાઈ જેમ મગનું નામ મરી ન પાડે એમ ડિરેક્ટરે દીપિકાનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું છે કે ‘કોઈ કલાકારને હું સ્ટોરી સંભળાવું ત્યારે એનામાં 100 ટકા વિશ્વાસ મૂકતો હોઉં છું. આ વાત જાહેર ન થવી જોઈએ એવો વણલખ્યો નિયમ અમારી વચ્ચે હોય છે. પણ, ‘એણે’ તો વટાણા વેરી નાખ્યા છે. મારી સ્ટોરી જાહેર કરી દીધી છે.’

આપણ વાંચો: શો-શરાબા : જિસકી મૂવી લંબી ઉસકા ભી બડા નામ હૈ…!

દીપિકાએ પણ વાણિયાગીરી દેખાડી. સંદીપ વાંગા રેડ્ડીનું નામ લીધા વિના પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ‘હું મારા અંતરાત્માનો અવાજ સાંભળી શું કરવું અને શેના માટે ના પાડવી એનો નિર્ણય લઉં છું,’ દીપિકાએ ખુલાસો કર્યો છે, ‘બોલી નાખવું બહુ સહેલું છે, પણ તમારી આસપાસ શોરબકોર થઈ રહ્યો હોય ત્યારે તમે શાંત અને સ્વસ્થ ચિત્તે વિચાર કરો તો દરેક સવાલનો જવાબ જડી જાય.

જેમની સાથે કામ કરવામાં અનુકૂળતા રહે અને આનંદ આવે અને મારા પરિવાર – મિત્રો સાથે પણ હું સરખો સમય વિતાવી શકું એવા લોકો સાથે જ હવે કામ કરવું છે.’ દીપિકાએ અહીં નામ ભલે ન પાડ્યું પણ એનો ઈશારો સંદીપ વાંગા રેડ્ડી તરફ જ છે.

રિપોર્ટ અનુસાર ‘સ્પિરિટ’ને દીપિકાની જગ્યાએ નવી હીરોઈન મળી ગઈ છે અને એ પણ 80 ટકા ઓછા મહેનતાણા સાથે અને વાંગાની સ્પષ્ટતા અનુસાર ‘તૃપ્તિ બિન્ધાસ્ત અને બેધડક બોલ્ડ સીન આપશે’.

અલબત્ત, ફિલ્મ મેકિંગમાં પૈસાની બચત એ મહત્ત્વનો મુદ્દો છે, પણ ગુણવત્તા ગુમાવીને નહીં એ બધા જાણે છે. દીપિકાને સાઈન ન કરવાથી નિર્માતાના 16 કરોડ રૂપિયા ભલે બચે, પણ દીપિકાની સરખામણીએ તૃપ્તિનું એકંદર પરફોર્મન્સ ફિલ્મને કેટલી વધુ પ્રભાવી બનાવે છે એ વધુ મહત્ત્વનું છે અને સંદીપ વાંગા રેડ્ડી આ વાત જરૂર જાણતો હશે..

આપણ વાંચો: ફિલ્મનામા : હમ સે મત પૂછો કૈસે, મંદિર તૂટા સપનોં કા લોગો કી બાત નહીં હૈ, યે કિસ્સા હૈ અપનોં કા…

એક્ટ્રેસની આગામી ફિલ્મો

દીપિકાની આગામી ફિલ્મોની યાદીમાં શાહરુખ ખાન સાથેની ‘કિંગ’ ઉપરાંત બે સિક્વલનો સમાવેશ થાય છે. દીપિકાની હિન્દી ફિલ્મ યાત્રાનો પ્રારંભ શાહરુખ સાથેની ‘ઓમ શાંતિ ઓમ’ સાથે થયો હતો. ત્યારબાદ ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘પઠાન’ અને ‘જવાન’માં એમની જોડી જામી હતી. દરેક ફિલ્મને સારો આવકાર મળ્યો હતો.

સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘કિંગ’ શાહરુખ- દીપિકાની છઠ્ઠી ફિલ્મ હશે. ફિલ્મના અન્ય કલાકારોમાં સુહાના ખાન, અભય વર્મા, અર્શદ વારસી, જયદીપ અહલાવત અને અભિષેક બચ્ચનનો સમાવેશ છે. એ જોતા દીપિકાના રોલની લંબાઈ ઝાઝી નહીં હોય, પણ એ ભૂમિકા કથાની દ્રષ્ટિએ મહત્ત્વની તો ચોક્કાસ હોવાની.

આયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવ’માં સ્પેશિયલ અપિયરન્સમાં હાજરી આપનારી દીપિકા સિક્વલ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ ટુ – દેવ’માં પણ કામ કરી રહી છે. ત્રણ પાર્ટની સિરીઝનો બીજો પાર્ટ ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની ગણતરી છે. આ વર્ષે ડિસેમ્બરમાં ‘કલ્કી 2898 એડી’ની સિક્વલનું શૂટિંગ શરૂ થવાનું છે.

પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન ફિલ્મના અન્ય મુખ્ય કલાકાર છે. જોકે, સિક્વલ વિશે ફિલ્મના દિગ્દર્શક નાગ અશ્વિનની રજૂઆત જાણ્યા પછી દીપિકાને ફાળે વિશેષ કંઈ નહીં આવે એવું લાગે છે. ડિરેક્ટરે કહ્યું હતું કે ‘સિક્વલમાં પ્રભાસ પર વધુ ફોકસ હશે અને ફિલ્મની વાર્તા મુખ્યત્વે કર્ણ અને અશ્વત્થામાની ફરતે આકાર લેશે.’ આ પરિસ્થિતિમાં દીપિકાના સુમતિના રોલને કેટલું મહત્ત્વ મળશે એ કેવળ અટકળનો વિષય છે.

બે વર્ષ પહેલાની ‘પઠાન’ને મળેલી ધૂઆંધાર સફળતાને પગલે ‘યશરાજ ફિલ્મ્સ’ સિકવલ બનાવવાની વેતરણમાં છે. ‘પઠાન 2’માં પહેલી ફિલ્મના ત્રણ મુખ્ય કલાકાર શાહરુખ, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની હાજરી તો હશે જ. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય સાઉથના એક અગ્રણી ફિલ્મમેકર સાથે વાતચીત ચાલી રહી છે. સ્ક્રિપ્ટ દીપિકાને પસંદ પડી છે, પણ અન્ય ઔપચારિકતા વિશે પાકું કરવાનું બાકી છે. ટૂંકમાં માતૃત્વ ધારણ કર્યા પછી દીપિકા કેમેરા સામે આવવા ઉત્સુક છે-આતુર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button