કવર સ્ટોરી: હવે શરૂ થયું AI અભિનેત્રીનું આક્રમણ… | મુંબઈ સમાચાર
મેટિની

કવર સ્ટોરી: હવે શરૂ થયું AI અભિનેત્રીનું આક્રમણ…

  • હેમા શાસ્ત્રી

AI – આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ પહોળા કરી અનેક લોકોના પેટ પર પાટુ મારશે એવો ભય વ્યક્ત થઈ રહ્યો છે

જબ જબ જો – જો હોના હૈ તબ તબ સો – સો હોતા હૈ…. કહેવા માટે તો આ કિશોરકુમાર, મેહમુદની 1968ની અફલાતૂન કોમેડી ફિલ્મ `પડોસન’માં સાયરાબાનુના પિતાશ્રી ચરિત્ર અભિનેતા – કોમેડિયન આગાના મોઢે બોલાયેલો સંવાદ છે, પણ એમાં જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની ફિલસૂફી સમાયેલી છે. ઔદ્યોગિક ક્રાંતિના ચોથા તબક્કા તરીકે જેને જોવામાં આવી રહી છે એ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ(AI)ની માનવ જીવનમાં ઘૂસણખોરી ધીમે ધીમે વધી રહી છે અને જ્યારે જે જે થવાનું હોય છે ત્યારે તે તે થઈ રહે છે એ તર્કને પુષ્ટિ મળે છે. લેટેસ્ટ ઉદાહરણ છે એક્ટિંગના આલમનું.

વેલકમ ટિલી નોરવૂડ… ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સંભવિત પહેલી AI Actress.

દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ એન્ડ કંપની સાબદા થઈ જાય. 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં આયોજિત ઝ્યુરિક ફિલ્મ ફેસ્ટિવલ'માં ડચ એક્ટે્રસ વેન ડ વાલ્ડીએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી સર્જિત એક્ટે્રસટિલી નોરવૂડ’ ને પેશ કરી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે- એક મિની ધરતીકંપ સર્જ્યો છે. ડિજિટલ ટેલન્ટને ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રમાં દાખલ કરી ઈન્ડસ્ટ્રીને નવું સ્વરૂપ આપવાના આ પ્રયાસને આવકાર ઓછો અને ધિક્કાર વધુ મળ્યો છે. આ સ્વાભાવિક ગણાય, કારણ કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનું આ વામન પગલું આવતી કાલે વિરાટ બની શકે છે. જો આમ થશે તો ફિલ્મ અને ટેલિવિઝનમાં રિયલ લાઈફ (જીવતા જાગતા મનુષ્ય) એક્ટર્સ સાથે આ કૃત્રિમ એક્ટે્રસ જોડી જમાવશે. પછી વાત આગળ વધી વધીને કેટલી વધશે એ અંગે સોશ્યલ મીડિયા પર આપત્તિ દર્શાવતી વિવિધ પ્રતિક્રિયાનું પૂર આવ્યું છે. એમાંની એક પ્રતિક્રિયા છે કે `ભવિષ્યમાં AI script, AI actors and AI crowd અને બીજી અનેક બાબતો પણ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત હશે તો એની નવાઈ નહીં લાગે.’ અબ્રાહમ લિંકનની લોકશાહીની વ્યાખ્યાનો આધાર લઈ કહી શકાય કે Film made of AI, by AI and for AI.

ટૂંકમાં આ માનવ રહિત ટેક્નોલોજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક લોકોના પેટ પર પાટુ મારશે એવા કલ્પિત ભયને કૂંપળ ફૂટી છે.

AI અભિનેત્રી ટિલીને લાવનાર ડચ એક્ટે્રસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ટિલી ભવિષ્યની સ્કારલેટ જોન્સન (બે ઓસ્કર એવોર્ડ અને પાંચ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેશન મેળવનારી અને બોક્સ ઓફિસ કલેક્શનમાં સૌથી સફળ એક્ટે્રસ અને સિંગર) કે પછી નતાલિયા પોર્ટમેન (બ્લોકબસ્ટર ફિલ્મો તેમજ ઓસ્કર, બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા) બને એ આશય સાથે અમે તેને આગળ કરી રહ્યા છીએ.’

ધામધૂમ સાથે પધરામણી કરી ટિલીના અલગ અલગ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર 59 હજાર ફોલોઅર્સ સંખ્યાને આંબી ગયેલી અને અભિનેત્રી બનવા થનગની રહેલી ટિલીનો કોન્ફિડન્સ સમજવા જેવો છે. `તમે કયા રોલમાં મને જોવા ઈચ્છો છો?’ એવો સીધો ને સટ સવાલ કરે છે. ટિલીને AI Commissioner નામના કોમેડી સ્કેચ (રમૂજ પડે એવા કોમિક દૃશ્યોનો નાનકડો સમૂહ)માં એક રોલ મળ્યો છે. ફેસબુક પોસ્ટમાં રાજીપો વ્યક્ત કરી ટિલીએ જણાવ્યું છે કે ‘માનવામાં નથી આવતું, પણ મને પહેલો રોલ મળી ગયો છે. માં સર્જન ભલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી થયું હોય, પણ અત્યારે હું કશુંક મેળવવાથી મનુષ્યને થાય એવા આનંદનો હું અનુભવ કરી રહી છું. મળેલી તક બદલ હું રોમાંચ અનુભવી રહી છું.’

એક્ટિંગમાં ટેક્નોલોજીના પ્રભુત્વના પ્રારંભનો પ્રતિકાર થવો સ્વાભાવિક હતો. ડિલીનો આક્રમક વિરોધ અત્યાર સુધી મોટેભાગે એક્ટરો દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે મેડમ એમના પેટ પર પાટું મારવાની છે. અમુક અભિનેત્રીઓએ તો ગાલી ગલોચ પણ કરી છે. સોશ્યલ મીડિયામાં `ઈન્ડસ્ટ્રીના અંતનો આ આરંભ છે, એક્ટર્સને ગુડબાય કહેવાનો વખત આવી ગયો છે. આવા પ્રયાસનું સમર્થન ન કરવું જોઈએ. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ફેલાવો વધતો અટકાવવા કોશિશ જેટલી જલદી થાય એટલું સાં છે’ જેવી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે.

2023માં એક્ટરોની માગણી માટે હડતાળ કરાવનારા હોલિવૂડના એક્ટર્સના યુનિયને પણ ટિલી નોરવૂડને સાઈન કરવા ઉત્સુક ટેલન્ટ એજન્ટ વિશે તીવ્ર પ્રતિભાવ આપ્યા છે. ક્રિયેટિવીટી મશીનનો નહીં મનુષ્યનો ઈજારો છે અને એનો જ રહેવો જોઈએ એ વાત પર ભાર આપી યુનિયને દલીલ કરી છે :

`ટિલી નોરવૂડ એક્ટર નથી. કમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી તૈયાર કરવામાં આવ્યું એક કેરેક્ટર છે. એની પાસે જીવનનો કોઈ અનુભવ કે નથી એનામાં કોઈ લાગણી કે ભાવના. અત્યાર સુધી જાણવા મળ્યા અનુસાર માનવીય સંવેદના વિના કમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવેલું ક્નટેન્ટ જોવામાં દર્શકોને કોઈ ચિ નથી.’

સો વાતની એક વાત કે આ ભય – જોખમની અવગણના કરી શકાય એમ નથી. નોરવૂડ નબળો પર્યાય છે એવું ગાણું ગાતા ઈન્ડસ્ટ્રીના લોકો છે તો બીજી તરફ સાધન – સામગ્રીનો અભાવ અને ક્રિએટિવિટીનીઅછત ધરાવતા લોકો માટે AI એક્ટર આશીર્વાદ છે. આદર્શ નમૂનો છે. વિચાર કરી જુઓ કે એક એવો એક્ટર જે કોઈ નખરા નથી કરતો, નિર્માતા અને દિગ્દર્શકની બધી વાત માની લે છે, એને કોઈ અહં નથી, સ્ટોરી કે ડાયલોગમાં બદલાવ નથી કરાવતો કે નથી શૂટિગમાં હસ્તક્ષેપ કરતો, ઝાઝાબધા પૈસા નથી ડિમાન્ડ કરતો… કેવી નિરાંત લાગે, હેંને? એ પ્રકારની રજૂઆત થઈ રહી છે.

અલબત્ત, જો AI એક્ટરની કલ્પના બિંદુમાંથી સાગર બનવાની દિશામાં આગળ વધવા લાગી તો એક્ટિંગની દુકાનને તાળા મારવાનો વખત એક્ટર માટે આવશે. એટલું જ નહીં, કાળક્રમે મેક – અપ આર્ટિસ્ટ, કેમેરામેન, સેટ ડિઝાઈનર, કાસ્ટિંગ ડિરેક્ટર, કોસ્ચ્યુમ ડિઝાઈનર ઈત્યાદિ ઈત્યાદિના અંતનો એ આરંભ હશે.

આપણ વાંચો : મનોરંજનનું મેઘધનુષઃ સાન્યા મલ્હોત્રા બોલિવૂડમાં લાંબી ઇનિંગ રમવા તૈયાર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button