કવર સ્ટોરીઃ નેપાળી ફિલ્મમાં ભારતીય કલાકારોનો શંભુમેળો…

હેમા શાસ્ત્રી
નેપાળ આપણો પાડોશી દેશ છે. આપણા પાંચ રાજ્ય ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સરહદ નેપાળ સાથે જોડાયેલી છે. નેપાળમાં રાજાશાહી અમલની સ્થાપના 1768માં થઈ હતી. જોકે, જૂન, 2006માં નેપાળની સંસદે ઐતિહાસિક ઠરાવ પસાર કરી રાજાશાહી નાબૂદ કરી હતી. 2008ના મે મહિનામાં નેપાળ સમવાયતંત્ર બન્યું. એ સાથે નેપાળમાં 250 વર્ષની રાજાશાહી પર પડદો પડી ગયો.
નેપાળનો પોતાનો સાંસ્કૃતિક વારસો છે, પણ એની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફક્ત 75 વર્ષનો ઈતિહાસ ધરાવે છે. રસપ્રદ વાત તો એ છે કે કહેવા માટે નેપાલીઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે, પણ નેપાળી ફિલ્મોની વાર્તા, એની રજૂઆત અને એના ગીત-સંગીત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અવતાર જેવા મોટેભાગે રહ્યા છે. કાઠમંડુ નેપાળની રાજધાની છે અને એટલે નેપાળની ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોલિવૂડ તરીકે ઓળખાય છે. ચેન્નઈ સ્થિત તમિલ ભાષાના ચિત્રપટોની ઈન્ડસ્ટ્રી પણ કોલિવૂડ તરીકે જ ઓળખાય છે. બંનેનું અલગ તેમ જ સ્વતંત્ર અસ્તિત્વ છે.
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો નેપાળ પર કેટલો પ્રભાવ રહ્યો છે એનો ખ્યાલ એના પ્રારંભથી જ આવી જાય છે. બરાબર 74 વર્ષ પહેલા 15 સપ્ટેમ્બર, 1951ના દિવસે પહેલી નેપાળી ફિલ્મ રિલીઝ થઈ હોવાની નોંધ છે. આ ફિલ્મનું નામ હતું ‘સત્ય હરિશ્ચંદ્ર’ (1913ની ભારતની પહેલી ફીચર ફિલ્મનું નામ હતું ‘રાજા હરિશ્ચંદ્ર’) અને એનું નિર્માણ પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં કરવામાં આવ્યું હતું. આમ નેપાળી ભાષામાં બનેલી પહેલી ફિલ્મમાં ભારતીયતા હતી.
નેપાળમાં ફિલ્મ નિર્માણ પ્રવૃત્તિ ગોકળગાયની ઝડપે આગળ વધતી હતી અને પહેલી ફિલ્મનું નિર્માણ 1960ના દાયકામાં થયું હતું. ‘અમ્મા’ નામની ફિલ્મ ઓક્ટોબર 1964માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું નિર્માણ નેપાળની રાજાશાહી સરકારના માહિતી ખાતા દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મના મુખ્ય કલાકાર હતા શિવશંકર મનનધર અને ભુવન થાપા જે નેપાળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ એક્ટર તરીકે ઓળખ ધરાવે છે. નેપાળના ફિલ્મ ઈતિહાસનો આ સૌથી મહત્ત્વનો પ્રસંગ તરીકે અંકિત થયો છે.
નેપાળમાં ફિલ્મ મેકિંગની જે પણ છૂટીછવાઈ પ્રવૃત્તિ ચાલતી હતી એનું નિર્માણ સરકારી વિભાગની છત્રછાયા હેઠળ થતું હતું. સરકારી અંકુશ હેઠળ મુક્ત વિચારસરણીને ખીલવાની તક મળે નહીં. 1971માં નેપાળ સરકારે ‘રોયલ નેપાળ ફિલ્મ કોર્પોરેશન’ની સ્થાપના કરી જેથી ફિલ્મ નિર્માણને વેગ મળે.
જોકે, એના પાંચ વર્ષ પહેલા ‘સુમાનાંજલિ ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ’ નામના પ્રાઈવેટ બેનર દ્વારા ‘માઈતીઘર’ નામની ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ડિસેમ્બર 1966માં રિલીઝ થઈ હતી. જોકે, નેપાળમાં વિક્રમ સંવતનું ચલણ હોવાથી આ ફિલ્મ ત્યાં વિ.સં. 2023 પોષ સુદ એકમે રિલીઝ થઈ હોવાની નોંધ છે.
નેપાળી ફિલ્મ હોવા છતાં એમાં ઘણા ભારતીય કલાકારોનું યોગદાન હતું અને એ પણ અલગ અલગ વિભાગમાં. ફિલ્મના મુખ્ય કલાકાર હતા માલા સિન્હા અને નેપાળી એક્ટર ચિદમ્બરમ લોહની (એમના વિશે વિસ્તૃત જાણકારી ‘ફ્લેશબેક’ કોલમમાં છે). કલાકારોની યાદીમાં એ સમયના હિન્દી ફિલ્મોના ટોચના હીરો સુનીલ દત્ત અને કોમેડિયન રાજેન્દ્રનાથની પણ હાજરી હતી. ફિલ્મના ગીતો સંગીતકાર જયદેવએ સ્વરબદ્ધ કર્યા હતા.
રસપ્રદ વાત એ છે કે ફિલ્મની સ્ટોરી અને કલાકાર દમદાર હોવા છતાં ફિલ્મના ગીત – સંગીત વધુ લોકપ્રિય થયા હતા. 134 મિનિટ લાંબી ‘માઈતીઘર’માં 14 ગીત હતાં, જેની લંબાઈ 53 મિનિટ હતી. ટૂંકમાં એ દોરની હિન્દી ફિલ્મોની જેમ ગીત-સંગીતને ખાસ્સું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પ્લેબેક આપનારી ગાયકોની ફોજમાં પાંચ ભારતીય ગાયક (ત્રણ મંગેશકર બહેનો લતા, આશા અને ઉષા ઉપરાંત ગીતા દત્ત અને મન્ના ડે). લતાદીદીનું એક જ સોલો ગીત હતું, જ્યારે ઉષા મંગેશકરનું એકમાત્ર ગીત ડ્યુએટ હતું.
આશા ભોસલેનાં બે સોલો, ગીતા દત્તના બે ડ્યુએટ અને મન્ના ડેનાં ત્રણ સોલો સોંગ હતા. અન્ય ગીત એ સમયના જાણીતા નેપાળી ગાયકોએ રજૂ કર્યા હતાં જેમાં એક નામ હતું એક્ટર ચિદમ્બરમ લોહનીનું. લોહની અભિનેતા ઉપરાંત એક કુશળ ગાયક સુધ્ધાં હતા. ‘માઈતીઘર’ ટાઈટલ ધરાવતી નવી ફિલ્મ આવતા અઠવાડિયે નેપાળમાં રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી છે.
1971માં રોયલ નેપાળ ફિલ્મ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવતા ફિલ્મ નિર્માણમાં સીધો સરકારી અંકુશ હળવો થયો. કોર્પોરેશન દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ હતી ‘મન કો બાંધ’. ત્યારબાદ 1977માં નેપાળનું પહેલું રંગીન ચિત્ર ‘કુમારી’ આવ્યું અને પછી ધીરે ધીરે ફિલ્મ બનાવવાની પ્રવૃત્તિઓ વધવા લાગી. કોર્પોરેશન નિર્મિત ફિલ્મોને વ્યાવસાયિક સફળતા મળવાના કારણે અન્ય લોકો પ્રોડ્યુસર બનવા પહેલ કરવા લાગ્યા. ફિલ્મ મેકિંગ ધીમી પણ મક્કમ ગતિએ ઈન્ડસ્ટ્રીનું સ્વરૂપ ધારણ કરવા લાગી.
ફિલ્મ નિર્માણ વેગ પકડી રહ્યું હતું અને જનતામાં સ્વદેશી નેપાળી ફિલ્મો માટે રુચિ વધી રહી હતી ત્યાં 1996માં નેપાળમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. સ્વાભાવિક છે કે ફિલ્મ નિર્માણને બ્રેક લાગી, બજેટ ઘટી ગયા. સરવાળે નબળી ફિલ્મ-નબળા પરફોર્મન્સ અને પરિણામે દર્શકોની સંખ્યામાં ઓટ આવી. ફિલ્મ નિર્માણ લગભગ સ્થગિત થઈ ગયું અને અનેક એક્ટર-ફિલ્મમેકર કામની શોધમાં દેશ છોડી જતા રહ્યા.
એક્ટ્રેસ મનીષા કોઈરાલા એનું જાણીતું ઉદાહરણ છે. મનીષાના દાદા વિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા 1960માં નેપાળના વડા પ્રધાન હતા. નેપાળી ફિલ્મથી ચિત્રપટ સૃષ્ટિમાં પ્રવેશેલી મનીષા કોઈરાલા નેપાળના અસ્થિર વાતાવરણને કારણે ભારત આવી અને સુભાષ ઘઈની ‘સૌદાગર’થી હિન્દી ફિલ્મોમાં પગલાં પાડ્યાં.
2006માં આંતરવિગ્રહ સમાપ્ત થયો અને રાજાશાહી નાબૂદ થઈ. સંસદીય લોકશાહી આવતા નેપાળની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસનો પ્રારંભ થયો. ‘નેપાળી ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન’ના પ્રેસિડેન્ટ નવલ ખડકાના કહેવા અનુસાર દર વર્ષે નેપાળમાં 100 ફિલ્મનું નિર્માણ થાય છે. પ્રત્યેક ફિલ્મનું એવરેજ બજેટ બે કરોડ રૂપિયા જેટલું હોય છે. જોકે, તેમાંથી માત્ર 5 ટકા ફિલ્મો જ નફો કરે છે અને પાંચ ટકા ફિલ્મો ખર્ચ જેટલી આવક મેળવી લે છે. બાકીની 90 ટકા ફિલ્મો ફ્લોપ થાય છે. આ ઈન્ડસ્ટ્રીમાં અંદાજે 50 હજાર લોકોને રોજગારી મળે છે.
ત્યાં ફિલ્મોની સંખ્યા વધી રહી છે અને ગુણવત્તામાં પણ સુધારો થઈ રહ્યો હોવાથી નેપાળી ફિલ્મો થિયેટરમાં જોવા આવતા દર્શકોની સંખ્યા વધી રહી છે. અલબત્ત, હજી પણ યુવાનોમાં હિન્દી ફિલ્મો અને હોલિવૂડ મૂવી માટે વધુ ક્રેઝ છે, પણ સમકાલીન વિષયોને પ્રાધાન્ય આપતી ફિલ્મો દર્શકોને પસંદ પડી રહી હોવાથી નેપાળી ચિત્રપટ સૃષ્ટિનું ભાવિ ઉજળું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ લો, હવે ચીનમાં મેડ ઈન ઈન્ડિયા…!