કવર સ્ટોરીઃ લો, હવે ચીનમાં મેડ ઈન ઈન્ડિયા…! | મુંબઈ સમાચાર
મેટિની

કવર સ્ટોરીઃ લો, હવે ચીનમાં મેડ ઈન ઈન્ડિયા…!

હેમા શાસ્ત્રી

મેડ ઈન ચાઈના’ પ્રોડક્ટ્સ દુનિયાના અનેક દેશોમાં લોકપ્રિય છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સથી માંડી ફર્નિચર-ફર્ટિલાઈઝર્સ તેમ જ રમકડાં અને દિવાળીની લાઈટિગ સહિત વિવિધમેડ ઈન ચાઈના’ પ્રોડક્ટનું ધમધમતું બજાર છે.

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની યાત્રાને પગલે વચ્ચે થોડી મોળી પડી ગયેલી `મેડ ઈન ચાઈના’ પ્રોડક્ટ્સ માટે તત્પરતા ફરી વેગ પકડશે એવી ગણતરી મૂકાઈ રહી છે.

ચિત્રપટ પ્રદર્શન પણ એક બિઝનેસ છે અને આપણા માટે આનંદની વાત એ છે કે છેક 1955થી ચીનમાં `મેડ ઈન ઈન્ડિયા’ ફિલ્મની ડિમાન્ડ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા કશ્મીરી ફિલ્મ લેખક-દિગ્દર્શક રાહત કાઝમીની આગામી હિન્દી ફિલ્મએ ચીનમાં કરેલો વિક્રમ કર્યો જાણ્યા પછી ઝીણી આંખો ધરાવતા ચીનાઓની આંખો પહોળી થઈ જવાની એ નક્કી.

ભારત-વિયેતનામના સહયોગથી બનેલી લવ ઈન વિયેતનામ’ નામની ફિલ્મ ભારતમાં રિલીઝ થવા પૂર્વે ચીનમાં 10 હજાર સ્ક્રીન મેળવવામાં સફળ થઈ છે. આવી સિદ્ધિ મેળવનારી આ પહેલી ભારતીય ફિલ્મ છે. ટૂંકમાં કહીએ તો ઊલટી ગંગા વહેવાની છે. ચીનમાંમેડ ઈન ઈન્ડિયા’નો વાવટો લહેરાવાનો છે.

અહાન પાંડે-અનીત પડ્ડાની મોહિત સૂરી દિગ્દર્શિત સૈયારા’એ ધૂમ મચાવી પ્રેમના પાવરનો પરચો બતાવ્યા પછી બીજી એક લવ સ્ટોરી યંગસ્ટર્સના દિલ બહેલાવવા તૈયાર છે.

ફિલ્મના કલાકારોમાં શાંતનુ મહેશ્વરી (ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ સાથે થોડો સમય રોમેન્સ કરતો બિહારી મુસ્લિમ દરજી) અવનીત કૌર (`મર્દાની 2′ ની રાની મુખરજીની ભત્રીજી) અને વિયેતનામી અભિનેત્રી તેમજ હિન્દી ફિલ્મોના પીઢ કલાકારો ફરીદા જલાલ, રાજ બબ્બર અને ગુલશન ગ્રોવરનો પણ સમાવેશ છે.

વિયેતનામ અને આપણા પંજાબનાં નયનરમ્ય સ્થળોએ ફિલ્મનું શૂટિગ કરવામાં આવ્યું છે. વિશાળ પાયે કામ કરતી ચીનની `શાંઘાઈ વાયસી મીડિયા એન્ડ ફિલ્મ કંપની’ એ ચીનનાં થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરવાના હક મેળવ્યા છે.

ભારતભરમાં 12 સપ્ટેમ્બરે રિલીઝ થનારી પ્રેમ અને મૈત્રીની ભાવના ધરાવતી આ ફિલ્મ ચીનમાં ક્રિસમસની છુટ્ટીઓ દરમિયાન રજૂ કરવામાં આવશે. એક ઓછા જાણીતા તેમજ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ ફિલ્મો બનાવનારા ભારતીય ફિલ્મમેકરના ચિત્રપટને આવી વ્યાપક રિલીઝ થવાનું કારણ શું અને એ પણ ભારતમાં રિલીઝ થવા પૂર્વે?

વેલ, ચીનની મીડિયા કંપનીની પાર્ટનર જેસિકા ઝેન ખુલાસો કરે છે કે આ ફિલ્મને વ્યાપક રિલીઝ કરવાનું એક કારણ એ છે કે ફિલ્મની સ્ટોરી ટર્કીશ સાહિત્યની બેસ્ટ સેલર બુકમડોના ઈન અ ફર કોટ’ પરથી પ્રેરિત છે અને બીજું કારણ એ છે કે પહેલી વાર ભારત – વિયેતનામ સહયોગથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મની `રફ કટ’ (મ્યુઝિક, સાઉન્ડ ઇફેક્ટ્સ, ટાઈટલ તેમજ સ્પેશ્યલ ઈફેક્ટ્સ વગરનું ફૂટેજ) અમારી ટીમે જોઈ અને બધાને આ ફિલ્મ સ્પર્શી ગઈ.

આ કેવળ એક ફિલ્મ નથી, બલ્કે ખળખળ વહેતી લાગણીઓની સરિતા છે, જે ભાષા કે સંસ્કૃતિના સીમાડા તોડી દરેક હૈયાને રસતરબોળ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફિલ્મ ચીનના ફિલ્મ રસિકોને દેખાડવા અમે થનગની રહ્યા છીએ.’

વિયેતનામના સાહિત્યને ચીનમાં ખાસ્સું પસંદ કરવામાં આવે છે એટલે આ ફિલ્મ જે પુસ્તક પરથી બની છે એનાથી ચીનના નાગરિકો વાકેફ હોવાની સંભાવના પૂરેપૂરી છે.

ચીનમાં રિલીઝ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ હતી રાજ કપૂર નિર્મિત-દિગ્દર્શિત-અભિનીત આવારા’. એ ફિલ્મને ચીનમાં રિલીઝ કરવાનો શ્રેય નાટ્ય સંસ્થાઈપ્ટા’ (ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન)ને જાય છે.

ભારતમાં આ ફિલ્મ 1951માં રિલીઝ થઈ હતી, પણ ચીનમાં 1955માં પ્રદર્શિત કરવામાં આવી હતી. સાત દાયકા પછી આ એક વધુ ફિલ્મ ચીની દર્શકોને મોહિત કરવા સજ્જ થઈ છે. ચીનમાં ભારતીય ચિત્રપટોની રિલીઝ અને એને મળતા આવકાર-સફળતાનું મહત્ત્વ કેવળ ચિત્રપટની દુનિયા પૂરતું સીમિત નથી. એની ફરતે એક વિશિષ્ટ રાજકારણ પણ આકાર લે છે જે સમજવું મજેદાર છે.

સ્વદેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિદેશી ફિલ્મોની ઝાળ ન લાગે એ હેતુથી ચીનમાં વિદેશી ફિલ્મો રિલીઝ કરવાનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. વિશેષ તો હોલિવૂડ -અમેરિકન ફિલ્મો ચીનમાં બનતી ફિલ્મોનું માર્કેટ આંચકી ન લે એ હેતુથી ચીનમાં 1990ના દાયકાથી વિદેશી ફિલ્મોના પ્રદર્શન પર મર્યાદા રાખવામાં આવી છે. આ વાતાવરણમાં ભારતીય અને એ પણ હિન્દી ફિલ્મ વિશાળ પાયે રિલીઝ થાય એ ચોક્કસ આપણા માટે હરખાઈ જવાની જ વાત છે.

ઓટીટી રિલીઝને કારણે ગયા વર્ષે હિન્દી ફિલ્મોના શોખીનોને ખાસ્સી પસંદ પડેલી વિજય સેતુપતિની મહારાજા’ ફિલ્મ ચીનમાં 40 હજાર સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી. જોકે, ફિલ્મ આપણે ત્યાં ગયા વર્ષે જૂન મહિનામાં પ્રદર્શિત થઈ હતી અને નવેમ્બરમાં એ ચીનમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મતલબ કે ચીનમાં રિલીઝ નક્કી થવા પૂર્વે ભારતીય દર્શકોના પ્રતિસાદની જાણ હતી.લવ ઈન વિયેતનામ’ની સિદ્ધિ એટલા માટે નોખી છે કે સ્વદેશમાં રિલીઝ થવા પૂર્વે જ એને 10 હજાર સ્ક્રીનની વ્યાપક રિલીઝ ફાળવવામાં આવી છે.

કોણ છે આ રાહત શાહ કાઝમી…
ધરતી પરના સ્વર્ગની ઉપમા ધરાવતા કાશ્મીરના 45 વર્ષના રાહત શાહ કાઝમી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનારા ફિલ્મ લેખક અને દિગ્દર્શક છે. ખ્યાતનામ લેખિકા ઈસ્મત ચુગતાઈની વિવાદાસ્પદ નવલિકા લિહાફ’ (લિહાફ એટલે રજાઈ) પરથી એ જ નામની ફિલ્મથી કાઝમીનું નામ વધુ જાણીતું થયું હતું.

આ ફિલ્મના સહ નિર્માતા હતા માર્ક બેશેટ (2001ની ઓસ્કર વિજેતા ફિલ્મનો મેન્સ લેન્ડ’ના પ્રોડ્યુસર) હોવાથી ફિલ્મને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી. આ સિવાય કાઝમીએ સઆદત હસન મંટોની ચાર વાર્તા પર આધારિત મંટોસ્તાન’ ફિલ્મ પણ બનાવી હતી, જેનું પ્રીમિયર 2016માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

પ્રખ્યાત બ્રિટિશ લેખક એચ. જી. વેલ્સનીકન્ટ્રી ઓફ બ્લાઈન્ડ’ નામની વાર્તા પરથી એ જ નામની ફિલ્મ પણ કાઝમીએ બનાવી હતી, જે 2023માં રિલીઝ થઈ હતી. 2014માં કાઝમીએ `આઈડેન્ટિટી કાર્ડ’ બનાવી હતી, જેમાં કાશ્મીરની પરિસ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ લાઈનબંધ લવ સ્ટોરીની કહાણી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button