કવર સ્ટોરીઃ કોમેડી કરવી છે, કારણ કે…

- હેમા શાસ્ત્રી
પિતા મહેશ ભટ્ટની ‘સંઘર્ષ’ (1999)માં બાળ કલાકાર તરીકે અભિનય યાત્રા શરૂ કર્યા પછી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (2012)માં પહેલી વાર હીરોઈન બનેલી આલિયા ભટ્ટ 13 વર્ષમાં અવ્વલ અભિનેત્રી સાબિત થઈ છે. બાવીસેક ફિલ્મમાં વિવિધ પ્રકારની ભૂમિકા કરવાને પ્રાધાન્ય આપનારી આલિયા હવે અલાયદી ભૂમિકા કરવા તત્પર છે. આ નિર્ણય કરતા નિર્ણયનું કારણ જાણી અનેક લોકોને આશ્ર્ચર્ય અને હેરત થયા છે.
2022ના એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન થયા પછી કપૂર ખાનદાનની પુત્રવધૂ બની હોવાથી આલિયાની ફિલ્મ કેરિયર પર પડદો પડી જશે એવું જો કોઈએ ધાર્યું હોય તો એ મોટી ભૂલ હતી. આજની તારીખમાં હિન્દી ફિલ્મની હિરોઈન લગ્ન થયા પછી અને માતૃત્વ ધારણ કર્યા બાદ માતાના રોલમાં ફિટ કરી દેવાની ઈન્ડસ્ટ્રીની માનસિકતા ઘણે અંશે નીકળી ગઈ છે. આલિયા ઉપરાંત દીપિકા પાદુકોણ એના અગ્રણી ઉદાહરણ છે.
2022માં મેરેજ અને એ જ વર્ષે નવેમ્બરમાં માતા બન્યા પછી પણ હીરોઈનના રોલ માટે આલિયાની ડિમાન્ડમાં ઓટ નથી આવી. મજેદાર વાત તો એ છે કે આ તબક્કે આલિયામાં અત્યાર સુધી ક્યારેય ન કર્યો હોય એવો કોમિક રોલ-કોમેડી ફિલ્મ કરવા તાલાવેલી જોવા મળી રહી છે.
આ નિર્ણયમાં રોલમાં વૈવિધ્ય કરતાં વધુ મજબૂત કારણ છે પુત્રી રાહા. દીકરી મોટી થાય અને મમ્મીની ફિલ્મ જોતી વખતે ખડખડાટ હસી શકે એ ઈચ્છા આલિયાના આ નિર્ણયમાં બળવત્તર છે. દીકરી મારી લાડકવાયી ભાવના પ્રમુખ ભાગ ભજવી રહી છે.
તેર વર્ષની નાનકડી કારકિર્દી દરમિયાન આલિયા ભટ્ટ વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરનારી સમર્થ અભિનેત્રી સાબિત થઈ છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની ગર્ભશ્રીમંત વૈભવી પરિવારની ફેશનેબલ પુત્રી, ‘હાઇવે’માં કડક દાબમાં રહેલી અને પછી અપહરણ કરવામાં આવેલી બિઝનેસમેનની પુત્રી.
‘રાઝી’ની વિચક્ષણ જાસૂસ, ‘ડિયર ઝિંદગી’ની અસલામતી અનુભવતી અને ખૂબ અસ્વસ્થ રહેતી સિનેમેટોગ્રાફર, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની વેશ્યા… આ વૈવિધ્યપૂર્ણ અને દમદાર યાદીમાં એક મહત્ત્વની શૈલી (જોનર)ની ગેરહાજરી વર્તાય છે. અને એ છે હળવો ફૂલ કોમેડી રોલ.
પડદા પર આલિયાને જોઈ દર્શકોએ રોમેન્સ અનુભવ્યો છે, એને માટે અનુકંપા થઈ છે, જુસ્સાનો અનુભવ સુધ્ધાં કર્યો છે અને એની હિંમત માટે માન પણ થયું છે, પણ ક્યારેય એને જોઈને ખડખડાટ હસવાનો આનંદ લઈ શકાય એવો રોલ એણે ક્યારેય નથી કર્યો. આલિયાને હવે રૂપેરી પડદા પર કોમેડી કરવી છે.
અગાઉ ન ભજવેલી ભૂમિકા ભજવવા કરતા વિશેષ તો દીકરી રાહાને ધ્યાનમાં રાખી આ ઈચ્છા જન્મી છે. પ્રિય દર્શકોને પોતાનો એક નવો અવતાર જોવા મળે એના કરતાં દીકરી રાજી થાય એ કારણ કોમિક રોલ માટેના તલસાટનું કારણ છે.
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે આ વાત મોકળા મને કરી છે. સિને પ્રેમીઓએ વિચાર્યું પણ નહીં હોય એ વાત પર ભાર આપી અભિનેત્રીએ કહ્યું છે કે દીકરી જોઈ શકે એવી ફિલ્મ પોતે હજી નથી કરી. રાહા હજી નવેમ્બરમાં ત્રણ વર્ષની થશે. અત્યાર સુધી આલિયાએ કરેલી ફિલ્મો એની અભિનયની ઊંચાઈ દર્શાવતી ભલે હોય, પણ રાહા જોઈને કિલકિલાટ કરી શકે એવી એક ફિલ્મ સુધ્ધાં નથી.
અલબત્ત, કોમેડી ફિલ્મ કરવાનો વિચાર અચાનક નથી આવ્યો. છેલ્લાં કેટલાક સમયથી આ વાત દિમાગમાં સળવળાટ કરી રહી છે. માતા બન્યા પછી એ ઈચ્છા તીવ્ર બની હોવાનો ખુલાસો ખુદ આલિયાએ કર્યો છે. એક ડગલું આગળ વિચારતી અભિનેત્રીએ ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે ‘હાસ્યપ્રધાન રોલ ધરાવતા ચિત્રપટ અંગે વાતચીત ચાલી રહી છે. કશુંક નક્કર થશે એટલે હું જાહેરાત કરીશ.’
સંખ્યામાં નાની પણ વૈવિધ્યમાં વિશાળ કરિયર ધરાવતી આલિયા દરેક પાત્રમાં બહુ આસાનીથી ઢળી ગઈ હોવાનું જોવા મળ્યું છે. કોમિક રોલ એના માટે નવી કસોટી હશે અને એવા રોલની ફિલ્મ પરિવાર બાળકો સાથે જોઈ અને માણી શકે એનું આલિયાને મન વિશેષ મહત્ત્વ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડી લેતી કે પ્રેમભંગ થતી અથવા સામાજિક દૂષણનો સામનો કરતા પાત્ર ભજવ્યા પછી હવે પોતાની દીકરી સહિત સિને પ્રેમીઓને હસાવવા થનગની રહી છે.
દીકરી રાહાના જન્મ પછી આલિયાના કરિયર પ્રત્યેના દ્રષ્ટિકોણમાં બદલાવ આવવાની શરૂઆત થઈ છે. માતૃત્વ અને સખત પરિશ્રમ માંગતા વ્યવસાય વચ્ચે સંતુલન વિશે એ સતત ચર્ચા કરી રહી છે, પોતાના અભિપ્રાય આપી રહી છે. બાળ ઉછેરમાં સરખી જવાબદારી ઉપાડવા કાયમ તત્પર રહેતા પતિ રણબીર કપૂરને આલિયાએ બિરદાવ્યો છે.
પરિણામે પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવામાં બંનેને મદદ મળે છે. આ સંતુલનની સૌથી મજેદાર વાત એ છે કે રણબીર-આલિયા ફરજની વહેંચણી કરવાની સાથે કરિયર અંગે નિર્ણય લેવામાં અનુકૂળ રહે છે.
કોમિક રોલ કરવા ઉત્સુક આલિયા પાસે હાલ રહેલા ચિત્રપટ એના અભિનય સામર્થ્યને પુષ્ટિ આપે છે. ‘યશરાજ ફિલ્મ્સ’ના સ્પાય યુનિવર્સની ‘આલ્ફા’ પર અનેક લોકોની નજર છે. ફિલ્મમાં આલિયા મહિલાના લડાયક સશસ્ત્ર દળનું નેતૃત્વ કરે છે. આ સ્પાય યુનિવર્સની ફિલ્મમાં પહેલીવાર નારી શક્તિ અગ્રસ્થાને છે. શર્વરી વાઘ અને બોબી દેઓલ સહ કલાકાર છે.
સખત શારીરિક શ્રમ માંગતી આલિયાની કરિયરની આ પહેલી ફિલ્મ છે અને એમાં અભિનેત્રી કેવી કમાલ દેખાડે છે એ જોવા – જાણવા દર્શકોમાં ઉત્સુકતા છે. આ ઉપરાંત સંજય ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં પણ આલિયા એક વિશિષ્ટ ભૂમિકામાં જોવા મળશે એવી આશા અસ્થાને નથી.
આલિયાએ ભલે દીકરી માટે કોમેડી ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હોય, અંતે ફાયદો તો સિને દર્શકોનો જ છે. રણબીર કપૂરે રોમેન્ટિક ઈમેજમાંથી બહાર નીકળી ‘એનિમલ’માં સાવ અલગ રોલ કરી સફળતા મેળવી. આલિયાની કરિયરમાં શું થશે એ તો આવનારો સમય જ કહેશે.
આપણ વાંચો: શો-શરાબાઃ અપન કા ટાઈમ વાપિસ કબ આયેગા?