મેટિની

કવર સ્ટોરીઃ ગ્રીક ગોડને જોયાં નથી, પણ કોઈ અફસોસ નથી… કારણ કે ધરમજીને સાક્ષાત્‌‍ જોયાં છે!

હેમા શાસ્ત્રી

એક્ટિંગ-એ શહેનશાહ’ એવા દિલીપ કુમારે એક વખત કહ્યું હતું કે હે ભગવાન, તે મને ધર્મેન્દ્ર જેટલો હેન્ડસમ કેમ ન બનાવ્યો?!’
આટલું વાંચ્યા પછી ધરમ પ્રાજીના મોહક વ્યક્તિત્વ વિષે વધુ કંઈ કહેવા-લખવાની જરૂર ખરી?

ધરમજીએ જેમની ઝંઝીર’ની વાર્તા ખરીદી એમાં એંગ્રી યંગ મેનનો રોલ કરવાના હતા એ સલીમ-જાવેદ જોડીના જાવેદ અખ્તરે ધરમજીની કરિયર કથામાં કહ્યું છે કે સાહિત્યિક કે અન્ય લખાણમાં સ્ત્રીઓના સૌંદર્યની તારીફ કરતી વખતે વિશેષણો ખૂટી પડે, પણ હેન્ડસમ પુરૂષના વર્ણન માટે શબ્દો શોધવા નીકળવું પડે. કોઈ ખૂબસૂરત-રૂપાળા માટે `ગ્રીક ગોડ’ વિશેષણ વપરાતું આવ્યું છે. ગ્રીક ગોડ જેવા એટલે કેવા એનો જવાબ ન આપી શકાય કારણ કે મારા સહિત લગભગ કોઈએ ગ્રીક ગોડ જોયા નથી, પણ મને એનો કોઈ અફસોસ નથી, કારણ કે મેં ધર્મેન્દ્રને જોયા છે.’

ધર્મેન્દ્ર એટલે હેન્ડસમ હીરો ઉપરાંત હી મેન, એક કસાયેલા સ્નાયુબદ્ધ શરીરના આ સ્વામી જે રીતે હિન્દી ફિલ્મના ફાઈટ સીનમાં ચાર-પાંચને ધૂળ ચાટતા કરી દે તો એમાં જોનારને અતિશયોક્તિ ન લાગે. ગુડ્ડી' ફિલ્મમાં સમિત ભાંજા (બંગાળી એક્ટર) ફાઈટ સીન કરીને આવેલા પ્રાણને કહે છે કેઆપ તો ફિલ્મો મેં સભી હીરો સે માર ખા લેતે હૈં.’ એના જવાબમાં પ્રાણનો ડાયલોગ છે :

`બરખુરદાર, ધર્મેન્દર તો ઐસા કદાવર હીરો હૈ કે જિસસે માર ખાને મેં મઝા આતા હૈ. લેકિન મુજે ઐસે ઐસે હીરોને મારા હૈ કે જિનકો ફૂંક મારૂં તો ઉડ જાએ.’
અલબત્ત, ધરમજી એટલે હેન્ડસમ-હી મેન હીરો પર વાત પૂરી નથી થઈ જતી. આ બંને વિશેષણ ઉપરાંત એક બેહતરીન એક્ટર અને એક સરળ-સાલસ અને પ્રેમાળ સ્વભાવના એક ઉમદા ઈન્સાન એ એમની પ્રમુખ ઓળખ છે.

એક્ટર ધર્મેન્દ્રને સમજવા માટે કોઈ એક નહીં, બલ્કે એકબીજાથી સાવ વિભિન્ન ફિલ્મોના ધરમજીને જોવા-જાણવા અને સમજવા જોઈએ. સત્યકામ’,બંદિની’, અનુપમા’,ગુડ્ડી’, `ચુપકે ચુપકે’ ફિલ્મોમાં તમને ધરમજીના અભિનયની કમાલ રેન્જ જોવા મળે છે.

1948માં દિલીપ કુમારની શહીદ’ ફિલ્મ જોયા પછી રૂપેરી પડદા પર ચમકવાનું ધરમજીનું સપનું 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે’માં સાકાર થયું. 1965ની `ફૂલ ઔર પત્થર’થી પ્રથમ પંક્તિના હીરો બની ગયેલા ધરમજી માટે 1970નો દાયકો ગજબનાક સફળતાનો રહ્યો. 1970ના દાયકાની વાત નીકળે ત્યારે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનનાં ગીત વધુ ગવાય.

અલબત્ત, એનું કારણ એવું છે કે 1969થી 1972 દરમિયાન રાજેશ ખન્નાનો જ વાવટો સર્વત્ર લહેરાતો હતો અને 1973માં `ઝંઝીર’થી અમિતાભ બચ્ચનનો સિતારો ઝગારા મારવા લાગ્યો, પણ એક મિનિટ.. સિત્તેરના દાયકા (1970-79)નું ઝીણવટથી નિરીક્ષણ કરતા ખ્યાલ આવે છે કે એ દસ વર્ષમાં સૌથી વધુ સફળતા તો ધરમજીના નામે છે.

1970-79 દરમિયાન ધરમજી, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની 60થી વધુ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. બોક્સ ઓફિસ સફળતાનો હિસાબ કરતા જાણવા મળે છે કે ધરમજીની 80 ટકાથી વધુ ફિલ્મો સફળ રહી હતી. અમિતજી બીજા અને રાજેશ ખન્ના ત્રીજા નંબરે હતા. વાત અહીં પૂરી નથી થતી. સિત્તેરના દાયકામાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના કરતાં ધરમજીની ભૂમિકાઓમાં વધુ વૈવિધ્ય જોવા મળ્યું.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ચિલ્ડ્રન્સ ફિલ્મો માટે કેમ ઘોર ઉદાસીનતા?

રોમેન્ટિક, કોમેડી, એક્શન એમ વિવિધ પાત્રોમાં આસાનીથી ઢળી જઈ અવ્વલ અભિનેતા ગણાયેલા ધરમજીની ઈક્કીસ’ નામની ફિલ્મ આવતા મહિને રિલીઝ થઈ રહી છે. એ વાત તો જગજાહેર છે કે ઝંઝીર’ ફિલ્મની વાર્તા ધરમજીએ સલીમ ખાન પાસેથી ખરીદી હતી અને પોતે મેઈન રોલ કરવાના હતા.

જોકે, પારિવારિક કારણસર ધરમજીને ઝંઝીર’ છોડવી પડી અને અમિતાભ બચ્ચન એન્ગ્રી યંગ મેન બની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા. અમિતજીને દોડવા માટે ઢાળ મળ્યો એમાં ધરમજી પરોક્ષ રીતે જવાબદાર હતા તો શોલે’માં એમના સૂચનથી જ જયના રોલમાં અમિતાભ બચ્ચનને સાઈન કરવામાં આવ્યા હતા.

વાત એમ હતી કે જયના રોલ માટે પહેલા શત્રુઘ્ન સિન્હાનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર મિસ્ટર સિન્હા ખસી ગયા. આ પરિસ્થિતિમાં ધરમજીએ અમિતાભ બચ્ચનના નામની ભલામણ કરી. ફિલ્મ રિલીઝ થયા પછી શોલે’ના જયની વાહ વાહ થઈ. ધરમજીના કહેવાથી મળેલી ફિલ્મ અમિતજીને ફળી. જોગાનુજોગ એવો છે કે શોલે’ (1975)ના 50 વર્ષ પછી 2025માં રિલીઝ થઈ રહેલી `ઈક્કીસ’માં અમિતાભ બચ્ચનનો દોહિત્ર (દીકરી શ્વેતા નંદાનો પુત્ર) અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે.

કહેવા માટે 2023માં આવેલી ઝોયા અખ્તરની ધ આર્ચીઝ’ અગસ્ત્યની ડેબ્યુ ફિલ્મ છે, પણ ફિલ્મ ફ્લોપ હતી અને એના દર્શકોની સંખ્યા પણ જૂજ હતી એટલે ઈક્કીસ’ અગસ્ત્યની વ્યવસ્થિત ડેબ્યુ ફિલ્મ ગણવી જોઈએ. આ ફિલ્મમાં ધરમજીનો રોલ અગસ્ત્યના પિતાનો છે. શું 50 વર્ષ પહેલા જેમ અમિતજી માટે ધરમજી નસીબવંતા પુરવાર થયા હતા એ જ રીતે અગસ્ત્ય નંદા માટે પણ લકી સાબિત થશે કે કેમ એવી ચર્ચા થઈ રહી છે.

તાળું-ચાવી ને દરવાજો…
ધરમજી અને અમિતાભની ફિલ્મોના એક વિશિષ્ટ દ્રશ્યની વાત જાણીએ, જે સીન અમિતજીનો ટ્રેડમાર્ક બની ગયો.
1973માં આવેલી કહાની કિસ્મત કી’ ફિલ્મના એક સીનમાં ધરમજી ગુંડા જગ્ગા (શેટ્ટી)ને શોધતા શોધતા એના અડ્ડા પર પહોંચે છે. જેલમાંથી છૂટી ગયેલા ધરમજીને જોઈ ગભરાઈ ગયેલો જગ્ગા હાંફળો ફાંફળો થઈ નાસી છૂટવાની પેરવી કરે છે, પણ ધરમજી જે દરવાજેથી દાખલ થયા હોય છે એને પોતાના હાથે તાળું મારી ચાવી પોતાના ખિસ્સામાં મૂકી ડાયલોગ બોલે છે કેજગ્ગા, ઈસ દરવાજે સે વોહી બહાર જાએગા જો ઝિંદા બચેગા.’

એ પછી ધરમજી અને પહેલવાન શેટ્ટી વચ્ચે જોરદાર ઢિસુમ … ઢિસુમ’ થાય છે અને આખરે વિલન ચિત્ત… હવે તાળા-ચાવીના રેફરન્સ પરથી અમિતાભ બચ્ચનનીદીવાર’ યાદ કરો. એમાં પણ વિલનના અડ્ડા પર અમિતજી પણ બારણાને તાળું વાસીને કહે છે: `ઈસે (ચાવીને) અપની જેબ મેં રખ લે, પીટર…. અબ યે તાલે કી ચાબી તેરી જેબ સે નિકાલકર હી ખોલુંગા.’ આ સિક્વન્સમાં પણ હીરો અને વિલનની ગેન્ગ વચ્ચે મારામારી થાય છે અને હીરોનો વિજય થાય છે.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ રેખા-પ્રિયંકા: કમાલની કમબેક કહાણી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button