COME SEPTEMBER… કોપીની કહાણી
મેટિની

COME SEPTEMBER… કોપીની કહાણી

હેન્રી શાસ્ત્રી

આજે નવરાત્રીનું પાંચમું નોરતું સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો શુક્રવાર. સપ્ટેમ્બર મહિનો અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ COME SEPTEMBER સાથે એ હદે વણાઈ ગયો છે કે 65 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મની એક ટ્યુન આજે પણ સંગીતપ્રેમીઓનાં દિલો-દિમાગમાં અકબંધ જળવાયો છે. સપ્ટેમ્બર મહિનામાં વિવિધ સ્તરે એને યાદ કરવામાં આવે છે. એનું સ્મરણ માત્ર રોમેન્ટિક મૂડ ખડો કરી દે છે.

1960ના દાયકાના સ્ટાર એકટર એવ એવા રોક હડસન અને જીના લોલોબ્રિજીડાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આ અવિસ્મરણીય ધૂન (થીમ મ્યૂઝિક) બોબી ડેરિન નામના અમેરિકન ગાયક, ગીતકાર, વાદક અને અભિનેતાએ તૈયાર કરી હતી. ડેરિને COME SEPTEMBER ફિલ્મમાં કામ પણ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવનાર ડેરિનનું માત્ર 37 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની થીમનો આધાર લઈ શક્તિ સામંતએ ‘કશ્મીર કી કલી’ (શમ્મી કપૂર અને શર્મિલા ટાગોર) અને જી. પી. સિપ્પીએ ‘મેરે સનમ’ (વિશ્વજીત-આશા પારેખ)નું નિર્માણ કર્યું હતું. બંને ફિલ્મને દર્શકોએ ઉમળકાથી વધાવી લીધી હતી અને એના ગીત-સંગીત તો આજે પણ રસિકો ગણગણતા હોય છે. COME SEPTEMBER ના સદાબહાર ટ્યુનની નકલ હિન્દી ફિલ્મોમાં જોવા મળી છે. આશ્ર્ચર્યની વાત એ છે કે સૌ પ્રથમ ઉઠાંતરી પાકિસ્તાની ફિલ્મ ‘દાલ મેં કાલા’ (1962)ના ‘સમજ ના આયે દિલ કો કહાં લે જાઉં સનમ’ ગીતમાં કરવામાં આવી હતી.

સુનીલ દત્ત-વિમી-અનવર હુસેન: ગુમરાહ

‘કમ સપ્ટેમ્બર’ની ધૂનનો ઉપયોગ-ઉઠાંતરી બી. આર. ચોપડાની સસ્પેન્સ થ્રિલર ‘હમરાઝ’ (1963)માં કોઈ ગીતમાં નહીં, સીનમાં કરવામાં આવ્યો હતો. વાર્તા અનુસાર હીરોઈન વિમીએ પોતાના ભૂતકાળની એક નાજુક ઘટના પતિ સુનીલ દત્તથી છુપાવી હોય છે. પોણા ત્રણ કલાક લાંબી ફિલ્મમાં એક કલાક 14 મિનિટ પછી વિમીના જીવનમાં વમળ પેદા કરવા અનવર હુસેનની એન્ટ્રી થાય છે.

એક પાર્ટીમાં અનવર હુસેન વિમીના પહેલા પતિ (યુદ્ધમોરચે ગયા પછી પાછા ન ફરેલા રાજકુમાર)ના અંગત મિત્ર તરીકે પોતાની ઓળખાણ આપે છે. ત્યારે વિમી પોતે સુનીલ દત્તને પરણી ગઈ હોવાનું જણાવી રાજકુમાર સાથેના લગ્નની વાત સુનીલ દત્તને નહીં જણાવવા વિનંતી કરે છે.

પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી અનવર હુસેન વિમીને બ્લેકમેલ કરવાની ધમકી આપે છે એ સિક્વન્સમાં 45 સેક્ધડ માટે આ અફલાતૂન ધૂન વાગે છે. જોકે, વાર્તાના મહત્ત્વના વળાંક વખતે એનો ઉપયોગ થયો હોવાથી તેમ જ એ ધૂન મોહક હોવાથી અનેક ફિલ્મ રસિકોને યાદ રહી ગઈ હતી.

મસ્ત નઝર દેખ ઈધર-એક દિલ ઔર સો અફસાને

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક લોકો અને વિશેષ કરી સંગીતકારો આ વિદેશી ધૂનથી એટલા પ્રભાવિત થયા હતા કે યેન કેન પ્રકારે એ ધૂન પોતાના કમ્પોઝિશનમાં સામેલ કરવા તલપાપડ હતા. રાજ કપૂર-વહિદા રેહમાનની ‘એક દિલ ઔર સૌ અફસાને’ (1963)માં શંકર જયકિશનને પણ લાલચ થઈ હતી.

રાજ કપૂર પર ફિલ્માવાયેલા પાર્ટી સોંગ ‘મસ્ત નઝર દેખ ઈધર’ના સ્વરાંકનમાં સંગીતકાર જોડીએ બેઠી નકલ નથી કરી, પણ ‘કમ સપ્ટેમ્બર’ થીમના પ્રારંભિક હિસ્સાને ઉપાડી પછી પોતાનો ટચ આપી દીધો છે.

પ્યાર કી આગ મેં તનબદન જલ ગયા: જિદ્દી

અત્યંત પ્રયોગશીલ અને અલાયદા સંગીતકારની ઓળખ ધરાવતા એસ. ડી. બર્મન સુધ્ધાં ‘કમ સપ્ટેમ્બર’ના પ્રભાવથી મુક્ત નહોતા રહી શક્યા. પ્રમોદ ચક્રવર્તી દિગ્દર્શિત ‘જિદ્દી’ (જોય મુખરજી-આશા પારેખ-1964)માં મન્ના ડેના સ્વરમાં રજૂ થયેલા ‘પ્યાર કી આગ મેં તનબદન જલ ગયા’ની છેલ્લી કડીમાં 10 સેકંડ માટે અમેરિકન ટ્યુન વગાડવામાં આવી છે.

આ ગીતની અન્ય એક રસપ્રદ વાત એ છે કે પડદા પર આ ટ્યુન બ્રાસ બેન્ડ વગાડે છે. 1960ના દાયકામાં વરઘોડામાં બેન્ડવાજાના ચલણની શરૂઆત થઈ હતી જે આજદિન સુધી ચાલુ છે એ વાત પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

ટાઈટલ મ્યુઝિક-કહીં પ્યાર ના હો જાએ

મેહમૂદ-શકીલાને લીડ રોલમાં ચમકાવતી ‘કહીં પ્યાર ના હો જાએ’માં સાત ગીત છે અને પાંચ ગીતકાર છે. સંગીતકાર છે કલ્યાણજી-આનંદજી અને સહાયક તરીકે લક્ષ્મીકાંત-પ્યારેલાલનું નામ છે. જોકે, કલ્યાણજીભાઈ-આનંદજીભાઈએ કોઈ પણ ગીતમાં ધૂનની નકલ નથી કરી, પણ એ દોરમાં ‘કમ સપ્ટેમ્બર’ની કોપી માટે તીવ્ર ઉત્કંઠા રહેતી હતી એટલે નિર્માતાએ એક મિનિટ અને 40 સેક્ધડ ચાલતા ટાઈટલ દરમિયાન એ થીમ ટ્યુન સતત વાગ્યા કરે છે.

નઝરેં મિલી દિલ ધડકા: રાજા

1990ના દાયકામાં ફિલ્મ સંગીતમાં સંગીતકાર જોડી નદીમ-શ્રવણની બોલબાલા હતી. એમની સ્વર રચનાએ ધૂમ મચાવી હતી. અલબત્ત, ક્યારેક સંખ્યા સામે ગુણવત્તામાં બાંધછોડ થતી હોય છે. એક દાયકામાં અંદાજે સિત્તેર ફિલ્મ કરનાર સંગીતકાર જોડી પણ સહેલો રસ્તો અપનાવવાથી દૂર ન રહી શકી.

ઈન્દ્ર કુમારની સુપરહિટ ફિલ્મ ‘રાજા’ના ગીત નદીમ-શ્રવણએ સ્વરબદ્ધ કર્યા હતા. માધુરી દીક્ષિત-સંજય કપૂર પર પિક્ચરાઇઝ થયેલું અને અફાટ લોકપ્રિયતાને વરેલું ગીત ‘નઝરેં મિલી દિલ ધડકા, મેરી ધડકન ને કહા, લવ યુ રાજા’ (ઉદિત નારાયણ-અલકા યાજ્ઞિક)માં ‘કમ સપ્ટેમ્બર’ની ધૂનની બેઠી નકલ કરવામાં છે.

ડોલે ડોલે દિલ ડોલે: બાઝી

મશહૂર સંગીતકાર સરદાર મલિકના સુપુત્ર અનવર મલિકના પુત્ર અનુ મલિક પણ 1990ના દાયકામાં ખ્યાતિ મેળવી ચુક્યા હતા. એમની પણ સ્વતંત્ર સંગીતકાર તરીકે ડિમાન્ડ હતી. ‘લગાન’ ફિલ્મથી નામના મેળવનારા દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે ‘બાઝી’ નામની ફિલ્મ બનાવી હતી.

ફિલ્મનું કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલું અને આમિર ખાન પર ફિલ્માવાયેલું (ગીતમાં આમિર સેક્સી મેહબૂબાના અવતારમાં છે) ગીતના પ્રારંભમાં જ ‘કમ સપ્ટેમ્બર’ની ધૂન વાગે છે અને પછી ગીતના શબ્દો રેલાય છે. ‘રાજા’ની જેમ બેઠી નકલ. મજેદાર વાત એ છે કે ‘રાજા’ અને ‘બાઝી’ બંને 1995માં જ રિલીઝ થઈ હતી.

રીમઝીમ રીમઝીમ રીમઝીમ લો બરસે મોતી કે દાને: પ્રાઈવેટ સોંગ

સુમન કલ્યાણપુર એક ઉચ્ચ કોટિના ગાયિકા હોવા સાથે સંગીતના અઠંગ અભ્યાસુ કાયમ રહ્યાં છે. દેશી-વિદેશી સંગીતથી વાકેફ રહેવા સતત પ્રયત્નશીલ. 1960નો દોર ગ્રામોફોન પર રેકોર્ડ્સ સાંભળવાનો હતો.

સુમનજીએ ‘કમ સપ્ટેમ્બર’ની રેકોર્ડ સાંભળી અને એટલા સંમોહિત થયાં કે તરત એ ધૂનની બેઠી નકલ કરી એક પ્રાઈવેટ સોન્ગ રેકોર્ડ કરાવ્યું હતું. ગીતના શબ્દો છે ‘રીમઝીમ રીમઝીમ રીમઝીમ લો બરસે મોતી કે દાને’. ગીતકારનો ઉલ્લેખ નથી, પણ એ ગીત શૈલેન્દ્રએ લખ્યું હતું (એવી માન્યતા હતી). અલબત્ત, સુમન કલ્યાણપુરે ઓરિજીનલ સોંગને ક્રેડિટ આપી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button