મેટિની

ક્લેપ એન્ડ કટ..! ‘રામાયણ’નો શેરબજારમાં ‘હનુમાન કૂદકો’

-સિદ્ધાર્થ છાયા

ગયા અઠવાડિયે નીતેશ તિવારીની બે ભાગમાં બનનારી મેગ્નમ ઓપસ ‘રામાયણ’નો ફર્સ્ટ લૂક જાહેર થયો. આ ફર્સ્ટ લૂકે સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયાએ પણ આ લૂકને બંને હાથે વધાવી લીધો છે. જોકે, ‘વાનરવૃત્તિ’ ધરાવતા અમુક સળીખોરોએ આ ઘટનાની અલગથી મજા લીધી છે. એમણે રણબીરની આ ફિલ્મ ‘ રામાયણ’ના ફર્સ્ટ લૂકની સરખામણી ‘આદિપુરુષ’ સાથે કરીને એ ફિલ્મના મેકર્સને ટ્રોલ કર્યા છે, પરંતુ અહીં વાત છે ‘રામાયણ’ ફિલ્મના મેકર્સની. આ ફિલ્મને નમિત મલ્હોત્રાની ‘પ્રાઈમ ફોકસ સ્ટુડિયો’ એ પ્રોડ્યુસ કરી છે. ત્રીજી જુલાઈએ જ્યારે આ ફર્સ્ટ લૂક જાહેર થયો ત્યારથી આ કંપનીના શેર્સ સ્ટોક માર્કેટમાં જબરો ફાયદો લઇ રહ્યા છે.

એક સમયે ‘પ્રાઈમ ફોકસ’નો શેર જે 113.47 રૂપિયાનો હતો તે પહેલી જુલાઈએ 149.69નો થયો. આ 30%નો વધારો હતો અને ‘રામાયણ’ના ફર્સ્ટ લૂકના દિવસે
‘પ્રાઈમ ફોકસ’નો શેર 176 રૂપિયાને આંબી ગયો ! . આમ શેરબજારમાં ‘રામાયણ’ ફિલ્મના મેકર્સના શેર્સએ હનુમાન કૂદકો લગાવ્યો…

તમે જાણો છો તેમ આ ‘રામાયણ’ માં રણબીર ભગવાન રામની ભૂમિકા ભજવે છે તો સાઈ પલ્લવી સીતાની. હનુમાનજીની ભૂમિકા સન્ની દેઓલ ભજવશે અને રાવણ તરીકે ‘કેજીએફ’ ફેમ યશ જોવા મળશે.

‘ધુરંધર’એ થાઈલેન્ડને બનાવ્યું પાકિસ્તાન

છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના વિષયો પર ફિલ્મો બનાવે છે. આ ફિલ્મોમાં પાકિસ્તાન ખરેખર લાગવું જોઈએ તે માટે અથાગ પ્રયત્નો પણ થતાં હોય છે. અત્યારસુધી મુંબઈના ફિલ્મી સ્ટુડિયોમાં નકલી પાકિસ્તાન ઊભું કરવામાં આવતું. આઉટડોર માટે ઘણી વખત લડાખના ઓપન એરિયાનો લાભ પણ પાકિસ્તાન દેખાડવા માટે કરવામાં આવ્યો છે.

જોકે, ભારતીય જાસૂસોની વાત લાવનારી આદિત્ય ધરની આગામી ફિલ્મ ‘ધુરંધર’ એ તો આખી વાર્તા જ બદલી નાખી છે. આ ફિલ્મની ટીમે ભારતમાં નહીં, પરંતુ છેક થાઇલેન્ડ જઈને નકલી પાકિસ્તાન ઊભું કરી દીધું છે…!

સાચું કહીએ તો ક્યાં થાઈલેન્ડ અને ક્યાં પાકિસ્તાન? વાત જલદી ગળે ન ઊતરે, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલાં સૂત્રોનું કહેવું છે કે મેકર્સે થાઈલેન્ડમાં ઊભું કરેલું નકલી પાકિસ્તાન એકદમ અસલી લાગે એ માટે ભરપૂર પ્રયાસો કર્યા છે.

જેમણે પણ આ અઠવાડિયે ‘ધુરંધર’નું ટીઝર જોયું છે એ બધા એક અવાજે કહે છે : ‘બોસ, ફિલ્મના મેકર્સે આ નકલીને અસલી દેખાડવા ખરેખર જબરી જહેમત તો કરી જ છે!’

થાઈલેન્ડ સરકાર પોતે પણ પોતાના દેશમાં વધુને વધુ ફિલ્મો બને તે માટે લાલ જાજમ પાથરી ચૂકી છે. ‘ધુરંધર’ની ટીમના સભ્યો પણ સ્વીકારે છે કે અમે જે જે સુવિધા માગી હતી એ બધી જ થાઈલેન્ડ સરકારે ફિલ્મના શૂટિંગ દરમિયાન અમને પૂરી
પાડી છે…

આજકાલ તો અહીં થાઈલેન્ડમાં માત્ર બોલિવૂડ જ નહીં, હોલિવૂડની ફિલ્મો પણ ધડાધડ શૂટ થઇ રહી છે.

બસુનો દીપિકા પ્રત્યે ‘અનુરાગ’!

એ તો હવે જગજાહેર વાત છે કે દીપિકા પદુકોણએ સંદીપ રેડ્ડી વંગાની ‘સ્પિરિટ’ છોડી દીધી છે. આ ફિલ્મ છોડવા પાછળ દીપિકાએ કામના લાંબા કલાકોને કારણ ગણાવ્યું હતું. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો…’ના ડાયરેક્ટર અનુરાગ બસુ પણ દીપિકાના સમર્થનમાં આવ્યા છે. એ કહે છે કે મને ખુદને પણ લાંબા સમય સુધી શૂટ કરવું ગમતું નથી. ઘણી વાર મારા એક્ટર્સ પણ મૂંગા મોઢે પોતાનું કામ કરે છે અને મને ફરિયાદ પણ નથી કરતા….આથી એ દીપિકાની એ વાતથી સહમત છે કે શૂટિંગનો સમય અત્યંત લાંબો ન હોવો જોઈએ.

અનુરાગે એમ પણ ઉમેર્યું કે મારા કલાકાર કસબીઓ સેટ ઉપર ખુશ રહે એ વધુ ગમે છે… બસુએ તો ત્યાં સુધી કહ્યું કે એ પોતાના એક્ટર્સને શૂટિંગ શરૂ થાય તે અગાઉ એમના રોલ વિશે વધુ પડતી માહિતી આપતા નથી. આમ કરવાથી એક્ટર પોતે જાતે જ પોતાના રોલને વધુ સારી રીતે ઓળખી શકે છે અને તેને વધુ સારી રીતે નિખારે છે.

જો કે અનુરાગભાઈએ ‘સ્પિરિટ’ ફિલ્મ છોડ્યા પછી દીપિકાએ સ્ક્રિપ્ટની માહિતી સોશિયલ મીડિયામાં લીક કરી હતી એવા આરોપો અંગે ચૂપકીદી સાધી લીધી છે!

કટ એન્ડ ઓકે…
‘દીલજિત દોસંજને ‘બોર્ડર’માંથી કાઢી મૂકવામાં આવ્યો નથી કે ન તો એને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે.’
ફિલ્મ ‘બોર્ડર’ના પ્રોડ્યુસર ટી-સિરીઝે આવો ખુલાસો કરીને એ વાતને અફવા ગણાવી છે…

આ પણ વાંચો : ક્લેપ એન્ડ કટ..! : એક ખટ્ટ-મીઠી પ્રેસ કોન્ફરન્સ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button