ચાર્લી ચેપ્લિન-ઓપી નય્યર: કયા સંગીતકારથી પ્રભાવિત થયા? | મુંબઈ સમાચાર
મેટિની

ચાર્લી ચેપ્લિન-ઓપી નય્યર: કયા સંગીતકારથી પ્રભાવિત થયા?

માસ્ટર કૃષ્ણરાવ ગણેશ ફુલંબ્રીકરએ મરાઠી ઉપરાંત હિન્દી ચિત્રપટ સંગીતમાં અનોખી છાપ પાડી અને અભિનય સુધ્ધાં કર્યો

હેન્રી શાસ્ત્રી

માસ્ટર કૃષ્ણરાવ ગણેશ ફુલંબ્રીકર

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા કેટલાક ઉદાહરણ જોવા મળ્યા છે, જેમાં સંગીતકાર પોતે ગાયક સુધ્ધાં હોય. બાપ – બેટા સચિન દેવ બર્મન- રાહુલ દેવ બર્મન અને હેમંત કુમાર તેમજ કિશોર કુમાર અને સી. રામચંદ્ર તરત યાદ આવી જાય. ન્યુ થિયેટર્સના વખતમાં પંકજ મલિક આ શ્રેણીનું પ્રભાવી અને મોખરાનું નામ હતું. એ સિવાય બપ્પી લાહિરી, શંકર મહાદેવન, એ. આર. રેહમાન સુધ્ધાં આ જ પંક્તિમાં આવે. સાથે એવા જૂજ ઉદાહરણ પણ છે જેમાં સંગીતકારે ગીતકારનો રોલ પણ ભજવ્યો હોય. પ્રેમ ધવન, રવીન્દ્ર જૈન, વિશાલ ભારદ્વાજ એના ઉદાહરણ છે, પણ સંગીતકાર અભિનેતા? માથું ખંજવાળવું પડે. ગાયક – સંગીતકાર ઉપરાંત પંકજ મલિકે ફિલ્મમાં લીડ રોલ પણ કર્યા છે.

લતા દીદીએ પણ મરાઠી ફિલ્મમાં કેમેરાનો સામનો કર્યો હતો. એ સિવાય એકાદ બે- ચાર ફિલ્મમાં નજીવો રોલ કર્યો હોય એમાં ખેમચંદ પ્રકાશ, આર ડી બર્મન, અનિલ બિશ્વાસ, જયકિશન, વસંત દેસાઈ, મિથુન શર્મા ઈત્યાદિનો સમાવેશ છે. આ બધા વચ્ચે એક નામ છે માસ્ટર કૃષ્ણરાવ ગણેશ ફુલંબ્રીકરનું. આગામી સોમવારે (20 ઓકટોબર) તેમની 50મી પુણ્યતિથિ છે એ નિમિત્તે તેમના વિશિષ્ટ યોગદાનથી વાકેફ થવાની ફરજ નિભાવીએ….

કૃષ્ણરાવએ સંગીતકાર તરીકે ચીલો ચાતર્યો હતો. મરાઠી નાટ્યસંગીતથી પ્રારંભ કર્યા બાદ 1934માં ‘પ્રભાત ફિલ્મ કંપની’માં જોડાયા. શાંતારામ પ્રયોગશીલ ફિલ્મમેકર અને કૃષ્ણરાવ પણ સ્વરાંકનમાં કશુંક નવું કરવાના આગ્રહી હતા એટલે આ બંને વચ્ચે બહુ જલદી મેળ બેસી જવો સ્વાભાવિક હતું. વાત એમ હતી કે સંગીત પ્રધાન નાટકમાં ભક્તિ ગીત વારકરી સંગીત, લોકપ્રિય અભંગ અને આરતીની ધૂનને આધારે જ તૈયાર કરવાની પ્રથા હતી. કૃષ્ણરાવએ શુદ્ધ શાસ્ત્રીય રાગનો આધાર લઈ ભક્તિ ગીત તૈયાર કર્યા. શાંતારામે હિન્દી અને મરાઠીમાં બનાવેલી ‘ધર્માત્મા’ ફિલ્મમાં કૃષ્ણરાવએ ક્લાસિકલ મ્યુઝિકનો આધાર લઈ ભક્તિ ગીત તૈયાર કરતા સારો આવકાર મળ્યો. ફિલ્મોમાં ભક્તિ સંગીતને નવું સ્વરૂપ મળ્યું તેનો શ્રેય માસ્ટર કૃષ્ણરાવને જાય છે.

‘પ્રભાત ફિલ્મ કંપની’ સાથે છેડો ફાડ્યા બાદ 1942માં શાંતારામએ સ્વતંત્ર ફિલ્મ નિર્માણ સંસ્થા ‘રાજકમલ કલામંદિર’ની સ્થાપના કરી. આ બેનર હેઠળ કેટલીક દ્વિભાષી (મરાઠી અને હિન્દી) બનાવી જેમાં એક હતી ‘ભક્તિચા મળા’ (મરાઠી) અને હિન્દીમાં એ ફિલ્મનું ટાઈટલ હતું ‘માલી’. શાંતારામે આ ફિલ્મના સંગીતની જવાબદારી સાથે સાવત્યા માળી – સંત શિરોમણી સાવતા મહારાજનો લીડ રોલ પણ કૃષ્ણરાવને આપ્યો હતો. કથા અનુસાર સાવતા માળીના ગામમાં પ્લેગનો રોગચાળો ફેલાય છે.

કપરા સમયમાં સાવતા ફક્ત પ્રભુને શરણે રહેવાને બદલે સખત પરિશ્રમને પ્રાધાન્ય આપે છે. ઈશ્વર મંદિરમાં નહીં, માનવીના દિલમાં બિરાજે છે એવી ભાવના સાથે પરસેવો પાડી ખેતરને ફરી સમૃદ્ધ કરે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન હળથી ખેતર ખેડવું, કૂવામાંથી પાણી ઉલેચવું, બળદગાડું હાંકવું જેવા જોખમી અને પરિશ્રમ માગી લેતા દ્રશ્યો માસ્ટર કૃષ્ણરાવે ડુપ્લિકેટની મદદ નકારી જાતે જ ભજવ્યાં હતાં.

અંગત જીવનમાં પણ આધ્યાત્મને પ્રાધાન્ય આપતા કૃષ્ણરાવ રોલમાં દીપી ઊઠ્યાં. ફિલ્મને ખાસ્સી લોકપ્રિયતા મળી. દૂરદૂરના ગામડામાંથી લોકો બળદ ગાડામાં બેસી મુંબઈ કે પુણે ફિલ્મ જોવા માટે આવતા હતા.

હિન્દી ફિલ્મ સંગીતમાં અનોખી છાપ પાડનારા સંગીતકાર ઓ. પી. નય્યર તેમની વિશિષ્ટ શૈલીની ધૂન માટે પ્રખ્યાત છે. એમના સ્વરાંકનમાં પગ થપથપાવવા કે પછી તાળીઓનો તાલ ઘણી વાર સાંભળવા મળે છે. તાળી કે ક્લેપનો વપરાશ કરવામાં પોતે કૃષ્ણરાવને અનુસર્યા એવી કબૂલાત નય્યર સાહેબે એક ઈન્ટરવ્યૂમાં કરી હતી. શાંતારામે હિન્દી અને મરાઠીમાં ફિલ્મ બનાવી હતી. મરાઠીમાં એનું નામ હતું ‘શેજારી’ જ્યારે હિન્દીમાં એનું ટાઈટલ હતું ‘પડોસી’.

‘પ્રભાત ફિલ્મ્સ’ના બેનરમાં બનેલી આ અંતિમ ફિલ્મમાં બંનેમાં સંગીતકાર કૃષ્ણરાવ જ હતા. આ ફિલ્મમાં ગીતકાર પંડિત સુદર્શન રચિત એક યુગલ ગીત હતું ‘કૈસા છાયા હૈ આલા ઉજાલા રસિયા’. આ ગીતના સ્વરાંકનમાં લયબદ્ધ તાળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મ સંગીતમાં આવો આ પહેલો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે અને એ સાંભળ્યા પછી પોતાના કમ્પોઝીશનમાં તાળીઓનો ઉપયોગ આગળ વધાર્યો એવું ખુદ ઓ. પી. નય્યરએ જણાવ્યું હતું.

શાંતારામની ‘આદમી’ ફિલ્મ માટે માસ્ટર કૃષ્ણરાવે ‘તરાર નાવ નાવ તરાર નાવ’ ગીત સ્વરબદ્ધ કર્યું હતું. આ ગીતના સ્વરાંકનમાં એક પણ વાજિંત્રનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને ગીતના શબ્દો કોઈ અર્થ પણ નથી ધરાવતા. જેઝ મ્યુઝિકમાં સાંભળવા મળતા ‘સ્કેટ સિંગિંગ’ જેવો એ પ્રકાર હતો. ‘સ્કેટ સિંગિંગ’ જેઝ મ્યુઝિકનો હિસ્સો છે, જેમાં શબ્દ વગરના ઉચ્ચાર કે પછી અર્થહીન ઉચ્ચારણ કરવામાં આવે છે, જે સંગીતના વાદ્ય જેવો ધ્વનિ ઉત્પન્ન કરી શકે. સ્કેટ સિંગર સેક્સોફોન અથવા ટ્રોમ્બોન જેવા વિદેશી વાદ્યોમાંથી નીકળતા ધ્વનિ જેવા અવાજ કાઢતા હોય છે. આ વ્યવસ્થાને કારણે ગાયકો કોઈ પણ બંધન વિના વાદ્યની જેમ રજૂઆત કરી શકે છે.

‘વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં’ ‘તરાર નાવ નાવ તરાર નાવ’ ગીત વિશ્વવિખ્યાત એક્ટર અને ફિલ્મમેકર ચાર્લી ચેપ્લિને સાંભળ્યું અને બહુ ગમ્યું એટલે એની પ્રશંસા કરી હતી. ચેપ્લિન અભિનેતા હોવા ઉપરાંત એક સિંગર અને મ્યુઝિશિયન પણ હતા એટલે ગીતના સ્વરાંકનમાં ઉપયોગમાં લેવામાં આવેલી અલાયદી ટેકનિક અને કલાકારની પ્રતિભા બિરદાવી શકતા હતા અને ખાસ તો સંગીત વાદ્યના સ્થાને માનવીય અવાજનો સુંદર ઉપયોગ તેમને આકર્ષી ગયો હતો. હિન્દી – મરાઠી ફિલ્મોના આવા સંગીતકાર પર ચેપ્લિન પ્રશંસાના પુષ્પો વેરે એનાથી આપણે અજાણ તો ન જ રહેવું જોઈએ.

માસ્ટર કૃષ્ણરાવના યોગદાનથી ડો. બાબાસાહેબ આંબેડકર પ્રભાવિત થયા હતા. આંબેડકરે સંપૂર્ણ બુદ્ધ વંદના સંગીતથી મઢવાની જવાબદારી આ સંગીતકારને સોંપી હતી. કામમાં કોઈ કસર ન રહે આ એ માટે કૃષ્ણરાવે મુંબઈ જઈ પાલી ભાષાનો અભ્યાસ કર્યો હતો. સંગીત નાટક, સંગીત દિગ્દર્શન તેમજ અભિનયમાં અતુલનીય યોગદાન આપનારા ગુણી કલાકારને આજે ભાગ્યે જ કોઈ યાદ કરે છે, પણ તેમના યોગદાનથી સંગીત વધુ સમૃદ્ધ બન્યું છે એ હકીકત છે.

આ પણ વાંચો…આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતીઓએ જરૂર જોવી જોઈએ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button