મેટિની

જ્યારે દિગ્ગજ સ્ટાર્સ સેટ પર ટકરાય…

મહેશ નાણાવટી

વિશ્વાવિખ્યાત ફિલ્મ સર્જક સત્યજીત રેની ‘નાયક’ નામની એક બંગાળી ફિલ્મમાં ઉત્તમ કુમાર એક અભિનેતાનો જ રોલ કરે છે. એમાં એક દૃશ્ય એવું છે કે ઉત્તમ કુમાર પોતે એક આજ્ઞાંકિત ઓછાબોલા પુત્રના રોલમાં છે અને એક સિનીયર પીઢ એક્ટર એના પિતા બન્યા છે.

દૃશ્યનું શૂટિંગ ચાલુ થાય છે ત્યારે પેલા પીઢ એક્ટર પોતાના બુલંદ અવાજે અને ખાસ્સા નાટકીય અંદાજમાં સવાલો કરે છે, જેના જવાબ ઉત્તમ કુમાર ખૂબ જ ધીમા અવાજે આપી રહ્યા છે… પણ હજી ત્રીજા જ સંવાદમાં પેલા પીઢ એક્ટરનો પિત્તો જાય છે. એ સેટ ઉપર કંઈક પછાડીને ઘાંટો પાડે છે કે ‘આ શું માંડ્યું છે? અંગ્રેજી ફિલ્મો જોઈ- જોઈને આ બધી અન્ડર એક્ટિંગ શેનો કરી રહ્યો છે? જેથી પરદા પર હું જ કર્કશ લાગું? હું તારી બધી ચાલાકી સમજું છું!’ વગેરે, વગેરે.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : એક ખટ્ટ-મીઠી પ્રેસ કોન્ફરન્સ

બે દિગ્ગજ એક્ટર સામસામા આવે ત્યારે કેવા તણાવ અને ટકરાવ થતા હોય છે તે ‘નાયક’ ફિલ્મના આ દૃશ્યમાં પહેલીવાર ‘પરદા ઉપર’ જોવા મળ્યું!

બાકી, એ દિગ્ગજ સ્ટારનો સમય વીતી ગયા પછી જ અહંકારના કિસ્સા રમૂજી કિસ્સા તરીકે ફરતા થઈ જતા હોય છે. સુભાષ ઘાઈની ‘સૌદાગર’ બની રહી હતી ત્યારે દિલીપકુમાર અને રાજકુમાર વચ્ચે વારંવાર આવું થતું હતું. એમાં પેલું ગીત છે ને, ‘ઈમલી કા બૂટા, બેરી કા બેડ…’ એ ફિલ્મમાં બે વાર આવે છે. એમાં જ્યારે પહેલીવાર આવે છે ત્યારે તમે ખાસ માર્ક કરજો, બન્ને દિગ્ગજ કલાકારોના ડાન્સના સ્ટેપ જે સેમ-ટુ સેમ હોવા જોઈએ તે વારંવાર હલબલી જાય છે!

એ જ સોંગ જ્યારે ફરીવાર આવે છે ત્યારે હોળીનો તહેવાર બતાડ્યો છે. સુભાષ ઘાઈ એના શૂટિંગના કિસ્સા યાદ કરતાં કહે છે, ‘લાઈટ્સ ગોઠવાઈ રહી છે, અને પેલા બન્ને દિગ્ગજ પોતપોતાના ખુણામાં ઊભા છે. એકબીજાને જોયા કરે છે… એકે પોતાના ગાલ ઉપર ગુલાલ લગાડ્યો… તો બીજો પણ એ જ રીતે પોતાનો ગાલ રંગે છે…! એક પોતાના શર્ટ પર ગુલાલ છાંટે છે તો બીજો બિલકુલ એજ રીતે પોતાનું શર્ટ રંગે છે!’

આપણ વાંચો: શો-શરાબા- બોલિવૂડ ને પાન-ઇન્ડિયા ફિલ્મ્સની પાક્કી દોસ્તી ક્યારે થશે?

હદ તો ત્યારે થાય છે કે જ્યારે કોરિયોગ્રાફર બન્નેને અલગ અલગ ખૂણે ડાન્સનાં સ્ટેપ્સ શીખવાડે છે. સુભાષ ઘાઈએ જઈને રાજકુમારને કહ્યું, ‘આપ સ્ટેપ્સ બહોત અચ્છા કર રહે હો…’ તો રાજકુમાર કહે, ‘બરખુરદાર, હમ તો સહી કર રહે હૈં, મગર દિલીપ સા’બ સે કહો, વો ઉન કે સ્ટેપ ઠીક સે કરે!’

પછી સુભાષ ઘાઈ દિલીપ કુમાર પાસે જઈને કહે છે : ‘રાજ સા’બ કહે રહે થે કી આપ સ્ટેપ્સ બહોત અચ્છા કરે રહે હૈ.’ તો દિલીપ કુમાર રહે છે કે ‘હમ તો ઠીક હી કર રહે હૈં, આપ ઉન સે કહો, વો અપને સ્ટેપ ઠીક સે કરેં!

આમાં બિચારા ડિરેકટરની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી જ થાય ને? હિન્દી ફિલ્મોના મહાનાયક તરીકે પ્રખ્યાત એવા બચ્ચન સાહેબની એક અલગ જ સ્ટાઈલ હતી. આ કિસ્સો ‘હમ’ ફિલ્મના શૂટિંગ વખતનો છે.

સૌ જાણે છે તેમ ગોવિંદાને હંમેશાં સેટ ઉપર ખૂબ જ મોડા પહોંચવાની આદત હતી. ‘હમ’ના શૂટિંગ વખતે પણ એ ટેવ ચાલુ જ હતી. બે-ચાર વાર આવું થયું તો બચ્ચન સાહેબે ચલાવી લીધું, પણ એક દિવસ એમણે ગોવિંદાની ફિરકી લેવાનું નક્કી કર્યું.
ગોવિંદા જ્યારે પૂરા ચાર કલાક મોડા પધાર્યા કે તરત બચ્ચન સાહેબ એમને લેવા માટે સામે દોડી ગયા પછી ગોવિંદાનો હાથ ઝાલીને આવકારતાં કહેવા લાગ્યા, ‘આઈયે આઈયે! હમ આપ કા હી ઈન્તેજાર કર રહે થે… આઈયે! મૈં આપ કા પરિચય કરવાતા હું!’

આપણ વાંચો: ફિલ્મનામા-જન્નત જોવું હોય તો જાતે જ મરવું પડે, બરખુરદાર…!

એમ કહીને ગોવિંદાનો હાથ ઝાલીને એને કેમેરામેન પાસે લઈ ગયા અને કહે છે, ‘ઈન્હેં જાનતે હો આપ? યે ગોવિદા હૈ! બહોત બડે સ્ટાર હૈં… ડાન્સર ભી બહોત અચ્છે હૈ… એક્ટર ભી બહોત અચ્છે હૈ! ગોવિંદાજી, યે હમારે કેમેરામેન હૈં…’

ગોવિંદાને એમ કે આ મજાક ચાલી રહી છે પણ પછી બચ્ચન સાહેબે ગોવિંદાની ઓળખાણ તેની હીરોઈન શિલ્પા શિરોડકર સાથે કરાવી. ‘ઈન સે મિલિયે… યે હૈ ગોવિંદા… બહોત બડે સ્ટાર હૈં…’ વગેરે વગેરે.

બચ્ચનજી આટલેથી ના અટક્યા. એમણે ડિરેક્ટર મુકુલ આનંદ આગળ એ જ નમ્રતાપૂર્વક ગોવિંદાનો ‘પરિચય’ આપ્યો. ‘યે હૈ ગોવિંદાજી! બહોત બડે સ્ટાર હૈ… આજકાલ તો ઈન કે નામ કે બડે ચર્ચે હૈ…’

હવે ગોવિંદા શરમાઈ ગયો હતો. પણ બચ્ચનજીએ ડ્રામા બરાબર લાંબો ખેંચ્યો! છેક સ્પોટબોય સુધી ગોવિંદાનો પરિચય’ કરાવ્યો પછી ઉપરથી કહ્યું, ‘આપને યહાં પધારકર બડી ક્રિપા કી હૈ, હમ સબ આપ કી હી પ્રતીક્ષા કર રહે થે… અબ કે જબ આપ આ ગયે હૈ તો હમારે કામકા શુભારંભ ભી હો જાયેગા!’

આટલા લાંબા ડ્રામા પછી ગોવિંદાની હાલત લગભગ એવી હતી કે કાપો તો લોહી ના નીકળે! પણ એ પછી ‘હમ’ના શૂટીંગમાં ગોવિંદાજી સમયસર આવતા થઈ ગયા!

જોકે ‘બડે મિયાં છોટે મિયાં’ વખતે પણ બન્ને દિગ્ગજો સાથે હતા, પરંતુ અહીં દિગ્દર્શક ડેવિડ ધવન હતા. એમણે ગોવિંદા સાથે ઓલરેડી અડધો ડઝન ફિલ્મો કરી હતી એટલે ગોવિદાનાં દૃશ્યોનું શૂટિંગ જ એવા ટાઈમે ગોઠવે કે જેથી આગળના ચાર કલાકમાં બીજાં દૃશ્યો શૂટ થઈ શકે!

ગોવિંદા અને રાજકુમારનો એક કિસ્સો સાચો છે કે ખોટો તે ખબર નથી, પણ વાયકા એવી છે કે ‘મરતે દમ તક’ નામની ફિલ્મ બની રહી હતી ત્યારે ગોવિંદા કંઈ એવો મોટો સ્ટાર બન્યો નહતો. (એટલે સેટ પર મોડા પણ નહોતો આવતો). એ દરમિયાન, ગોવિંદાએ પહેરેલા એક શર્ટના રાજકુમારે વખાણ કરી નાખ્યા. ગોવિંદાએ રાજી થઈને એવું જ એક શર્ટ ખરીદીને રાજકુમારને ગિફ્ટમાં આપ્યું, પણ…

બીજા દિવસે જુએ છે તો રાજકુમારે એ શર્ટના કાપડમાંથી રૂમાલ બનાવ્યો હતો અને પોતાનું નાક લૂછતા હતા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button