સ્ટાર-યાર-કલાકાર: બોલિવૂડ બડા બૂરા… આજકાલ રાષ્ટ્રીય નફરતની સિઝન?

- સંજય છેલ
કોલેજમાં અગ્રવાલ નામનો ખૂબ જ બ્રિલીઅંટ, સારા પરિવાનો છોકરો સાથે ભણતો ને છેલ્લે સુધી ક્લાસમાં નં.1 વન આવતો. વરસો બાદ હું ફિલ્મોમાં જોડાયો ત્યારે અનેક ફિલ્મી પાર્ટીઓમાં એ દેખાવા માંડ્યો. એકવાર મેં અગ્રવાલને પૂછ્યું, `યાર, તું દરેક પાર્ટીમાં કઇ રીતે પહોંચી જાય છે?’
અગ્રવાલે આંખ મારીને કહ્યું, દરેક ફાઇવસ્ટાર હોટેલમાં સેટિગ કર્યું છે ને પાર્ટીમાં ઘૂસીને સ્ટાર્સને નજીકથી જોઉં, ક્યારેક ભીડમાં સાલાઓને ટપલી પણ મારવાની મજા આવે!’ હું હલી ગયો કે આ જ મારો બેસ્ટ ફ્રેંડ હતો કોલેજમાં? પછી કોઇ પાર્ટીની ભીડમાં અગ્રવાલે કોઇ સિનિયર કલાકારને ધક્કો મારીને મોટેથી કહ્યું:ક્યાં બે બુઢ્ઢે- ફ્લોપ હો ગયા ક્યા?’
મને થયું કે શું ફિલ્મવાળાઓ ટપલી મારવા કે હડધૂત કરીને ઉશ્કેરવાની આઇટમ છે?
આજે બોલિવૂડની ફિલ્મો ચાલતી નથી. કોવિડ પછી ટી.વી. પર ઓ.ટી.ટી.માં ફિલ્મ જોવાની આદત વધી, ફોન પર સતત ટાઇમપાસ રીલ્સ આવે, મલ્ટિપ્લેક્સમાં મોંઘી ટિકિટો,પોપકોર્ન, ફિલ્મોનું સ્તર જેવા અનેક કારણો છે પણ આજકાલ સોશ્યલ મીડિયામાં (ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર(એક્સ) વગેરેમાં) બોલિવૂડને દિનરાત ગાળો જ અપાયે રાખે છે. દર બીજો માણસ ફિલ્મોનું વિવેચન, એકદમ ભદ્દી ભાષામાં કરે છે. કોઇપણ કારણ વિના કલાકારોના ધર્મ પર પ્રજાને ઉશ્કેરે છે. યુ-ટ્યૂબ ચેનલો તો ફિલ્મના રિલીઝ પહેલાં રિવ્યૂ, ફિલ્મ આવ્યા બાદ રિવ્યૂ, ન ચાલવા બાદ રિવ્યૂ અને હવે તો ફિલ્મની તારીખ નક્કી થાય ત્યારે અંકશાસ્ત્રીને બોલાવીને ફિલ્મ ફ્લોપ થવાની આગાહીઓનો મારો કરે છે.
વળી, જેને જોઈએ એ પરિવારવાદ' કે
નેપોટિઝમ’ પર ભરડે છે. માન્યું કે પરિવારવાદ બૂરી બલા છે પણ જે સમાજમાં ડૉક્ટરના સંતાનો ડૉક્ટર બને, નેતાના બાળકો નેતા બને, દુકાનદાર, સંતાનને જ દુકાન આપે, ઉદ્યોગપતિના સંતાનો જ કંપનીઓનો કારોબાર ચલાવે, અરે, ભૂતપુર્વ ન્યાયમૂર્તિઓના પુત્રો `ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા’ બને, ત્યાં માત્ર ફિલ્મલાઈન જ ભૂંડી કેમ? ત્યાં સુધી કે ફિલ્મ ટે્રડ મેગેઝિનો, જે રિવ્યૂ સાથે બોક્સ ઓફિસ બિઝનેસ વિશે યુટ્યુબ ચેનલો જ્ઞાન પીરસે છે એ લોકો પણ પિતાશ્રીના મેગેઝિનમાં જ ગાદી સંભાળે છે તો સ્ટારસંતાન પર આટલો ઉહાપોહ શા માટે?
જે સુશાંત સિંઘ રાજપૂત મોતનાં કેસ અંગે એસ.આઈ.ટી., સી.બી.આઈ., સુધી ખોજબીન પતી ગઇ ને ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તીને ક્લીન-ચીટ અપાઈ ગઈ હોય, પછી પણ હજી ગાળો જ આપવામાં આવે છે. બદનામીને લીધે એની કેરિયર, અંગત જીવન બરબાદ થઈ ગયું… છતાં એક અંગ્રેજી ઘોંઘાટભરી ચેનલનો એંકર હજી સુશાંત સિંઘ કેસની વાતો કાઢીને જેમાં રિયા અને લોકલ યુવાનેતા વિષે સતત બળાપા કાઢે છે… હદ તો એ છે હવે લોકો, સુશાંત સિંઘના આત્મા સાથે વાતો કરવાના દાવા કરીને રિયાને દોષી ગણાવે રાખે છે! વચ્ચે વિરાટ કોહલીની નબળી બેટિગ માટે પણ `અનુષ્કા કપૂરે જાદૂટોણાં કરેલા’ એમ કહેવાયેલું, બોલો! અમુક યુટ્યૂબ ચેનલ પર બે-બે એંકરો મળીને દરેક વાતમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કારો કે સરકાર વિરોધને ઘસડીને બોલિવૂડને રોજ ધનાધન ધૂએ છે. અનેક સુશિક્ષિત, પ્રૌઢ લોકો હજીયે એમ માને છે કે શાહરુખ, આમીર, સલમાન ત્રણ ખાનની સફળતા માત્ર દાઉદના પૈસા ને દાદગીરીને જ કારણે છે. હવે એ વડીલોને કોણ સમજાવે કે પૈસા કે બળજબરીથી કોઈ સ્ટાર બનતું હોત તો સંજય ખાનનો દીકરો ઝાયેદ ખાનથી માંડીને દિલીપ કુમારનો ભાણેજ અયુબ ખાન, આમીરનો ભાઈ ફૈઝ ખાન કે ફિરોજ ખાનનો દીકરો ફરદીન ખાન પણ દાઉદ કે હાજી મસ્તાન જેવા સ્મગલર ગુનેગારોના પૈસે સ્ટાર્સ બની ગયા હોત. જો પરિવારવાદ જ સ્ટાર બનાવે તો અભિષેક બચ્ચન, તુષાર કપૂર, દેવ આનંદનો પુત્ર સુનિલ, રાજ કપૂરનો દીકરો રાજીવ જેવા કંઇ કેટલા સુપરસ્ટાર બની જાત!
હવે અચાનક ઘણાંને સાઉથની બધી ફિલ્મો ને સાઉથ ઇન્ડસ્ટ્રીઓ વહાલી લાગવા માંડી છે જેથી બોલિવૂડને સરખાવીને નીચી દેખાડી શકાય! કોઈ એક માણસ બીજાને રસ્તા પર ધીબેડે તો આખી ભીડ, બે લાફા મારીને હાથ સાફ કરે એમ ભારતની ભીડ બોલિવૂડ પાછળ પડી છે કે- માર સાલે કૂ'. રાજકીય પાર્ટીનાં આઇ.ટી.સેલવાળાઓ પ્રજાનું ધ્યાન
મોંઘવારી બેકારી’ વગેરેથી ભટકાવવા બોલિવૂડ ખિલાફ રોજેરોજ ચોવટ ચલાવે એમાં નવાઇ નથી પણ સામાન્ય માણસને બોલિવૂડ બરબાદ થાય એમાં શું મજા આવતી હશે?
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ ફિલ્મ્સ ને ફ્રીડમ: ઈટ હેપન્સ ઓન્લી ઇન ઈન્ડિયા…!
કબૂલ કે બોલિવૂડ કંઈ દૂધથી ધોયેલું નથી. એમાં અનેક ખરાબી છે, હતી ને રહેશે પણ આજે તો રીતસર દરેક શુક્રવારે કઈ ફિલ્મ કેમ ના ચાલી?' ને
કેટલું નુકસાન થયું’ એની નેશનલ ઉજવણી ચાલે રાખે છે.
12-13 વરસ પહેલાં શાહરુખે બનાવેલી રા.વન ફિલ્મ આવેલી ત્યારે લોકોએ એના પર ખૂબ માછલા ધોયેલા. શાહરુખની મૂર્ખતા પર, શાહરુખના દેવાળા માટે, શાહરુખ ને એના સંતાન પર, એની બહેનના માનસિક રોગ પર, એના ધર્મ પર, એના હકલાવા પર ને રા.વન સાથે બાવન-ત્રેપન જેવા જોડકણાં અને ગંદા જોક્સ મૂકીને સૌએ મડદાંચૂંથ લેવલની બેતહાશા મજા લૂંટેલી.
100 વાર માન્યું કે વિવેચકોને ફિલ્મ વખોડવાનો હક્ક છે, ટિકિટ લેનારને પણ બોલવાની આઝાદી મુજબ પોતાનો મત આપવાની છૂટ છે, પણ સવાલ ગાલીબાજ મનોવૃત્તિનો છે. આ વૃત્તિમાં અભણ, ભણેલાઓ, સંસ્કારીજનો, રાજનેતાઓ, મીડિયાવાળાઓ તમામમાં બદતમીઝીની અજીબ એકતા આવી ગઈ છે. અહીં બોલિવૂડની વકીલાતનો ઇરાદો નથી, પણ આજે બોલિવૂડ `રાષ્ટ્રીય નફરત ઉત્સવ’ બની ગયું છે. કદાચ આમ આદમીને પોતાના બોરિગ બેરંગ જીવનમાં રંગ લાવવા સ્ટાર્સ પર ગંદી મજાક કરવા માટે, અંદરના બીજા ફ્રસ્ટે્રશન કાઢવા માટે, બોલિવૂડ એક પંચિંગ બેગ છે, કાઢો ક્રોધ એના પર… વળી કોઇ માટે પાઈરેટેડ કે ડાઉનલોડેડ ફિલ્મોના ઢગલા પર બેસી સફળ સ્ટાર્સ કરતાં સારા દેખાવાનો મફતિયો મોકો છે.
એકવાર સ્ટાર ગીતકાર આનંદ બક્ષીને કોઇ પત્રકારે પૂછેલું કે તમારા બદલે બીજા ભાડૂતી કવિઓ તમારા ગીતો લખે છે? ત્યારે બક્ષીએ કહેલું: ભાઇ, આ હું વરસોથી આવું સાંભળું છું. હવે તો ઘરે આવતો દૂધવાળો પણ કંઇ ગણગણે તો હું એનેચૂપચાપ’ રહેવા કહું છું કે કાલે એ દાવો ના ઠોકી બેસે કોઇ ગીત પર!’
હવે બોલિવૂડનો પણ `ચૂપચાપ’ ગાળો ખાવાનો વારો છે.
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ ભીમ વર્સિસ છોટા ભીમ: મસાલા ડ્રામાની ધમાલ…