મેટિની

સ્ટાર-યાર-કલાકારઃ ભારતપ્રેમી ઇન્ટ ટરનેશનલ નાટ્યકાર: જેર્ઝી ગ્રોટોવસ્કી કલાકાર શું કામ બનવું છે?

સંજય છેલ

કલાકાર ઊંડી ખોજ કરે છે, પણ કંઈ ખોજ? ઈશ્વરની ખોજ?
‘ના. આ યુગમાં એ શક્ય નથી’
‘તો કુદરતની ખોજ?’
‘ના!’
‘તો પછી શું?’

‘માણસ બીજાની હાજરીમાં, બીજા વડે પોતાને સમજી શકે, અનુભવી શકે એવી સંપૂર્ણતાની ખોજ!’

‘અભિનેતા કલાકારે હમેશાં બિનજરૂરી મુલાકાતો ટાળવી. ‘એકાંત’ એ કલાકારનો રિયાઝ છે. લોકોની ભીડમાં પોતાની જાતથી દૂર થઈ જવાય છે. સૌની પ્રતિક્રિયા જાણવાથી કલાકાર પોતે બંધ થઈ જાય છે. મૌન-એકાંત એ જરૂરી છે. ડોક્ટરો-વકીલો માટે જેમ નિયમો છે એમ કલાકારની આંતરખોજ એ પણ એક શરત છે.’

વેલ, આવી વાતો કરનાર કોઇ નાટ્ય નિર્દેશક કલાકાર યુરોપના માત્ર 60,000ની વસતિવાળા શહેરમાં આપણી સંસ્કૃત ભાષાનું નાટક ‘અભિજ્ઞાન શાકુંતલ’ ભજવી શકે એવું કોઇ માને ? હા, એ હતા આધુનિક રંગમંચના ઘડવૈયા: જેર્ઝીગ્રોટોવસ્કી. આપણા માટે ગર્વની વાત છે કે ગ્રોટોવસ્કી જેવા નિપુણ કલાકાર અભિનયની તાલીમમાં આપણી યોગવિદ્યા અજમાવવા માટે ભાર મૂકે છે કે ‘યોગશક્તિ સંપૂર્ણ ધ્યાન તરફ લઈ જાય છે. કલાકારને એકાગ્રતા આપે છે, પણ એ એકાગ્રતા અંતર્મુખી હોય છે. આ એકાગ્રતા વ્યક્તિને બધા જ ભાવોથી વિમુખ કરે છે. એક એવી સ્થિરતા જ્યાં બધી ક્રિયાઓ સમાપ્ત થાય છે.

યોગની શક્તિથી શ્વાસ, વિચાર અને વાચા વિરમે છે જે કલાકાર માટે જરા જોખમી પણ છે.’ છતાં યોગનાં અમુક પાસાઓ આવરી લઈને ગ્રોટોવસ્કીએ અભિનય વખતે શ્વાસોશ્વાસમાં યોગના ફાયદાઓ શીખવેલા, જે આજેય વિશ્વભરમાં અભિનયના કોર્સમાં ભણાવવામાં આવે છે.

ગ્રોટોવસ્કીએ એક વાર નવા કલાકારોની તાલીમ કેમ્પમાં આદેશ આપેલો: ‘રોર..રોર લાઇક અ લાયનગરજો, તમે સિંહની જેમ ગરજો’ અંધારું ઊતર્યું હોય ને વાતાવરણ શાંત થઈ ગયું હોય ત્યારે પોલેન્ડના ઓપોલ નામના નાનકડા શહેરમાં એક ઇમારતમાંથી એક સાથે સો દોઢસો વાઘ-સિંહની ગર્જના સંભળાતી! પછી ત્યાંના લોકોને ખબર પડી કે એમને ત્યાં વિશ્વની શ્રેષ્ઠ ‘નાટકોની પ્રયોગશાળા’ જન્મી રહી હતી. 100-150 માણસોની લાલઘૂમ આંખોને, એમના તેજ ઉચ્છવાસોને, એક વ્યક્તિ રિંગમાસ્ટરની જેમ રમાડતી. એ માણસ એટલે ‘થિયેટર લેબોરેટરી’ જેવો વિચાર લાવનાર જેર્ઝી ગ્રોટોવસ્કી.

-તો આજે ફિલ્મી કલાકરોને બદલે, એવા ક્રાંતિકારી કલાકારની વાત કરીએ, જે નાટ્યલેખક દિગ્દર્શક, અભિનેતા અને વિચારક હતા. ગ્રોટોવસ્કીએ એક્ટિંગ અને રંગભૂમિ વિશેની જૂની માન્યતાઓને ખળભળાવી મૂકેલી. આપણે ત્યાં વાળ ઓળીને, જરા ફિગર બનાવીને રાતોરાત એક્ટર કે કલાકાર બનવા નીકળે છે એ બધાં છોકરા-છોકરીઓએ ગ્રોટોવસ્કીનું ‘ટુવર્ડઝ અ પુઅર થિયેટર’ ફરજિયાત વાંચવું જોઈએ.

જો કે ‘બાબુલ કે અંગને મેં, બુલબુલ બોલે’ જેવી ટી.વી. સિરિયલો કે ‘પપ્પા, પાછા પરણો નહીં’ જેવા નાટકોમાં છવાઈ જવા માગતા કલાકારો માટે જરા અઘરો શિક્ષક છે. ગ્રોટોવસ્કી, માત્ર મનોરંજન માટે આવનારા પ્રેક્ષકોને ‘ટોળું’ કહે છે. કલાકારને કે પ્રેક્ષકોને બેઉને પોતપોતાની ખોજ કરવા એ કહે છે. રંગભૂમિ, ગ્રોટોવસ્કીના મત મુજબ કલાકારો ને પ્રેક્ષકોને વચ્ચેનું

કોઈ એક અદ્રશ્ય બિંદુ છે. વેવલા શબ્દો અને સંસ્કારોની લાગણીઘેલી વૃત્તિને એ સર્જનાત્મક ‘નપુંસકતા’ કહે છે! એના માટે કલા એ અંધકારથી પ્રકાશ તરફ જવાની વાત નથી, પણ અંધકારમાંથી પારદર્શક તરફ જવાની વાત છે.

ગ્રોટોવસ્કી માને છે કે કલામાં આપણે આપણી રોજિંદી નબળાઈ સ્માર્ટલી છુપાવીએ છીએ. સાચા કલાકાર માટે નિખાલસ થવું એ પહેલી ચેલેન્જ છે. જાતની મથામણને અંતે જ કલાકારમાં જાત વિશે સભાનતા જન્મે છે. ગ્રોટોવસ્કીના મતે આ કોઈ અઘરી વાત નથી, અભિનેતા બનવા માટે એ બેઝિક વ્યાવસાયિક ફરજ છે!

આપણાં મહાન ગ્રંથ ‘મહાભારત’ ને 99 કલાકના લાંબા નાટકરૂપે પ્રસ્તુત કરનાર દિગ્દર્શક પીટર બ્રુકસ ગ્રોટોવસ્કી માટે કહેતા કે ‘ગ્રોટોવસ્કીના મતે અભિનય એક ‘વેહિકલ’ કે ‘વાહન’ છે. થિયેટર એ પલાયનવાદ નથી, માણસનું છેલ્લું શરણ છે. જીવન તરફ જવાની રીત છે!’

ગ્રોટોવસ્કી નવા કલાકારોને તાલીમ આપતા ત્યારે સૌપ્રથમ એ કલાકારને શોક કે આઘાત આપે. કલાકારોને પોતાની સ્ટાઈલ કે અદાને ભૂંસી નાખવાની સલાહ આપે. એક્ટરને પોતાની જાત વિશે જાતજાતના સવાલો પૂછવા કહે. વળી સૌથી પાયાનો પ્રશ્ન પૂછે: ‘તમારે કલાકાર શા માટે બનવું છે?’

ગ્રોટોવસ્કી કહેતા કે કોઈ પણ કલાકાર પાસે બે જ વિકલ્પો છે.
એક: એ પ્રેક્ષકો માટે, પૈસો કે કીર્તિ માટે ભજવે.
બે: ફક્ત પોતાના સંતોષ માટે ભજવે.

ગ્રોટોવસ્કી કહે છે: ‘કલાકારે એક એવી વ્યક્તિને (પ્રેક્ષકને) ચાહવાની છે, જેને ક્યારેય જોઈ જ નથી!’
કલાકારો માટે ગ્રોટોવસ્કીએ પ્રેક્ટિકલ આચાર-સંહિતા કે સલાહસૂચી લખી છે, જેમકે…
‘ખોટી મૈત્રી-મુલાકાતો અને સામાજિક વહેવારનો અભિશાપ છે.…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button