હિન્દી ફિલ્મ સંગીતમાં અરેબિકનું માધુર્ય

હેન્રી શાસ્ત્રી
‘ધુરંધર’ને મળેલી અદ્ભુત સફળતામાં જે રસાયણોનો ફાળો છે એમાં એક મહત્ત્વનું અને ખૂબ ચર્ચામાં રહેલું કારણ ગણાય છે અક્ષય ખન્નાનો ડાન્સ. ફિલ્મમાં ગેંગસ્ટર રેહમાન ડકૈતનું પાત્ર ભજવતા અક્ષયનો ડાન્સ 1977માં આવેલી ‘આપ કી ખાતિર’ના ગીત ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો’માં વિનોદ ખન્નાએ કોરિયોગ્રાફરની મદદ વિના કરેલા ફ્રીસ્ટાઇલ ડાન્સની તો યાદ અપાવે છે અને આધુનિક સંદર્ભની જાણકારી અનુસાર અક્ષયનો ડાન્સ ઋફ9હફ (ઉચ્ચાર: ફસ્લા) તરીકે ઓળખાય છે, જેનો અર્થ પાર્ટી કે મોજ ઉડાઓ એવો થાય છે. આ ડાન્સ ગીતની પહેલી પંક્તિ છે: યાસ્સી દૂસ દૂસ ઈન્દી ખોશ ફ્સ્લા ..
.
અરેબિક રૅપ, બેહરીન હિપ-હૉપ, ખલીજી રિધમ (અખાતના પ્રદેશનું સંગીત) અને ભારતીય તબલાનું મિશ્રણ ધરાવતું આ ગીત સ્ટેજ પર Flipperachi નામથી પ્રખ્યાત બહરીન (પશ્ર્ચિમ એશિયાનો ટાપુ દેશ)ના રૅપર હુસામ અસીમની કમાલ છે. Fa9la રૅપ સોન્ગ 2024માં તૈયાર થયું હતું અને સંગીતકાર શાશ્વત સચદેવએ એનો ઉપયોગ ‘ધુરંધર’માં કર્યો છે. એની હાજરીને કારણે રૅપરને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.
આપણ વાચો: પ્રથમ બન્ને ફિલ્મ સમીરજીને કરવી નહોતી, કારણ કે તેનું સંગીત હિમેશ રેશમિયા આપતા હતા!
બહરીનની સત્તાવાર ભાષા અરેબિક હોવાથી એના ગીત – સંગીતમાં અરેબિકનું પ્રભુત્વ હોય એ સ્વાભાવિક છે. હિન્દી ફિલ્મ સંગીતમાં અરેબિક સંગીતની હાજરી પ્રમુખપણે 1940-50ના દાયકા માં થઈ હોવાની જાણકારી મળે છે. Umm Kulthum નામના ઈજિપ્શિયન ગાયિકાના અરેબિક સોન્ગ Ala Baladi Elmahboob પરથી પ્રેરણા લઈ શંકર જયકિશને ‘આવારા’નું ‘ઘર આયા મેરા પરદેસી’ની ધૂન તૈયાર કરી હતી અને લતાજીએ એ ગીત ગાયું હતું.
આકરા સ્વભાવના સંગીત દિગ્દર્શક સજ્જાદ હુસેન માટે લતા મંગેશકરને આદર હતો. એક ઈન્ટરવ્યૂમાં દીદીએ કહ્યું હતું કે ‘સજ્જાદ સાહેબને અરેબિક સંગીત પ્રત્યે ખૂબ લગાવ હતો. પોતાના સ્વરાંકનમાં ગાતા ગાયકો એ શૈલીમાં ગાય તેવો તેમનો આગ્રહ રહેતો. મેં એકવાર તેમને કહ્યું કે અરેબિક સ્ટાઈલમાં કેમ ગવાય એ મને નથી આવડતું, એમણે મને સમજાવ્યું.
તમે માનશો? સજ્જાદ સાહેબે ખુદ ગાઈને સમજાવ્યું કે આમ ગાવાનું. મોટાભાગના ગાયકો જે રીતે આલાપ લેતા એ એમને પસંદ નહોતું. મુલાયમ સ્વરમાં ગીત ગવાય એને એ પ્રાધાન્ય આપતા. સ્વર સહજભાવે ગળામાંથી નીકળવો જોઈએ, એને માટે કોશિશ કરવી પડે છે એવું ન લાગવું જોઈએ એવી એમની દલીલ હતી.’
યાદ કરો જાં નિસાર અખ્તરે લિખિત ‘રુસ્તમ સોહરાબ’ (1963) ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં ‘અય દિલરુબા દિલરુબા’ ગીત. શરૂઆત મુલાયમ આલાપથી થાય છે અને આખા ગીતમાં ઓછા વાજિંત્રોનો ઉપયોગ અને વિશેષ તો એની લઢણ હૃદયને સ્પર્શી જાય છે. ગીત પૂરું થતા ‘અય દિલરુબા’ આલાપ તમારી સ્મૃતિનો અભિન્ન હિસ્સો બની જાય છે. અરેબિક શૈલીના આ ગીતના સંગીતકાર હતા સજ્જાદ હુસેન. અરેબિક શૈલીના મુલાયમ સંગીતમાં ગજબનું માધુર્ય હોય છે.
આપણ વાચો: સદાબહાર સલિલ ચૌધરી: ભારતીય સિનેમાના ‘શતખંડ’ સંગીતકાર
અરેબિક ધૂન પર આધારિત હિન્દી ફિલ્મોમાં સામેલ કરવામાં આવેલા કેટલાંક જાણીતાં ગીતો પર નજર ફેરવતા એક વાત ઊડીને આંખે વળગે છે કે કેટલાક ગીતની શરૂઆતમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં એના અર્થ કરતાં લયનું મહત્ત્વ હોવાની પ્રતીતિ થાય છે. ‘કાલી ટોપી લાલ રૂમાલ’ ફિલ્મમાં ગીત હતું ‘દગા દગાવઈ વઈ વઈ’ (ગીતકાર મજરૂહ, સંગીતકાર ચિત્રગુપ્ત) જે અરેબિક ટ્યુન પર આધારિત હતું. ગીતના પ્રારંભમાં આવતા ‘વઈ વઈ વઈ’ શબ્દોનો કોઈ ચોક્કસ અર્થ નથી.
એવું જ ‘સરગમ’ (1950)ના ‘મૌસમ-એ-બહાર’ ગીતમાં આવતા ‘યાર વઈ વઈ’ વિશે પણ કહી શકાય. દેવ આનંદ-આશા પારેખની ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (1961)માં એક ગીતની શરૂઆત ‘સીતો પીતો રીતો, સીતો પીતો રીતો’ (ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર- જયકિશન) શબ્દોથી થાય છે જેનો કોઈ જ અર્થ નથી. ‘શાન’ના ‘યમ્મા યમ્મા, યે ખૂબસૂરત સમા’ (ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર. ડી. બર્મન) ગીતમાં પણ યમ્મા યમ્મા શબ્દોનો કોઈ જ અર્થ નથી. આવા બીજા પણ કેટલાક ઉદાહરણ હશે.
અલબત્ત, એવાં પણ કેટલાંક ગીતો છે જેમાં શરૂઆતમાં આવતા શબ્દો લય ઉપરાંત અર્થ પણ ધરાવે છે. ‘શોલે’નું ગીત યાદ કરો ‘મેહબૂબા મેહબૂબા’ (ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર. ડી. બર્મન)માં પ્રારંભિક શબ્દોમાં પ્રિયતમાનો સંદર્ભ છે. ‘કુરબાની’નું ‘લૈલા ઓ લૈલા’ (ગીતકાર ઈન્દીવર, સંગીતકાર કલ્યાણજી આનંદજી), ‘ગુરુ’નું ‘મઈયા મઈયા’ (ગીતકાર ગુલઝાર, સંગીતકાર એ. આર. રેહમાન) તેમજ ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’નું ‘ખતૂબા ખતૂબાઓ ખતૂબા’ વગેરે ગીતોમાં પ્રારંભિક શબ્દો ચોક્કસ અર્થ ધરાવે છે.
2004માં આવેલી ‘મર્ડર’ ફિલ્મનું ‘કહોના કહો, યે આંખેં બોલતી હૈ’ (ગીતકાર સઈદ કાદરી, સંગીતકાર અનુ મલિક) ખાસ્સું લોકપ્રિય થયું હતું. આ ગીત ઈજિપ્શિયન સુપરસ્ટાર અમ્ર દીબના મૂળ અરેબિક સોંગ પર આધારિત હતું. હિન્દી ફિલ્મ સંગીતમાં અરેબિક શૈલીને અપનાવાયેલા ગીતોમાં આ ગીત યાદગાર ગણાય છે. ‘ખુદા ગવાહ’નું ‘તૂ ન જા મેરે બાદશાહ’ (ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ) તેમજ છેક 2015ની ‘પદ્માવત’ના ‘બીનતે દિલ મિસ્રીય મેં’ (ગીતકાર આસ મોહમ્મદ તુરાઝ, સંગીતકાર સંજય લીલા ભણસાલી)માં પણ અરેબિક છાંટ જોવા મળે છે.
2023ના ડિસેમ્બરમાં રણબીર કપૂરની ‘એનિમલ’ આવી હતી. જબરદસ્ત સફળતા મેળવનારી આ ફિલ્મમાં વિલન બોબી દેઓલ પર ફિલ્માવાયેલું ‘જમાલ કૂડુ’ ગીત પણ સુપરહિટ થયું હતું. અરેબિક લોક પરંપરાના આ ગીતને બોબી દેઓલની અદાકારી અને પર્સનાલિટીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. ગીતના લય સાથે ગ્લાસને સંતુલિત કરતા કરતા બોબીએ કરેલો ડાન્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. અરેબિક લોક સંગીતનો પ્રભાવ ફરી એક વાર જોવા મળ્યો હતો.



