અક્ષય ખન્ના નેગેટિવ પાત્રમાં નીખરતો અનોખો અદાકાર

મનોરંજનનું મેઘધનુષ -ઉમેશ ત્રિવેદી
બોલિવૂડમાં એક સમયે અમિતાભ બચ્ચન પછી બીજા નંબરે અથવા તો લગભગ સમાંતર ક્રમ પર વિનોદ ખન્નાનું નામ લેવાતું હતું. વિનોદ ખન્નાએ કારકિર્દીની શરૂઆતમાં અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા કરી હતી, પણ થોડા સમય પછી તેણે હીરોની ભૂમિકા કરવા માંડી અને તેમાં તેને ખૂબ જ સફળતા મળી હતી. વિનોદ ખન્નાની કારકિર્દીમાં થોડો બ્રેક રજનીશને કારણે આવ્યો હતો. પણ પછી તેની ગાડી ખૂબ જ ભાગી હતી.
એ જ રીતે કહેવા કરતાં તેનાં કરતાં સાવ ઊંધુ તેના નાના પુત્ર અક્ષય ખન્ના સાથે થયું છે. કારકિર્દીની શરૂઆતમાં કેટલીક સફળ ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકા કર્યા પછી તેણે વચમાં ચાર વર્ષનો બ્રેક લીધો અને અભિનયમાં પાછો ફર્યા બાદ તે એન્ટી હીરો કે વિલનની ભૂમિકામાં છવાઈ ગયો છે.
‘છાવા’ ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકામાં તેનું કામ ખૂબ જ વખણાયું હતું અને હાલમાં જ રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ધુરંધર’માં મહેમાન ડકેતની ભૂમિકામાં તે પૂર્ણપણે નીખરી ઊઠયો છે.
આપણ વાચો: ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાએ વિનોદ ખન્ના કે જેઠાલાલના ડાન્સ સ્ટેપ્સ કોપી કર્યા? તમે જ કહો જોઈએ…
હાલમાં 50 વર્ષના થયેલા અક્ષયનો જન્મ 28 માર્ચ 1975ના મુંબઈમાં થયો.1997માં આવેલી ‘હિમાલય પુત્ર’થી કારકિર્દીની શરૂઆત કરનારા અક્ષય ખન્નાને પહેલી ફિલ્મમાં નિષ્ફળતાનો સામનો કરવો પડયો હતો, પણ બીજી જ ફિલ્મ ‘મલ્ટિસ્ટારર’ હોવા છતાં ‘બોર્ડર’માં તેનું કામ ખૂબ જ વખણાયું…‘બોર્ડર’માં સની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, સુદેશ બેરી, પુનીત ઈસ્સાર, કુલભૂષણ ખરબંદાની સાથે લબરમૂછિયા લશ્કરી જવાન તરીકે તે રીતે રીતસરનો છવાઈ ગયો.
આ ફિલ્મની ભૂમિકા માટે તેને ‘ફિલ્મ ફેર’નો અવૉર્ડ પણ મળ્યો હતો. ત્યાર પછી તેણે ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમાં તાલ, દિલ ચાહતા હૈ, હંગામા, હલચલ, 36 ચાઈના ટાઉન, હમરાઝ, દિવાનગી, રેસ અને ગાંધી માય ફાધર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આપણ વાચો: ‘ધુરંધર’નું ટ્રેલર રિલીઝઃ અક્ષય ખન્ના ઔરંગઝેબ પછી હવે આતંકવાદીના રોલમાં જોવા મળશે…
2012થી 2016 સુધી રૂપેરી પડદાથી દૂર રહ્યા બાદ ઢિસૂમ, ઈત્તેફાક, મોમ, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર, એકશન 375, ટેમ્પલ એટેક, હંગામા-ટુ, લવ યુ હંમેશા, દૃશ્યમ-ટુ જેવી કેટલીક બહુ નહીં ચાલેલી ફિલ્મોમાં તે સહાયક ભૂમિકામાં દેખાયો.
એ પછી આવ્યો એની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ…2025ની શરૂઆતમાં જ આવેલી વિકી કૌશલ-રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘છાવા’માં નેગેટિવ ઔરંગઝેબની ભૂમિકા સ્વીકારી તેણે બધાને ચોંકાવી દીધા હતા. આ પાત્રમાં તે રીતસરનો છવાઈ ગયો હતો અને એક સશક્ત કલાકાર તરીકે તેની ફરીથી ગણના થવા લાગી છે.
હાલમાં જ આવેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ધુરંધર’માં રણવીર સિંહ, અર્જુન રામપાલ, આર. માધવન, સંજય દત્તની હાજરીમાં અક્ષયને રહમત ડકૈતની ભૂમિકામાં ખૌફ ઊભો કરવામાં સફળતા મળી છે.
અક્ષય ખન્ના એક સશક્ત અભિનેતા છે, તે તેણે એકવાર નહીં પણ અનેકવાર સાબિત કરી આપ્યું છે. હીરો તરીકે તેણે અનેક સફળ ફિલ્મો આપી છે, પણ હવે તે નકારાત્મક પાત્ર વધુ પસંદ કરે છે અને તેમાં દમદાર અભિનય દ્વારા તે પોતાની હાજરી પુરાવે છે.
એક ચોકલેટી હીરોનું ખૂંખાર ખલનાયક તરીકેનું પરિવર્તન એ દર્શાવે છે કે તે કેટલો સક્ષમ અભિનેતા છે.
‘ધુરંધર’ ફિલ્મ પહેલાંથી જ બે ભાગમાં બનાવવામાં આવી છે. બીજો ભાગ આવતા વર્ષે એટલે કે 2026માં રજૂ થશે ત્યારે બીજા ભાગમાં અક્ષય હશે કે નહીં એ અત્યારે કહેવું વહેલું ગણાશે, પણ 2026માં યોજાનારા દરેક અવૉર્ડ ફંકશનમાં અક્ષય ખન્ના છવાઈ જશે એ પાક્કું છે.
13 થી 19 ડિસેમ્બર શું જોશો?
OTTનું હોટસ્પોટ
ઓટીટીમાં સૌથી વધુ લોકપ્રિય ચેનલ ‘નેટફ્લિક્સ’ પર અત્યારે યશરાજ ફિલ્મ્સનો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. તેમાં 13 થી 19 ડિસેમ્બર સુધી યશરાજની ટિકિટબારી પર બહુ ન ચાલેલી ફિલ્મો રજૂ થવાની છે.
તેમાં 13 ડિસેમ્બરે બેવકૂફિયા, મેરે ડેડ કી મારુતિ, 14મીએ બેન્ક ચોર, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી, 15મીએ કાબુલ એક્સપ્રેસ, ટશન, 16મીએ ઝૂમ બરાબર ઝૂમ, સુઈ ધાગા: મેડ ઈન ઈન્ડિયા, 17મીએ દાવતે ઈશ્ક, મેરે બ્રધર કી દુલ્હન, 18મીએ તિતલી અને કૈદી બેન્ડ અને 19મીએ ઔરંગઝેબ તેમ જ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન રજૂ થશે.
‘નેટફ્લિક્સ’ પર જ 16 ડિસેમ્બરે હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની ‘એક દિવાને કી દિવાનિયત’ અને 19 ડિસેમ્બરે નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ‘રાત અકેલી હૈ – બંસલ મર્ડર્સ’, રજૂ થશે.
અહીં 16 ડિસેમ્બરે આયુષ્યમાન ખુરાન, રશ્મિકા મંદાના અને પરેશ રાવળ અભિનીત સફળ ફિલ્મ ‘થામા’ રજૂ થશે તો 19 ડિસેમ્બરે સયાની ગુપ્તા, કીર્તિ દુલ્હારી, બાની જે અને માનવી ગાગરુ અભિનીત ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની ચોથી સિઝન શરૂ થશે.
- જિયો હોટસ્ટાર:
માધુરી દીક્ષિત અભિનીત સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ ‘મિસિસ દેશપાંડે’ 19 ડિસેમ્બરે રજૂ થશે.
- ઝી ફાઈવ: અહીં આજે એટલે કે 12 ડિસેમ્બરે રાધિકા આપ્ટે અભિનીત ફિલ્મ ‘સાલી મહોબ્બત’ રજૂ થશે.



