કવર સ્ટોરી: શાહરુખને સલાહ: સપનાનો રાજકુમાર ને લાડલો દીકરો | મુંબઈ સમાચાર
મેટિની

કવર સ્ટોરી: શાહરુખને સલાહ: સપનાનો રાજકુમાર ને લાડલો દીકરો

  • હેમા શાસ્ત્રી

આયુષ્યની ષષ્ટિપૂર્તિ ઉજવી રહેલા આ એક્ટરના ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું છે એ નિમિત્તે એની કેટલીક ખાસ જોવી જ જોઈએ એવી ફિલ્મોનું આચમન

13 એપિસોડની ‘ફૌજી’ સિરિયલ અને 19 એપિસોડની ‘સર્કસ’ સિરિયલોમાં ચમક દેખાડી 1990ના દાયકાના પ્રારંભમાં આત્મવિશ્વાસથી ફાટફાટ થતા 27 વર્ષના દિલ્હીના યુવાન નામે શાહરુખ ખાનની પહેલી ફિલ્મ ‘દીવાના’ (1992) થઈ ધૂમ મચાવી રહી હતી. ત્યારબાદ કોઈની પણ આંગળી ઝાલ્યા વિના અને એક પણ ભલામણ પત્ર વિના ત્રણ વર્ષમાં 15 ફિલ્મોમાં ચમકી ગયો. ‘બાઝીગર’, ‘ડર’ અને ‘અંજામ’ ફિલ્મોમાં નાયક હોવા છતાં ખલનાયક જેવી ભૂમિકા કરી અને શાહરુખ માટે ‘દિલ્હી સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સાઈન કરો’ જેવો માહોલ ખડો થઈ ગયો હતો.

-અને એક ખુશનુમા સાંજે સુપર સ્ટાર બનવાનું ખ્વાબ જોઈ રહેલા શાહરુખની મુલાકાત થઈ વિખ્યાત ફિલ્મમેકર યશ ચોપડાના પુત્ર આદિત્ય ચોપડા સાથે. જુનિયર ચોપડાએ સોનેરી સલાહ આપી ‘સુપર સ્ટાર બનવું હોય તો દરેક યુવતીના સપનાનો રાજકુમાર અને દરેક માતાનો લાડલો દીકરો બની જા.’ અને ‘દિલવાલે દુલ્હનિયા’ (ડીડીએલજે)ના રાજ મલ્હોત્રા ઉર્ફે શાહરુખે આદિત્યની સલાહનું અક્ષરશ: પાલન કર્યું.

કેવો જોગાનુજોગ છે કે જે આદિત્ય ચોપડાએ ‘ડીડીએલજે’થી શાહરુખને રોમેન્ટિક હીરોના સિંહાસન પર બેસાડી દીધો એ જ આદિત્ય ચોપડાએ ‘પઠાન’થી શાહરુખ જેની ઝંખના કરતો હતો એ એક્શન હીરો પણ બનાવી દીધો. ત્યારબાદ આવેલી ‘જવાન’થી એ સિલસિલો આગળ વધ્યો અને આગામી ‘કિંગ’માં વાત આગળ વધશે એવું અનુમાન જરૂર કરી શકાય.

બીજો જોગાનુજોગ પણ સર્જાયો છે. આગામી રવિવારે શાહરુખ ખાન આયુષ્યના 60 વર્ષ પૂરા કરી રહ્યો છે. આજથી ત્રીસ વર્ષ પહેલા (30 ઓક્ટોબર, 1995) ડીડીએલજે રજૂ થઈ હતી. ષષ્ટિપૂર્તિ નિમિત્તે શાહરુખ ખાનનો ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે અને બે અઠવાડિયા સુધી સ્વદેશ અને વિદેશમાં સિને પ્રેમીઓને જલસા કરાવશે. દર્શકો દિલ્હીના ઉત્સાહી છોકરાની કિંગ ઓફ બોલિવૂડ સુધીની સફરની કેટલીક અવિસ્મરણીય ક્ષણોના ફરી સાક્ષી બનશે. ફિલ્મોમાં રસ હોય અને શાહરુખ ખાન ગમતો હોય તો અહીં જેની વાત કરવામાં આવી છે એ ફિલ્મો તો અચૂક જોવી જોઈએ.

એન્ટિ હીરોની ટ્રિલજી (બાઝીગર, ડર અને અંજામ): અબ્બાસ – મસ્તાન હોલિવૂડ ફિલ્મ ‘અ કિસ બિફોર ડાઈંગ’માંથી પ્રેરણા લઈ હિન્દી ફિલ્મ બનાવવા માગતા હતા. જોકે, અનિલ કપૂર, સલમાન ખાન અને અક્ષય કુમારે ના પાડ્યા બાદ શાહરુખે સ્વીકારી અને હીરો મર્ડર કરતો હોવા છતાં ચિત્રપટ સુપરહિટ થયું. યશ ચોપડાની ‘ડર’માં કિરણ (જુહી ચાવલા)ને મેળવવાની લાલસા માટે સતત એનો પીછો કરતો યુવાન (ક ક ક … કિરણ યાદ છે?) અને ‘અંજામ’નો ગમી ગયેલી છોકરી (માધુરી દીક્ષિત)ને પામવા શેહઝાદાનો રોલ જેવા જોખમ એક્ટરે લીધા. નામ નાયકનું, કામ ખલનાયકનું એ સમીકરણથી એનું પલડું વજનદાર થઈ ગયું.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે: બરાબર 30 વર્ષ પહેલા (30 ઓક્ટોબર, 1995) આવેલી આદિત્ય ચોપડાની પહેલી ફિલ્મથી શાહરુખ ખાનનો ‘કિંગ ઓફ રોમેન્સ’ તરીકે વાવટો લહેરાયો. આ ફિલ્મે અસાધારણ આર્થિક સફળતા મેળવી અને એસઆરકેની કરિયરના નવા અધ્યાય અથ: શ્રી રોમેન્ટિક કથાનો પ્રારંભ થયો.
દર્શકો, ખાસ કરીને યંગસ્ટર્સની દિલની દુનિયાને બાગ બાગ કરી દેતા રાજ – રાહુલ નિયમિતપણે મળવા લાગ્યા. જોકે, એક લાભ મેળવતા બીજું નુકસાન એ થયું કે જરાય ગભરાયા વિના, ઈમેજની પરવા કર્યા વિના રિસ્ક લેતો એક્ટર શાહરુખ ખાન સિને પ્રેમીઓએ ગુમાવ્યો. આની સાથે યશજીની ‘દિલ તો પાગલ હૈ’ (ડીએલટીપીએચ)નોઉલ્લેખ પણ કરવો જોઈએ, કારણ કે આ ફિલ્મ ‘ડીડીએલજે’નું એક્સ્ટેંશન છે – એનો વિસ્તાર લાગે છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી: હવે શરૂ થયું AI અભિનેત્રીનું આક્રમણ…


‘ડીડીએલજે’નો રાજ થોડો ચાઈલ્ડિશ લાગે છે, પણ ‘ડીએલટીપીએચ’નો રાહુલ રાજની સરખામણીમાં મેચ્યોર છે. બંને ફિલ્મ બે વર્ષના અંતરમાં આવી હતી, પણ શાહરુખે રાજ – રાહુલની પેશકશમાં ગજબનાક સૂઝ દેખાડી બંને પાત્ર અલગ રીતે ભજવી, મોહક બનાવી દર્શકોના દિલમાં રાજ કર્યું.

ચક દે ઈન્ડિયા: શાહરુખ ખાન કેવો દમદાર એક્ટર છે એ જોવું – જાણવું હોય તો આ ફિલ્મ જોવી જ જોઈએ. ફિલ્મના પ્રારંભથી અંત સુધી તમને ક્યાંય કિંગ ખાનનું ગ્લેમર નહીં દેખાય, દેખાશે તો ફક્ત અને ફક્ત હોકી કોચ કબીર ખાનની કશ્મકશ. ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે ફિલ્મમાં શાહરુખની કોઈ હીરોઈન નથી કે નથી તેણે કોઈ ગીત ગાયું અને તેમ છતાં થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી ફિલ્મ અને નાયક તમારા માનસપટ પર અંકિત થઈ જાય છે.

સ્વદેસ અને માય નેમ ઈઝ ખાન: અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના પ્રોજેક્ટ એન્જિનિયર મોહન ભાર્ગવ છુટ્ટી મનાવવા ભારત આવે છે. દેશદાઝ અને દેશપ્રેમ આગળ વિદેશની ગ્લેમરસ નોકરી પાણી ભરે એ ન્યાયે નાસાનો એન્જિનિયર પોતાના દેશના વિકાસમાં મગ્ન બની જાય એ કવિ ન્યાય જ કહેવાય.

આશુતોષ ગોવારિકરે હૃદયસ્પર્શી ફિલ્મ બનાવી અભિનેતા શાહરુખને રજૂ કર્યો, પણ એ જ વર્ષે આવેલી બે બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈં હૂં ના’ અને ‘વીર ઝારા’ના પ્રભાવમાં રહેલા દર્શકોને ‘સ્વદેસ’ના મોહન ભાર્ગવની સાદગી પલ્લે ન પડી. કરણ જોહરની ફિલ્મો જોઈ હોય અને ‘માય નેમ ઈઝ ખાન’ જુઓ તો આ ખરેખર કરણની ફિલ્મ છે? એવો સવાલ મનમાં ચોક્કસ ઊભો થાય.

રોમેન્ટિક ફિલ્મોથી ચીલો ચાતરી કરણે શાહરુખને શારીરિક અને માનસિક તકલીફ ધરાવતા અને 9/11 હુમલા પછી યુએસમાં પૂર્વગ્રહનો સામનો કરી રહેલા મુસ્લિમના પાત્રમાં મોટું જોખમ લીધું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ને ગ્લેમર રહિત શાહરુખની દમદાર એક્ટિંગ જોવા મળી.

આ પણ વાંચો…કવર સ્ટોરી: રિસ્ક હૈ તો ઈશ્ક હૈ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button