કવર સ્ટોરીઃ બાળકલાકારની વિશિષ્ટ ત્રિપુટી: ત્રિશા-કમલ-ઘનશ્યામ નાયક

હેમા શાસ્ત્રી
ભારતીય સિનેમાના શ્રેષ્ઠત્વનું સન્માન કરવા તેમજ ભારતીય કલા – સાંસ્કૃતિક પ્રવૃતિઓને ઉત્તેજન આપવાના આશય સાથે 1953માં રિલીઝ થયેલા ચિત્રપટો માટે 1954માં નેશનલ ફિલ્મ એવૉર્ડ આપવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
તાજેતરમાં 71મા નેશનલ એવૉર્ડના પારિતોષિક વિતરણ દરમિયાન શાહરુખ ખાનના વીડિયો-તસવીરો અને કેટલીક વાતો ખાસ્સી વાયરલ થઈ જે સ્વાભાવિક હતું. એની સાથે સાથે ત્રિશા ઠોસર નામની બાળ અભિનેત્રીનું નામ પણ ખૂબ ગાજ્યું. આ વર્ષે શ્રેષ્ઠ બાળકલાકારનો એવૉર્ડ પાંચ બાળકો વચ્ચે વહેંચાઈ ગયો છે,
જેમાં એક છે તમિળ ફિલ્મ માટે સન્માન મેળવનારી સુકૃતિ વેણી બન્દ્રેદી અને બીજા ચાર છે મરાઠી કલાકાર ‘જીપ્સી’ ફિલ્મ માટે કબીર ખંડારે અને ‘નાળ 2’ માટે શ્રીનિવાસ પોકળે, ભાર્ગવ જગતાપ અને ત્રિશા ઠોસર. ત્રિશા અને અન્ય બે મરાઠીભાષી બાળ કલાકારોને નેશનલ એવૉર્ડ મળ્યો છે એ ફિલ્મ 2018માં આવેલી ‘નાળ’ ફિલ્મની સિક્વલ છે.
નવ વર્ષ પહેલા રિલીઝ થયેલી અને દર્શકોને સ્તબ્ધ કરી ગયેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના સિનેમેટોગ્રાફર સુધાકર રેડ્ડી ‘નાળ 2’ના ડિરેક્ટર છે જ્યારે ડિરેક્ટર નાગરાજ મંજુળેનું લેખન, નિર્માણ અને એક્ટર તરીકે ‘નાળ 2’માં યોગદાન છે.
ત્રિશા મીડિયામાં છવાઈ ગઈ અને કમલ હાસન સહિત અનેક લોકોએ એને અભિનંદન આપ્યા. એનું મુખ્ય કારણ એ હતું કે સૌથી નાની ઉંમરે એવૉર્ડ મેળવવાનો કમલ હસનનો રેકોર્ડ (છ વર્ષ) ત્રિશાએ(4 વર્ષ) તોડી નાખ્યો છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કમલ દાદાએ દોહિત્રીની ઉંમરની ત્રિશાને મુબારકબાદી આપી, ‘પ્રિય ત્રિશા ઠોસર, તાળીઓના ગડગડાટથી તને અભિનંદન આપું છું. તે મારો રેકોર્ડ તોડ્યો છે. નેશનલ એવૉર્ડ મળ્યો ત્યારે હું છ વર્ષનો હતો. મેડમ, તમે તો કમાલ કરી. તારી અસાધારણ પ્રતિભાને અનુરૂપ કામ કરતી રહે. ઘરના વડીલોને મારી સલામ.’
ચાર વર્ષની ત્રિશાએ આની પહેલા ઐતિહાસિક ચિત્રપટ ‘પુન્હા શિવાજી રાજે ભોસલે’, ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ ‘મન્વતમાર્ડર્સ’ તેમ જ પારિવારિક ફિલ્મ ‘પેટ પુરાણ’માં એના અભિનયનનું કૌવત દાખવી ચૂકી છે. પ્રત્યેક રોલમાં એ આવતીકાલની દમદાર અગ્રણી અભિનેત્રી બનશે એવા એંધાણ મળ્યા હોવાનું વિવેચકોનું કહેવું છે.
નેશનલ એવૉર્ડનો પ્રારંભ થયો 1952 – 53માં પણ શ્રેષ્ઠ બાળ કલાકારને પારિતોષિક આપવાની પરંપરા શરૂ થઈ 1968માં. પહેલો એવૉર્ડ બેબી રાણી નામની ચાઈલ્ડ આર્ટિસ્ટને તમિળ ફિલ્મ માટે એનાયત થયો હતો. 1969માં એવૉર્ડ નહોતો અપાયો અને 1970માં ‘મેરા નામ જોકર’ માટે રિશી કપૂરની વરણી થઈ હતી. 57 વર્ષથી આપવામાં આવતા શ્રેષ્ઠ બાળ કલાકાર નેશનલ એવૉર્ડમાં હિન્દી (24 એવૉર્ડ) અને મરાઠી (16 એર્ડ) સાથે મેદાન મારી ગયા છે. તમિળ અને મલયાલમ ભાષાના બાળકો 14-14 એવૉર્ડ સાથે બહુ પાછળ નથી.
ગુજરાતીની શું પરિસ્થિતિ છે?
ફક્ત અને ફક્ત એક એવૉર્ડ. 2022માં રિલીઝ થયેલી પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ માટે ભાવિન રબારીને શ્રેષ્ઠ બાળ કલાકારનો એવૉર્ડ એનાયત થયો હતો. એ સિવાય પાટી કોરી કટ્ટ છે.
જોકે, ગુજરાતી બાળ કલાકાર સંદર્ભે એક જાણકારી હરખ આપનારી જરૂર છે. ભવાઈ, નાટકો, ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અનોખી છાપ પાડનારા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટેલિવિઝન ધારાવાહિકથી નટુકાકાના રોલને કારણે અફાટ લોકપ્રિયતા મેળવનારા અભિનેતા ઘનશ્યામ નાયકની ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે થઈ હતી.
પી. એલ. સંતોષી (બરસાત કી એક રાત, શેહનાઈ, દિલ હી તો હૈ જેવી યાદગાર ફિલ્મોના દિગ્દર્શક)એ 1957માં ‘હમ પંછી એક ડાલ કે’ નામની બાળકો માટેની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ઘનશ્યામ ભાઈએ ગોપાલ નામના બાળકનો રોલ કર્યો હતો. પાછળથી કોમેડિયન તરીકે ખ્યાતિ મેળવનાર જગદીપ અને મોહન ચોટીએ પણ કિશોર વયના બાળ કલાકાર તરીકે હાજરી પુરાવી હતી.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ નેપાળી ફિલ્મમાં ભારતીય કલાકારોનો શંભુમેળો…
ફિલ્મમાં ઘનશ્યામ ભાઈનો રોલ તો નાનો હતો, પણ ‘જાગૃતિ’ જેવી મુખ્યત્વે બાળકોની કથા વર્ણવતી ફિલ્મ તેમ જ ‘ચલતી કા નામ ગાડી’, ‘દોસ્તી’ જેવી લોકપ્રિય ફિલ્મોના દિગ્દર્શક સત્યેન બોઝે આ ફિલ્મ જોઈ હતી. કદાચ પડદા પર ઘનશ્યામ ભાઈનો કોન્ફિડન્સ તેમને સ્મરણમાં રહી ગયો હશે એટલે ‘માસૂમ’ (1960) ફિલ્મ બનાવી ત્યારે ઘનશ્યામ ભાઈને એમાં એક રોલ આપ્યો હતો. ફિલ્મના બહુ જ જાણીતા થયેલા ગીત ‘નાની તેરી મોરની કો મોર લે ગયે’ (રાનુ મુખરજી- હેમંત કુમારની દીકરી) ગીતમાં ચમકી લોકપ્રિયતા મેળવી હતી.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં અનેક બાળ કલાકારોએ વયસ્ક બન્યા પછી જ્વલંત કારકિર્દી જોઈ છે. મધુબાલા, મીના કુમારી, વૈજયંતિમાલા, મુમતાઝ, શશી કપૂર, મેહમૂદ, આમિર ખાન, રિતિક રોશન… યાદી ઘણી લાંબી છે.
જોકે, પૈસા કમાવાની મજબૂરીને કારણે સ્ટુડિયોનાં પગથિયાં ચડવા પડ્યા હોય એવા ચાઈલ્ડ આર્ટિસ્ટની સંખ્યા વધારે છે. એવા પણ કેટલાક ઉદાહરણ છે, જેમાં માત- પિતાની પૈસાની લાલસાએ બાળકોને કેમેરા સામે ધકેલી દીધા હોય. અલબત્ત, વીસમી સદીમાં શોખને કારણે તેમ જ આવડત હોવાથી બાળકોની ફિલ્મોમાં પધરામણી થવા લાગી અને એ ફાલમાં શાહિદ કપૂર, જુગલ હંસરાજ, દર્શીલ સફારી વગેરેનો સમાવેશ થાય છે.
પરથમ પહેલું પગથિયું
હિન્દી ફિલ્મના ઈતિહાસમાં સર્વપ્રથમ બાળકલાકારની સિદ્ધિ ભાલચંદ્ર ફાળકેના નામે છે. 1913માં દાદાસાહેબ ફાળકેએ બનાવેલી ‘રાજા હરિશ્ર્ચંદ્ર’ ફિલ્મમાં રાજાના પુત્ર રોહિદાસની ભૂમિકા બાળક ભાલચંદ્રએ કરી હોવાની નોંધ નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઇન્ડિયામાં છે. એ હિસાબે ભાલચંદ્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પ્રથમ ચાઈલ્ડ આર્ટિસ્ટ-બાળ કલાકાર કહેવાય.
અલબત્ત, બાળક ભાલચંદ્રને બાળ નાટ્યનો કે સ્ટેજ પરફોર્મન્સનો કંઈ અનુભવ હતો કે નહીં એ વિશે કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. જોકે, ભાલચંદ્રની પસંદગી મજબૂરીનું પરિણામ હતું. વાત એમ હતી કે દાદાસાહેબ ફાળકે કલાકાર નક્કી કરી રહ્યા હતા ત્યારે બાળક રોહિદાસના રોલ માટે એમને ચાઈલ્ડ આર્ટિસ્ટ નહોતો મળી રહ્યો. મૂંગી ફિલ્મમાં બાળકની ભૂમિકા માટે કોઈ માતા પિતા પોતાના બાળકને મોકલવા તૈયાર નહોતા એટલે નાછૂટકે ફાળકે સાહેબે 7 વર્ષના પુત્રને કેમેરા સામે ઊભો કરી દીધો હતો.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ દાદા-દાદી, હાજિર હો!