કવર સ્ટોરીઃ લાઈનબંધ લવ સ્ટોરીની કહાણી…

હેમા શાસ્ત્રી
‘દિલ ધડકને દો’ ફિલ્મમાં ક્રૂઝ પર આયોજિત એક પાર્ટીમાં સુપરહિટ સોન્ગ ‘મૈં ડાલું તાલ પે ભંગડા’ શરૂ થવા પૂર્વે ઓસ્ટ્રેલિયન પોપ સિંગર જ્હોન પોલ યંગનું વિશ્વવિખ્યાત સોન્ગ ‘લવ ઈઝ ઈન ધ એર’ની કેટલીક પંક્તિ રજૂ કરવામાં આવી હોય છે. ચારેકોર પ્રેમનો માહોલ છે એવો એનો ભાવાર્થ છે. ‘સૈયારા’ને મળેલો અણધાર્યો પણ અનોખો આવકાર જોયા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ ‘લવ ઈઝ ઈન ધ એર’ જેવું વાતાવરણ બંધાઈ રહ્યું હોવાનું કહેવાય છે.
આ વર્ષના પ્રથમ સાત મહિના દરમિયાન રિ-રિલીઝ કરવામાં આવેલી ફિલ્મોનું સરવૈયું જોતા સૌથી સારી કમાણી કરનારી પ્રથમ પાંચ ફિલ્મમાં ત્રણ હિન્દી છે અને એમાંથી બે લવ સ્ટોરી – રોમેન્ટિક ફિલ્મ છે. બાકીની બેમાંથી એક હોલિવૂડ ફિલ્મ ‘ટાઈટેનિક’ ટેકનિકલી રોમેન્ટિક ડિઝાસ્ટર ફિલ્મ છે, પણ એની પ્રેમકથા દર્શકોમાં મજબૂત પ્રભાવ પાડવામાં સફળ રહી છે, ગઈકાલે અને આજે સુધ્ધાં. આમ ટોપ ફાઈવમાં ત્રણ પ્રેમકથા છે.
બે હિન્દી ફિલ્મોમાંથી ‘સનમ તેરી કસમ’ 2016માં પ્રથમ વાર રિલીઝ થઈ ત્યારે માંડ 15 કરોડનો વકરો કરી શકી હતી, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિ – રિલીઝ વખતે 50 કરોડથી વધુ કલેક્શન કરવામાં સફળ રહી હતી. રણબીર કપૂર-દીપિકા પાદુકોણની ‘યે જવાની હૈ દીવાની’ જાન્યુઆરીના પ્રથમ હપ્તામાં રિ-રિલીઝ કરવામાં આવી હતી.
આશ્ચર્યની વાત એ હતી કે 12 વર્ષ પહેલાની રણબીરનું ચિત્રપટ આ વર્ષે રિલીઝ થયેલી ત્રણ નવી ફિલ્મ ‘ઈમરજન્સી’ (કંગના રનૌટ), ‘આઝાદ’ (અજય દેવગન) અને ‘ફતેહ’ (સોનુ સૂદ) કરતાં બહેતર દેખાવ કરવામાં સફળ રહી હતી. માત્ર 17 દિવસમાં અયાન મુખરજી દિગ્દર્શિત ફિલ્મ 22.04 કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. એકંદરે દર્શકોમાં લવ સ્ટોરી જોવાની તીવ્રતા ફરી વધી રહી હોવાનો આ ચોખ્ખો અણસાર છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : જીએસટીની લહાણી તહેવારોની ઘરાકી બગાડશે?
બીજી તરફ, જુલાઈના ત્રીજા અઠવાડિયામાં રિલીઝ થઈ ‘સૈયારા’. સાવ નવાનક્કોર હીરો- હીરોઈન સાથેની મોહિત સૂરી દિગ્દર્શિત આ ફિલ્મે યુવા વર્ગને થિયેટર તરફ દોડતા કર્યા. આ લખાય છે ત્યાં સુધીમાં ફિલ્મ વિશ્વભરમાં 555 કરોડનો ધૂમ વકરો કરવામાં સફળ રહી છે. આ ફિલ્મની સફળતાએ રોમેન્ટિક ફિલ્મોનો દોર શરૂ થવાની સંભાવનાને ખાતર-પાણી નાખ્યા છે. આ વર્ષના બાકીના ચાર મહિના અને 2026માં રજૂ થનારી કતારબંધ લવ સ્ટોરી ધરાવતી ફિલ્મો પર એક નજર નાખીએ,જેમકે…
લવ એન્ડ વોર: આ ફિલ્મ વિશે સૌથી વધુ ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે. એનું એક કારણ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી છે, જે પ્રેમકથા અલગ અંદાજમાં પેશ કરવા માટે પ્રખ્યાત છે. એમની ફિલ્મોનાં દ્રશ્યો આંખોમાં અને એની કથા, ગીત – સંગીત હૃદયમાં કાયમી વસવાટ કરી જાય છે. બીજું કારણ છે એના ત્રણ મુખ્ય કલાકાર (રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ) કુશળ એક્ટર તરીકે નામના ધરાવે છે. ફિલ્મનું ટાઇટલ ‘લવ એન્ડ વોર’ પણ આકર્ષક છે.
આશિકી 3: આ ફિલ્મ ‘આશિકી’ ફ્રેન્ચાઈઝીનો જ હિસ્સો છે કે કેમ એના વિશે ફોડ નથી પાડવામાં આવ્યો. જોકે, દિગ્દર્શક અનુરાગ બાસુ અને હીરો કાર્તિક આર્યનની હાજરી દર્શકોમાં ઉત્કંઠા વધારનારી ચોક્કસ છે. પ્રેમ, વિરહ અને બિનશરતી સમર્પણ રસાયણો અનુરાગ બાસુની પણ લાક્ષણિકતા રહી હોવાથી ‘સૈયારા’ની ધૂંઆધાર સફળતા પછી ‘આશિકી 3’ના કેટલાક દ્રશ્ય નવેસરથી લખવામાં આવ્યા છે, જેનું ફરી શૂટિંગ કરવામાં આવશે. ‘સૈયારા’ સાથે સરખામણી ટાળવા આ ઉદ્યમ થઈ રહ્યો હોય એવું લાગે છે.
તેરે ઈશ્ક મેં: ‘તનુ વેડ્સ મનુ’ અને ‘રાંઝણા’ જેવી રોમેન્ટિક ફિલ્મો આપનારા ફિલ્મમેકર આનંદ એલ. રાય ‘તેરે ઈશ્ક મેં’ ફિલ્મ સાથે આવી રહ્યા છે. ધનુષ (‘રાંઝણા’નો હીરો) અને ક્રિતિ સેનનના લીડરોલવાળી આ ફિલ્મ ‘રાંઝણા’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ (અગાઉની ફિલ્મ જેવી જ થીમ અને કથામાં એવાં જ તત્ત્વો, પણ એ ફિલ્મની કથા આગળ વધારવામાં ન આવી હોય) હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લાગણીઓથી છલોછલ આ ફિલ્મના સંગીત પર પણ ખાસ્સું જોર આપવામાં આવી રહ્યું છે. ‘સૈયારા’ની સફળતામાં સંગીતનો ફાળો જાણીતો છે.
કોકટેઇલ 2: સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની 2012માં આવેલી મોડર્ન લવ ટ્રાયએન્ગલ ફિલ્મ ‘કોકટેલ’ની આ સિક્વલ છે. ફ્રેન્ડશીપ અને રોમેન્સને અલાયદા દ્રષ્ટિકોણથી પેશ કરવા માટે ફિલ્મની પ્રશંસા કરવામાં આવી હતી. સિક્વલમાં શાહિદ કપૂર, ક્રિતી સેનન અને રશ્મિકા મંદાના છે. પહેલી ફિલ્મના દિગ્દર્શક હોમી અડજાણિયા જ સિક્વલના પણ ડિરેક્ટર છે. રોમેન્ટિક કોમેડીના પ્લોટ અંગે ગુપ્તતા રાખવામાં આવી છે, પણ પ્રેમ ત્રિકોણની અપેક્ષા જરૂર રાખી શકાય.
પરમ સુંદરી: સિદ્ધાર્થ મલ્હોત્રા-જ્હાન્વી કપૂરની આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. ‘સૈયારા’ને હૈયા સરસી ચાંપનારા દર્શકો આ ફિલ્મના હીરો ‘પરમ’ને અને હીરોઈન ‘સુંદરી’ને કેટલા પ્રેમથી વધાવે છે કે કેમ એ જોવું રહ્યું. ફિલ્મમાં મેલોડ્રામાને કોઈ સ્થાન નથી એવો દાવો કરવામાં આવ્યો છે. બે જુવાન હૈયાનો પ્રેમ, પ્રેમની ઉત્કટતા અને બીજા છેડે સામાજિક પરંપરા એ બે વચ્ચે સંઘર્ષ ફિલ્મનો તંતુ છે. સાંસ્કૃતિક સ્વરૂપે વિભિન્નતા ધરાવતા યુવક – યુવતી વચ્ચેના લાગણીના સંબંધો પર દર્શકો ઓળઘોળ થશે એવી અપેક્ષા રાખવામાં આવી છે.
ચાંદ મેરા દિલ: ‘પ્યાર મેં થોડા પાગલ હોના પડતા હૈ’ જેવી ટેગલાઈન ધરાવતી આ ફિલ્મની સ્ટોરીમાં ઉત્કટતા ભારોભાર હશે એટલું તો નક્કી. આમ પણ આજની જનરેશનને હાઈ વોલ્ટેજ લવ સ્ટોરી જ અપીલ કરે છે. કરણ જોહર નિર્મિત આ ફિલ્મનો હીરો છે લક્ષ્ય લાલવાણી. ધર્મા પ્રોડક્શનની ‘કિલ’ (2023) ફિલ્મથી ડેબ્યુ કરનાર લક્ષ્યની હીરોઈન છે અનન્યા પાંડે. મ્યુઝિકને ‘આલ્બમ ઓફ 2025’ તરીકે પ્રોજેક્ટ કરી ફિલ્મના વાજાં વગાડવામાં શ્રેષ્ઠ કોશિશ કરવામાં આવી છે.
આ બધા ઉપરાંત બીજી કેટલીકનું આયોજન પણ થઈ રહ્યું હશે એ નક્કી. વહેતી ગંગામાં…
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ મિથ્યાભિમાનમાં મસ્ત મેરા ભારત છે મહાન…!