સ્ટાર-યાર-કલાકાર: કહું છું જુવાનીને… પ્લાસ્ટિક સર્જરીથી કોસ્મેટિક દવાઓનું ખતરનાક કોક્ટેલ! | મુંબઈ સમાચાર

સ્ટાર-યાર-કલાકાર: કહું છું જુવાનીને… પ્લાસ્ટિક સર્જરીથી કોસ્મેટિક દવાઓનું ખતરનાક કોક્ટેલ!

-સંજય છેલ

ઈટલીમાં એક અભિનેત્રી ખૂબ લોકપ્રિય હતી, પણ ધીમે ધીમે એનું રૂપ ઝંખવાવા માંડ્યું. ઉંમર દેખાવા માંડી. પછી એ સુંદર હીરોઈન એક અવાવરું જગ્યાએ બ્યુટી ટ્રીટમેન્ટ માટે ગઈ ને બે-ચાર વર્ષ પછી પાછી આવી. જાણે વીસ વર્ષ એની ઉંમર પાછળ ધકેલાઈ ગઈ હોય એવી લાગતી હતી. ફરીથી સ્ટાર બની, ફરીથી લોકો એનાં રૂપ પાછળ આશિક બન્યાં. પણ હવે એ કોઈને મળતી નહીં, પાર્ટીઓમાં જતી નહીં, કોઈ સાથે દોસ્તી, રોમાન્સ, ઈન્ટરવ્યૂ કંઈ કરતાં કંઈ જ કરતી નહીં.

એક પત્રકારને જરા શક પડ્યો. એણે હીરોઈનનો પીછો કર્યો. એ રોજ એક અવાવરુ ટાપુ પર સુના બંગલામાં રહેવા જતી રહેતી. ત્યાં બહારથી કોઈનેય આવવાની છૂટ નહોતી, પણ પત્રકાર ગમે તેમ કરીને અંદર પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ હીરોઈન એટલે એ પોતે નહીં, પણ એ હીરોઈનની દીકરી છે જે અદ્લોદલ એનાં જેવી જ દેખાય છે. એટલે જૂની હીરોઈન ફેડોરાએ પોતાને બદલે પોતાની જુવાન દીકરીને ફિલ્મોમાં મૂકી પણ નામ પોતાનું જ આપ્યું, જેથી એ પોતે હજી પણ સુંદર છે અને લોકપ્રિય પણ છે એવું દુનિયા માને!

હવે આ કહાણીમાં ટ્વિસ્ટ આવે છે. પેલી જુવાન દીકરીને પત્રકાર સાથે પ્રેમ થઈ જાય છે. એ પોતાની આપવીતી કહે છે, પત્રકાર સાથે ભાગી જવા માગે છે, પણ માની કેદમાંથી મુક્ત થવું શક્ય નથી…છેવટે એ જુવાન દીકરી આત્મહત્યા કરે છે. કરુણતાની પરાકાષ્ઠા તો હવે આવે છે. સ્મશાનયાત્રામાં લોકો એમ માને છે કે પેલી મહાન અભિનેત્રી ‘ફેડોરા’ ગુજરી ગઈ છે! જે છેવટ સુધી સુંદર ને આકર્ષક હતી, પણ પેલી વૃદ્ધ ‘ફેડોરા’ તો છુપાઈને પોતાની દીકરીની અંતિમયાત્રા જોઈ રહી છે કે પછી તો પોતાનાં ‘નામ’ની અર્થી મરેલ દીકરીમાં જોઈ રહી છે! દરેક સ્ટારને આખી જિંદગી ખૂબસૂરત દેખાઇને અમર થવાનું સપનું હોય છે. આજકાલ તો ટોપ ટુ બોટમ બધાં એટલે કે લગભગ બધાં જ ફિલ્મ સ્ટાર્સ અનંતકાળ સુધી સુંદર જ દેખાવા માગે છે ઈચ્છે છે, જે શક્ય નથી અને કુદરતનું સત્ય પણ નથી.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: હરિભાઇ ઉર્ફ સંજીવ કુમાર ગુજરાતી અસ્મિતાનું આગવું અભિમાન

હમણાં આપણી ગુજરાતી કલાકાર-ડાન્સર-મૉડલ સ્વ. શેફાલી જરીવાલા અમારી બહુ સારી મિત્ર તો નહોતી, પણ ઓળખાણ ચોકકસ હતી. એકદમ ચિયરફૂલ ને મજાનું વ્યક્તિત્વ. આમ અચાનક કોસ્મેટિક પ્રોડક્ટ્સને કારણે એ અકાળે ગુજરી જશે એ કલ્પવું પણ ધ્રુજાવી મૂકે છે.

આ પહેલાં મિષ્ટી મુખર્જી નામની મૉડલ પેટની ચરબી ઓછી કરવા બેરિયાટ્રીક સર્જરીને લીધે ગુજરી ગયેલી. 1990ના અદ્ભુત કોમેડિયન અને વ્યંગકાર ટી.વી. કલાકાર સ્વ.જસપાલ ભટ્ટીનાં અદ્ભુત સાથી કલાકાર વિવેક શૌક પણ આવી જ રીતે ચરબી ઉતારવાની સર્જરીના ચક્કરમાં ભરી જુવાનીમાં અવસાન પામ્યા. સાઉથની અભિનેત્રી આરતી અગ્રવાલ પણ આવી જ રીતે ચરબી ઉતારવા લિપોસક્શન સર્જરીમાં જાન ગુમાવી ચૂકેલી.

અમારી પારિવારિક મિત્ર, અભિનેત્રી અને સુપર સેક્સી આયેશા ટાકિયા કોસ્મેટિક સર્જરીથી સાવ બદહાલ થઇ ગયેલી લાગે છે. આજની બહુ પ્રોમિસિંગ અભિનેત્રી ભૂમિ પેડણેકરે પોતાનાં હોઠોની સર્જરી કરીને એવી હાલત કરી છે કે એના હોઠ ચુંબન કરવા માગે છે કે ચા પીવા માગે છે એ જ ખબર નથી પડતી. અનેકવાર બોટોક્સની સારવાર કર્યા બાદ ‘ડ્રીમગર્લ’ હેમામાલિનીજીને આજે તમે મળો તો એ જરાક જ હસે, માપી-તોલીને અને તમને એમ લાગે કે આ હેમાજી પોતે છે કે એમનું મીણનું પૂતળું છે?

આજ રીતે, અનેક કોસ્મેટિક સર્જરી બાદ સદાબહાર સ્ટાર જીતેંદ્રને જોઇને એમ લાગે કે જો એ વધારે હસશે તો પ્લાસ્ટિક સર્જરીને લીધે ચહેરા પરથી ચામડીનાં ચારપાંચ પડ ઉખડીને ખરી પડશે.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: બરસાતમેં તાક ધીના ધિન…! ફિલ્મી વરસાદના ભીના ભીના કિસ્સાની ભીતર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button