ફોકસઃ ‘શોલે’ના 50 વર્ષ: ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, છતાં ફિલ્મ સુપરહિટ! | મુંબઈ સમાચાર

ફોકસઃ ‘શોલે’ના 50 વર્ષ: ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, છતાં ફિલ્મ સુપરહિટ!

નિધિ શુક્લ

ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા 25 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, જે 21 માર્ચ 1977 સુધી ચાલુ રહી. જેને તાજેતરમાં 50 વર્ષ પૂરા થયા હતા.

આ કટોકટી દરમિયાન એક ફિલ્મ રિલીઝ થઈ હતી. જેણે બોક્સઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો. કદાચ તમે ફિલ્મના નામનું અનુમાન લગાવી લીધું હશે. આ ફિલ્મનું નામ છે ‘શોલે’. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અમજદ ખાન, હેમા માલિની, જયા બચ્ચન અને સંજીવ કુમાર સહિતના અનેક સ્ટાર અભિનેતા-અભિનેત્રીઓને ફિલ્માવતી આ ફિલ્મ 15 ઓગસ્ટ 1975ના રોજ રિલીઝ થઈ હતી. પ્રિન્ટ મીડિયાની જેમ આ ફિલ્મ પર પણ કટોકટીની અસર પડી હતી. આ અસર કેવી રીતે પડી હતી? આવો જાણીએ.

શોલે ફિલ્મે બનાવ્યા અનેક રેકોર્ડ.

રિલીઝ થયાના પહેલા અઠવાડિયામાં ‘શોલે’ ફિલ્મ ખાસ ચાલી ન હતી. પરંતુ ત્યારબાદ આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્રણ કરોડમાં બનેલી આ ફિલ્મે એ સમયે 15.50 કરોડની કમાણી કરી હતી.

સમગ્ર વિશ્વમાં ‘શોલે’ ફિલ્મની 25 કરોડથી વધારે ટિકિટ વેચાઈ હતી. આ ફિલ્મે ભારતમાં 60 ગોલ્ડન જ્યુબિલીનો રેકોર્ડ બનાવ્યો હતો. 100થી વધુ સિનેમાઘરોમાં સિલ્વર જ્યુબિલી ઉજવવામાં આવી હોય, એવી ‘શોલે’ ફિલ્મ પ્રથમ હતી.

સલીમ-જાવેદની જોડીએ ‘શોલે’ ફિલ્મની પટકથા અને સંવાદ લખ્યા હતા. સલીમ-જાવેદે લખેલા સંવાદોને આજે પણ લોકો યાદ કરે છે. ગબ્બરનો ‘કિતને આદમી થે’ તથા મેક મોહનનો ‘દો થે સરકાર’ જેવા સંવાદો આજે પણ લોકોને યાદ છે.

સલીમ-જાવેદની જોડી પૈકીના જાવેદ અખ્તરના દીકરા ફરહાન અખ્તરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ઈન્ટરવ્યૂ આપ્યું હતું. પોતાના ઈન્ટરવ્યૂમાં ફરહાન અખ્તરે કટોકટી દરમિયાન સરકાર દ્વારા ‘શોલે’ ફિલ્મમાં કરવામાં આવેલા હસ્તક્ષેપ અંગે વાત કરી હતી.

આ પણ વાંચો…હૃતિક-રજનીકાંતની ટક્કર કેવીક જામશે?

સરકારે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલાવ્યો

ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે, શોલે તમારા પર ગાઢ પ્રભાવ પાડે છે. તેના તમામ પાત્રો રસપ્રદ હતા. એવું નથી કે માત્ર જય અને વીરૂ જ રોમાંચક હતા. જેલર, સૂરમા ભોપાલી, ગબ્બર અને બસંતી સહિતના તમામ પાત્રો સરસ હતા.

ફિલ્મનું ડિરેક્શન પણ શાનદાર હતું. ફિલ્મના સીન એ વિચારવા માટે મજબૂર કરી દે છે કે, તેનું શૂટિંગ કેવી રીતે થયું હશે? એ સમયે કોઈ વીએફએક્સ પણ ન હતા. તેમ છતાં સિનેમાઘરોમાં ફિલ્મને નિહાળવાનો અનુભવ અદ્ભુત હતો.

ફરહાન અખ્તરે આગળ જણાવ્યું કે, સલીમ-જાવેદની ફિલ્મના ક્લાઈમેક્સમાં જય-વીરૂ ગબ્બરને મારી નાખે છે, એવું લખ્યું હતું, પરંતુ કટોકટીના કારણે તેમને ક્લાઈમેક્સ બદલવો પડ્યો હતો. જેમાં ઠાકુર ગબ્બરને પોતાના પગ વડે કચળીને મારે છે અને અંતે પોલીસ તેની ધરપકડ કરે છે. મારા પિતા અને સલીમ સાહેબને આ ફિલ્મનો સીન બદલવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવા અંગે રમેશ સિપ્પીએ પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડે મને ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવા માટે મજબૂર કર્યો હતો.

સેન્સર બોર્ડને ફિલ્મના ક્લાઈમેક્સના ઘણા સીનને લઈને વાંધો હતો. તેથી મને કહેવામાં આવ્યું કે, તમારે ક્લાઈમેક્સ બદલવો પડશે. હું રાજી ન હતો, પરંતુ ફિલ્મ રિલીઝ કરવા માટે મને આવું કરવું પડ્યું.

આગામી 15 ઓગસ્ટના રોજ આ ફિલ્મને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ ફિલ્મ નિહાળીને તેની યાદો તાજી કરવી જોઈએ.

આ પણ વાંચો…ફોકસ : મંદાકિનીની કરિયર ને દાઉદ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button