
મુંબઈ: પુણેમાં રસ્તા પર યુવકની મારપીટ કર્યા બાદ તેની બાઇકને સળગાવી દેવા પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદી યુવકે દાવો કર્યો હતો કે આરોપીઓએ તેને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર કાત્રજ વિસ્તારમાં બુધવારે સાંજે આ ઘટના બની હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)નાં નેતા અને બારામતીનાં સાંસદ સુપ્રિયા સુળેએ ઍક્સ પર વીડિયો શૅર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે પુણેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાનું આ વધુ એક ઉદાહરણ છે.
આપણ વાંચો: ઝવેરીની મારપીટ કરી 1.87 કરોડના દાગીના લૂંટનારા ચાર આરોપીને 10 વર્ષની સજા…
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અને ફરિયાદી યુવક વચ્ચે કોઇ બાબતને લઇ વિવાદ હતો અને આરોપીએ યુવકને માર માર્યો હતો.
આથી યુવક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં જઇ રહ્યો હતો ત્યારે આરોપીએ તેને રોક્યો હતો અને તેની બાઇકની ટાંકીમાંથી પેટ્રોલ કાઢી બાઇક સળગાવી દીધી હતી. યુવકે દાવો કર્યો હતો કે તે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યુવકને સળગાવવાનો કોઇ પ્રયાસ થયો નહોતો. પોલીસ પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ છે.
આ ઘટના બાદ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)