પત્નીએ બિછાવી મોતનું જાળ: બિયર પીવડાવી સાંપથી ડંખ મરાવી પતિની હત્યાનો પ્રયત્ન

નાશિક: તમારા માન્યામાં ન આવે એવી ચાલાકી વાપરીને એક પત્નીએ પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના નાશિક શહેરમાં બની છે. સર્પમિત્ર(સાપ-નાગને ઉગારનારા) સાથે મળીને પોતાના પતિની હત્યાના પ્રયત્ન બદલ નાશિક પોલીસે મહિલાની ધરપકડ કરી છે.
ઘટનાની માહિતી મુજબ એકતા વિશાલ પાટીલ(36 વર્ષ), સર્પમિત્ર ચેતન ધોરપડે(21 વર્ષ) અને એકતાની મિત્ર માધુરી સંતોષ કુલકર્ણી(36 વર્ષ) આ ત્રેણેયે મળીને વિશાલ પાટીલની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. 27 જાન્યુઆરીના રોજ બોરગડ ખાતે એકતાએ વિશાલને ખૂબ બિયર પીવડાવ્યો હતો. બિયર પીવડાવ્યા બાદ તેની મારપીટ કરીને તેના ગળા પર સાપનો ડંખ મરાવ્યો હતો.
આ મામલે મ્હસરુળ પોલીસ સ્ટેશન્માં આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયત્નનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અદાલતે ત્રણેય આરોપીઓને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી છે.
મળેલી માહિતી મુજબ આરોપી એકતા તેમ જ માધુરી બાળપણના મિત્રો છે. પતિ વિશાલની મિલકત મેળવવા તેમ જ વધારાનો ખર્ચ પૂરો પાડે એ માટે પતિ અને પત્ની વચ્ચે સતત ઝઘડા થયા કરતા હતા. વારંવારના ઝઘડાઓથી હેરાન થઇને માધુરીએ વિશાલનું પ્રકરણ પૂરું કરવાનો નિર્ણય લીધો અને તેની હત્યાનો કારસો રચ્યો. હત્યા કરવા માટે કોઇને શંકા ન જાય એ માટે ઝેરીલા સાંપથી ડંખ મારી તેને પતાવવાની યોજના ઘડવામાં આવી હતી.