નપુંસકતાની સારવારની વાત છુપાવનારા પતિ વિરુદ્ધ પત્નીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
થાણે: નપુંસકતાની સારવારને લગતી વાત કથિત રીતે છુપાવનારા પતિ વિરુદ્ધ પત્નીએ છેતરપિંડી અને ક્રૂરતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર 32 વર્ષની મહિલાનાં લગ્ન ગયા વર્ષની 8 જૂને નાશિકમાં થયાં હતાં. લગ્નના અમુક મહિના પછી પત્નીને પતિની તબીબી સારવારને લગતા દસ્તાવેજો મળ્યા હતા. દસ્તાવેજો વાંચી પત્નીને આંચકો લાગ્યો હતો.
ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 40 વર્ષના પતિએ નપુંસકતાની સારવાર કરાવી હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. આ બાબતે પત્નીએ પૂછતાં પતિએ તેની સમસ્યા અંગે કબૂલ્યું હતું. લગ્ન પૂર્વે જ પતિને આ બાબતની જાણકારી હોવા છતાં તેણે પત્નીથી વાત છુપાવી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
મહિલાની ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે પતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 498એ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)