પત્ની અને બે પુત્રીને ગોંધી રાખી ઘરને આગ ચાંપી: ત્રણેયનાં મોત
અહમદનગર: અહમદનગરમાં પત્નીના ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્ની અને બે પુત્રીને ઘરમાં ગોંધી રાખ્યા પછી પેટ્રોલ રેડી ઘરને આગ ચાંપી હોવાની આંચકાજનક ઘટના બની હતી. આ ઘટનામાં માતા-બે પુત્રીએ જીવ ગુમાવતાં પોલીસે આરોપીને તાબામાં લીધો હતો.
નગર તાલુકા પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. પત્ની- બે પુત્રીને જીવતી સળગાવ્યા પછી આરોપી સુનીલ લાંડગે (45) ઘર નજીકના ઝાડના છાંયડામાં નિરાંતે બેઠો હતો. પોલીસે લાંડગેને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો: ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્ની, બે સાળા અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા
પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ લાંડગેની પત્ની લીલા અને બે પુત્રી 14 વર્ષની સાક્ષી અને 13 મહિનાની ખુશી તરીકે થઈ હતી. લાંડગે પરિવાર નગર-પાથર્ડી માર્ગ પરના પિંપળગાંવ લાંડગા ખાતે રહેતો હતો.
ખેતીકામ અને મજૂરી કરનારો લાંડગે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. આ બાબતે દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. કહેવાય છે કે સોમવારે સવારે પણ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. રોષમાં લાંડગે પત્ની અને બે પુત્રીને ઘરમાં પૂરી રાખી ગામમાં જ હાઈવે નજીક આવેલા પેટ્રોલ પમ્પ ખાતે ગયો હતો. આરોપી ડબ્બો ભરીને પેટ્રોલ લાવ્યો હતો. ઘર ફરતે પેટ્રોલ રેડ્યા પછી બારીમાંથી ઘરમાં પણ પેટ્રોલ રેડ્યું હતું અને આગ લગાવી હતી.
આગને કારણે ધુમાડો ફેલાતાં પડોશીઓ મદદ માટે દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. ઘરમાંથી લાંડગેની પત્ની લીલા મદદ માટે બૂમો પાડી રહી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યારે આરોપી ઘર નજીકના ઝાડના છાંયડામાં નિરાંતે બેઠો હતો. પોલીસને ત્રણેયના મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને હૉસ્પિટલમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.