MVAમાં જામી છેઃ મુખ્ય પ્રધાનપદ મામલે કૉંગ્રેસ નેતાએ ઉદ્ધવ અને શિંદે બન્નેને સંભળાવી દીધું કે…
મુંબઈઃ શિવેસના(યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ખાતે કૉંગ્રેસના શિરમોર નેતાઓને મળી આવ્યા ત્યારથી મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં હલચલ વધી છે. ઠાકરે આવનારી વિધાનસભાની ચૂંટણી મામલે જ ચર્ચા કરવા ગયા હતા અને મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકે તેમને જ આગળ કરવામાં આવે તેવી માગણી તેમણે કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જોકે આ મામલે શિવસેનાએ ખાસ ફોડ ન પાડતા તેમની કારી ફાવી ન હોય તેવી ચર્ચાઓ પણ છે.
આ બધા વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા પૃથ્વીરાજ ચવ્હાણ (Prithviraj Chavhan on Uddhav Thackeray) નું નિવેદન વધારે ચકચાર જગાવશે. ચવ્હાણે જણાવ્યું કે એમવીએમાં ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવાની કોઈ પરંપરા જ નથી. કૉંગ્રેસ જે પણ કોઈ પક્ષ સાથે ગઠબંધન કરે ત્યારે સાથે મળી ચૂંટણી લડે છે અને ચૂંટણી બાદ મુખ્ય પ્રધાન કે વડા પ્રધાનનો ચહેરો નક્કી થાય છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પરંપરા યથાવત રહેશે. તેનો મતલબ એ થયો કે ઉદ્ધવ ઠાકરે જે અપેક્ષા સાથે દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા, તે પૂરી થઈ નથી અને મહારાષ્ટ્રના નેતાઓને આ પ્રકારની કાર્યશૈલી ફાવે તેમ નથી.
આ પણ વાંચો: Assmebly Election: ઉદ્ધવ ઠાકરે જૂથ આવતીકાલે અહીંથી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ…
જોકે પાવરધા રાજકારણી ચવ્હાણે માત્ર પોતાના ગઠબંધનની વાત ન કરતા ભાજપ અને તેના સાથી પક્ષોની મહાયુતિ વિશે પણ આવું જ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે જેમ અમારી પાસે કોઈ મુખ્ય પ્રધાનપદનો ચહેરો નથી, તેમ મહાયુતિના મુખ્ય પ્રધાનનું નામ પણ નક્કી નથી. હાલમાં મુખ્ય પ્રધાન એકનાશ શિંદે છે અને તે ચૂંટણી પ્રચારની ધૂરા સંભાળે તે વાત અલગ છે, પરંતુ ચૂંટણીના પરિણામો બાદ કોના શિરે તાજ પહેરાવાશે તે તો ત્યારે જ ખબર પડશે.
આ પણ વાંચો: ઉદ્ધવની દિલ્હી મુલાકાત બાદ મહાવિકાસ આઘાડીમાં મોટી મુંઝવણ, ક્યાંક…
ગઠબંધનોમાં આ સૌથી મોટો પડકાર હોય છે જ્યારે એક કરતા વધારે નેતાઓની રાજકીય મહત્વકાંક્ષાઓ એકબીજા સાથે ટકરાતી હોય છે. જોકે કૉંગ્રેસ વર્ષો જૂની પાર્ટી હોવાતી આનો તોળ શોધી શકે છે, પરંતુ ભાજપ માટે આ અઘરી કસરત છે.