ઉદ્ધવની દિલ્હી મુલાકાત બાદ મહાવિકાસ આઘાડીમાં મોટી મુંઝવણ, ક્યાંક…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા સમાચારોનું બજાર પણ ગરમાવા માંડ્યું છે. કોઈ એક પક્ષ એટલો મજબૂત નથી કે એકલે હાથે લડી શકે અને કેટલીય રાજકીય ઈચ્છાઓ વચ્ચે ગઠબંધન સાચવવું અઘરું બને છે તેવામાં કૉંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (યુબીટી)ની મહાવિકાસ આઘાડી પણ આવી મુંઝવણોમાંથી પસાર થઈ રહ્યું છે. હાલમાં ઉદ્ધવ ઠાકરેની દિલ્હીની મુલાકાતે ગયા હતા અહીં તેમણે મુખ્ય પ્રધાનપદનો દાવો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉદ્ધવ ઠાકરેએ પાંચ વર્ષ બાદ ફરીથી મુખ્યમંત્રી પદનો દાવો રજૂ કર્યો છે. મહાવિકાસ આઘાડી સરકારમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં રાહુલ ગાંધી સહિતના ઈન્ડિયા બ્લોકના નેતાઓને વિધાનસભા ચૂંટણી મામલે મળ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે માટે દિલ્હીની મુલાકાત જરૂરી બની ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના ઈન્ડિયા બ્લોકના નેતાઓને મળીને મિશન પૂરું કર્યું છે. દિલ્હી પ્રવાસ દરમિયાન એક મહત્વપૂર્ણ મુલાકાત અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ સાથે થઈ હતી. ઉદ્ધવ ઠાકરેની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને પક્ષના પ્રવક્તા સંજય રાઉત પણ વાતચીત અને મીટિંગમાં હાજર રહ્યા હતા.
ઠાકરેએ મુખ્ય પ્રધાનપદ માગ્યું છે ત્યારે કૉંગ્રેસ અને એનસીપી આનું સમર્થન કરશે કે કેમ તે સવાલ છે. લોકસભા ચૂંટણીમાં ત્રણેય પક્ષોમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો છે અને કૉંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોય, પોતાના મુખ્ય પ્રધાનપદની દાવેદારી જતી કરે તેમ નથી. તો શરદ પવારના પક્ષને પણ પોતાનો મુખ્ય પ્રધાન બેસાડવાનો અભરખો છે જ, ત્યારે ઉદ્ધવની આ માગણી એમવીએમાં ફૂટફાટનું કારણ બની શકે, તેમ કહેવું ખોટું કહેવાશે નહીં.
દરમિયાન પોતાની દિલ્હી મુલાકાત સમયે ઠાકરેએ દેખીતી રીતે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.
દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પાપા’ શબ્દનો ઉપયોગ કર્યો છે. વાસ્તવમાં, આ શબ્દનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ પણ આ જ રીતે વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી.