Assmebly Election: ઉદ્ધવ ઠાકરે જૂથ આવતીકાલે અહીંથી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભાગલા પડ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણે લોકસભા મતવિસ્તારમાં પરાજિત થયેલા ઠાકરે જૂથે હવે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે રાજ્યમાં આયોજિત ભગવા સપ્તાહના માધ્યમથી ઉદ્ધવ ઠાકરે જૂથે થાણે જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદારોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે.
આ ભગવા સપ્તાહના માધ્યમથી પક્ષના સભ્યોની નોંધણી ઉપરાંત પક્ષનું ચિહ્ન મશાલ ઘરે ઘરે લઈ જવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ભગવા સપ્તાહની પાર્શ્વભૂમિ પર મુખ્ય પ્રધાનના ગઢ થાણેમાં આવતીકાલે શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે આક્રમક બની પ્રચારનો પ્રારંભ કરશે.
ઠાકરે જૂથે રાજ્યભરમાં કેસરી સપ્તાહનું આયોજન કર્યું છે. 4 ઓગસ્ટથી શરૂ થયેલું આ સપ્તાહ 11 ઓગસ્ટે પૂરું થશે. વિવિધ પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે સન્માન સમારોહ, વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ, સસ્તા દરે કાંદાનું વેચાણ, આરોગ્ય કેમ્પ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: એકનાથ શિંદેની અસલી શિવસેના: પ્રકાશ આંબેડકરનું મોટું નિવેદન!
ભગવા સપ્તાહને પગલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારે થાણે પહોંચશે. સાંજે 6 વાગ્યે રામગણેશ ગડકરી રંગાયતનામાં તેમની સભા યોજાશે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો મુકાબલો ઉદ્ધવ ઠાકરે સામે થયો હતો. શિંદે થાણા જિલ્લાના શિવસેનાના નેતા તરીકે ઓળખાય છે.
ચૂંટણીમાં ઠાકરે જૂથને હરાવીને શિંદેએ સ્પષ્ટ કરી દીધું હતું કે થાણે તેમની જ શિવસેનાનું છે. ઠાકરે જૂથ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારનો બદલો લેવા માંગે છે. ઠાકરે જૂથે ચૂંટણી માટે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. તેના ભાગરૂપે રાજ્યમાં આયોજિત ભગવા સપ્તાહ દ્વારા ઠાકરે જૂથે થાણે જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદારોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે.
કેસરી સપ્તાહની કલ્પના અને એનો અમલ બાળાસાહેબ ઠાકરેએ શરૂ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણી ટાણે વધુમાં વધુ સામાન્ય લોકો સુધી પહોંચવા માટે આ અઠવાડિયે ફરી શરૂઆત કરી છે. જે મુજબ આ સપ્તાહે જિલ્લામાં કામગીરી ચાલી રહી છે.