મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની 23 નગર પરિષદ-પંચાયતોમાં મતદાન શરૂ: અનેક જગ્યા પર લાંબી લાઈનો, કાલે આવશે જનાદેશ

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ બન્યો છે. રાજ્યની 23 નગર પરિષદ અને નગર પંચાયતોના પ્રમુખ તેમજ સભ્ય પદો માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી કાયદાકીય ગૂંચવણો અને અન્ય ટેકનિકલ અવરોધોને કારણે અટકેલી આ ચૂંટણીઓ આખરે આજે યોજાઈ રહી છે. આ ચૂંટણીના પરિણામો સ્થાનિક સ્તરે સત્તાના સમીકરણો નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 143 સભ્ય પદો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. આજે શનિવારે (20 ડિસેમ્બર) લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેનું ભાવિ આવતીકાલે એટલે કે રવિવાર, 21 ડિસેમ્બરના રોજ ખુલશે. રવિવારે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

નોંધનીય છે કે આ 23 નગર પરિષદોમાં ચૂંટણી પ્રક્રિયા અગાઉ જ યોજાવાની હતી, પરંતુ કોર્ટમાં ચાલી રહેલી અપીલ અને વહીવટી અવરોધોને કારણે તારીખો લંબાવવામાં આવી હતી. આખરે તમામ અવરોધો દૂર થતા 20 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ઠાણે, પુણે, નાશિક, અમરાવતી અને છત્રપતિ સંભાજી નગર જેવા મહત્વના જિલ્લાઓના વિસ્તારોનો સમાવેશ થાય છે, જે આ જંગને વધુ રસપ્રદ બનાવે છે.

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ફેલાયેલી આ સંસ્થાઓમાં અંબરનાથ, બારામતી, કોપરગાંવ, મહાબળેશ્વર અને ફલટણ જેવા મોટા કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહલ્યાનગર, વાશિમ, નીલંગા, મુખેડ અને વસમત જેવા વિસ્તારોમાં પણ આજે મતદારો ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ કરી રહ્યા છે. મહત્વનું છે કે અનગર જેવી કેટલીક જગ્યાએ બિનહરીફ વરણી થઈ છે, પરંતુ બાકીની બેઠકો પર રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે.

નગર પરિષદ અને નગર પંચાયતની આ ચૂંટણીઓને રાજ્યના મુખ્ય રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. પાયાના સ્તરે લોકોનો ઝુકાવ કઈ તરફ છે, તે આ પરિણામો પરથી સ્પષ્ટ થશે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના વિકાસ માટે આ સંસ્થાઓ ખૂબ મહત્વની હોવાથી મતદારોમાં પણ ભારે જાગૃતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો…મુંબઈ BMC ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, 70 ટકા નવા અને યુવા ચહેરાને મળશે તક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button