મહારાષ્ટ્ર શિયાળુ સત્ર “ચૂંટણી જુમલો” હતોઃ કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારનો દાવો…

નાગપુરઃ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આજે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભાનું સાત દિવસનું શિયાળુ સત્ર સરકાર દ્વારા યોજાયેલ “ચૂંટણી જુમલો” હતો અને ચર્ચા કરાયેલા મુદ્દાઓ વિદર્ભ કરતાં મુંબઈ વિશે વધુ હતા.
આજે પૂર્ણ થયેલા સત્ર દરમિયાન કુપોષણના મહત્વપૂર્ણ મુદ્દા પર કંઈ નક્કર ચર્ચા થઈ નથી, એમ વડેટ્ટીવારે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
વિવિધ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનો પ્રથમ તબક્કો ૨ ડિસેમ્બરે યોજાયો હતો. સૌથી શ્રીમંત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વિવિધ નાગરિક સંસ્થાઓની ચૂંટણીનું સમયપત્રક હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, રાજ્યમાં શહેરી અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, અને ઉમેર્યું કે વિપક્ષે તેના ઉદાહરણો પણ આપ્યા છે.
એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે ૨૦૨૨ થી મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) દ્વારા ૨૦.૬૨ લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે ૧૯૦ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, પરંતુ સરકારે તેના પર કોઈ નક્કર જવાબ આપ્યો નથી.
પાટીલે વધુમાં દાવો કર્યો હતો કે રાજ્યમાં ડ્રગ્સનો ખતરો વધી રહ્યો છે. તેમણે શિયાળુ સત્રનો સમયગાળો ખૂબ ટૂંકો હોવાનો પણ અફસોસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો…હની ટ્રેપ કેસમાં વિજય વડેટ્ટીવારનો ગંભીર આરોપ, ‘પ્રફુલ લોઢાએ વીડિયો બતાવીને 200 કરોડ ભેગા કર્યા’



