મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ મંગેશકર પરિવાર માટે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

પુણેઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મંત્રી વિજય વડેટ્ટીવારે મંગેશકર પરિવાર માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં કથિત રીતે દાખલ નહીં કરતા ગર્ભવતી મહિલાના મૃત્યુ અંગે થયેલા વિવાદ બાદ કોંગ્રેસના નેતાએ મંગેશકર પરિવારની આકરી ટીકા કરી હતી.

ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના એમએલસી અમિત ગોરખેના અંગત સચિવની પત્ની તનિષા ભીસેને ૧૦ લાખ રૂપિયા જમા નહીં કરાવવા બદલ ચેરિટેબલ, મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ પછી તેણે જોડિયા પુત્રીઓને જન્મ આપ્યો અને બીજી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

કોંગ્રેસના નેતા વડેટ્ટીવારે પરિવારને લૂંટારાઓની ટોળકી ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ પરિવારે ક્યારેય સમાજનું ભલું કર્યું નથી. વડેટ્ટીવારે કહ્યું હતું કે મંગેશકર પરિવાર માનવતા પર એક કલંક છે.

આપણ વાંચો: વિજય વડેટ્ટીવારના સૂર કેમ બદલાયા, ફડણવીસ માટે શું કહ્યું?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તેમણે સમાજને દાન આપ્યું હોય? તેઓ સારું ગાય છે, ફક્ત એટલા માટે તેમની પ્રશંસા થાય છે. હોસ્પિટલ માટે જમીન દાનમાં આપનાર વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો નથી. ચેરિટી હોસ્પિટલો શરૂ કરવી અને ગરીબ લોકોને લૂંટવાનું બંધ થવું જોઈએ.’ જોકે, કોંગ્રેસ નેતાના નિવેદન પર મંગેશકર પરિવાર દ્વારા તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે પુણેના એરંડવાને વિસ્તારમાં 6 એકરમાં ફેલાયેલી 800 બેડની હોસ્પિટલ માટે ખિલારે પાટિલ પરિવાર દ્વારા જમીન દાનમાં આપવામાં આવી હતી.

૨૦૦૧માં સ્થપાયેલી આ હોસ્પિટલનું નામ મરાઠી ગાયક અને અભિનેતા દીનાનાથ મંગેશકરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સુપ્રસિદ્ધ ગાયિકા અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા લતા મંગેશકરના પિતા હતા. મહિલાના મૃત્યુની તપાસ કરી રહેલી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિએ હોસ્પિટલ પર ધર્માદા હોસ્પિટલોને લાગુ પડતા ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button