રત્નાગિરીમાં પ્રતિમાની તોડફોડ, કાર્યવાહી કરવાની માગ
રત્નાગિરી: રત્નાગિરી શહેરના મારૂતિ મંદિર નજીક આવેલી શિવ સૃષ્ટિમાં એક માવળાની પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો હતો. શિવસેનાએ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
આજે સવારે શહેરના મારૂતિ મંદિર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા પાસે ઊભી કરવામાં આવેલી શિવ સૃષ્ટિની માવળાની કેટલીક પ્રતિમા ખંડિત કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ પણ વાંચો: Ujjain: ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ, બે જૂથો વચ્ચે પથ્થરમારો
જાણ થયા પછી તરત જ શિવસેનાના કાર્યકરોએ આ બાબતે તાત્કાલિક નોંધ લઇ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
આ અંગે શિવસેનાના જિલ્લા પ્રમુખ રાહુલ પંડિત, શહેર પ્રમુખ બિપીન બંદરકર, વરિષ્ઠ નેતા રાજન શેટયે, વિજય ખેડેકર, અભિજીત દુડે, પ્રશાંત સુર્વે અને દીપક પવારે પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક શકમંદની પોલીસે અટકાયત કરી છે. દારૂના નશામાં આ પ્રતિમાને નુકસાન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે. અલબત્ત આ અપમાનજનક કૃત્યને દરેક જગ્યાએ વખોડી કાઢવામાં આવી રહ્યું છે.