વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, હવે ખ્રિસ્તી અને બૌદ્ધની સંપત્તિ પર નજર…

મુંબઈઃ વક્ફ ખરડા ઉપર સંસદના બંને ગૃહોમાં ગરમાગરમ ચર્ચા પછી બહુમતીથી પસાર થઇ ગયું. શિવસેના (ઉદ્ધવ જૂથ)એ આ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું.
હવે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડાએ શનિવારે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપના સ્થાપના દિવસ અંગે ટોણો માર્યો અને કહ્યું કે આ દિવસ ‘તિથિ પ્રમાણે કે તારીખ પ્રમાણે ઉજવાય છે?’
આપણ વાંચો: ફડણવીસ, શિંદેનું વક્ફ ખરડાને સમર્થન
ભાજપને હિંદુઓ સાથે કોઈ લેવાદેવા નથી
ભાજપને અભિનંદન આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મારી શુભકામનાઓ દરેકની સાથે રહેશે. ભાજપ સાથે પણ છે. પણ મારી ઈચ્છા છે કે તેમનું આચરણ ભગવાન રામ જેવું હોય. રામનું નામ લેવાની તેમની કોઈ પાત્રતા નથી.
તેમણે કહ્યું કે ભાજપનું ધ્યાન બધાની જમીન હડપીને પોતાના મિત્રોને ફાયદો પહોંચાડવામાં છે. સમાજના કોઈ વર્ગ સાથે તેમણે પ્રેમ નથી. તેથી અમે વકફ ખરડાનો વિરોધ કર્યો. ભાજપને હિંદુઓ સાથે કોઈ લેવાદેવા નથી.
આપણ વાંચો: કવર સ્ટોરી : વક્ફ એક્ટ’માં સુધારાથી ખરેખર શું શું બદલાશે?
તેમણે કહ્યું હતું કે ‘વક્ફ ખરડા બાદ હવે તેઓ ખ્રિસ્તી અને બૌદ્ધ સમુદાયોની જમીનો પર પણ નજર રાખી રહ્યા છે.’ અંતે ઠાકરેએ સવાલ કર્યો કે પછી, અમને હિન્દુત્વ શીખવનારા એ લોકો કોણ છે? તેમનો છૂપો એજન્ડા શું છે? ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને એમએનએસ (મનસે)ની રાજનીતિ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું હતું કે અમે નવો કાર્યક્રમ ‘ચાલો મરાઠી શીખીએ’ શરૂ કર્યો છે.