હેડફોન લગાવી રીલ બનાવવાના ઉત્સાહમાં બે યુવકે જીવ ગુમાવ્યા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

હેડફોન લગાવી રીલ બનાવવાના ઉત્સાહમાં બે યુવકે જીવ ગુમાવ્યા

જળગાંવ: જળગાંવ જિલ્લાના પથરાડ ગામ નજીક બનેલી આંચકાજનક ઘટનામાં રીલ બનાવવાના પ્રયાસમાં બે યુવકે જીવ ગુમાવ્યા હતા. સુરત-ભુસાવળ માર્ગ પરની રેલવે ટ્રેક પર કાનમાં હેડફોન લગાવીને જોખમી રીતે રીલ બનાવી રહેલા બન્ને યુવક પરથી એક્સપ્રેસ ટ્રેન ફરી વળી હતી.

પાળધી પોલીસના જણાવ્યા મુજબ આ કરુણ ઘટના રવિવારની સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલા બન્ને યુવકની ઓળખ પ્રશાંત ખૈરનાર (18) અને હર્ષવર્ધન નન્નવરે (18) તરીકે થઈ હતી.

આપણ વાચો: Gandhinagar ગિફ્ટ સિટીમાં નબીરા બન્યા બેફામ, રીલ બનાવનારા યુવકોની કરી ધરપકડ…

પળધી જિલ્લાના મહાત્મા ફુલે નગરમાં રહેતા બન્ને મિત્ર સોશ્યલ મીડિયા પર ફૅમસ થવા માટે રીલ બનાવવા રેલવે ટ્રેક પર આવ્યા હતા. પાળધી સ્ટેશનથી થોડે જ અંતરે પથરાડ ગામ પાસેના ગેટ નજીક બન્ને મિત્ર જીવને જોખમમાં મૂકીને રીલ બનાવી રહ્યા હતા.

યુવકો રીલ બનાવી રહ્યા હતા ત્યારે ધરણગાંવથી જળગાંવની દિશામાં જનારી અમદાવાદ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પવનવેગે આવી હતી. બન્ને યુવકે કાનમાં હેડફોન લગાવ્યો હોવાથી ધસમસતી આવતી ટ્રેન તરફ તેમનું ધ્યાન ગયું નહોતું. ટ્રેનની સ્પીડ વધુ હોવાથી યુવકોને જીવ બચાવવાનો મોકો જ મળ્યો નહોતો.

ટ્રેનની અડફેટે બે યુવકે જીવ ગુમાવ્યાની માહિતી મળતાં પાળધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બે યુવકનાં મૃત્યુને પગલે પાળધી ગામમાં શોક ફેલાઈ ગયો હતો. રીલ બનાવતી વખતે જીવ ગુમાવ્યાની અનેક ઘટના સામે આવતી હોવા છતાં યુવાનો રીલ બનાવતી વખતે બેધ્યાન રહેતા હોવાનું પોલીસનું કહેવું છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button