નાગપુરમાં ટ્રકે ભાઇ-બહેનને કચડી નાખ્યાં
ઉશ્કેરાયેલા લોકોએ ટ્રકને આગ ચાંપી: પોલીસે કર્યો લાઠીચાર્જ

નાગપુર: નાગપુરમાં કચરો લઇ કરતી ટ્રકે શુક્રવારે ટૂ-વ્હીલર પર જઇ રહેલી 20 વર્ષની યુવતી અને તેના પંદર વર્ષના ભાઇને કચડી નાખ્યાં હતાં. આ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ટ્રકને આગ ચાંપી દીધી હતી.
વાથોડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બિડગાંવ સ્કવૅર ખાતે શુક્રવારે બપોરે આ અકસ્માત થયો હતો, જેમાં અંજલિ નાનેલાલ સઇની (20) અને સુમિત નાનેલાઇ સઇની (15)ના ઘટનાસ્થળે મોત થયાં હતાં.
અકસ્માતને પગલે લોકો ત્યાં એકઠા થયા હતા અને તેમણે ટ્રકને આગ ચાંપી દીધી હતી. આગ બુઝાવવા માટે લવાયેલા ફાયરબ્રિગેડના વાહનની પણ તેમણે તોડફોડ કરી હતી. દરમિયાન પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આ ઘટના બાદ વાતાવરણ તંગ બનતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને ત્યાં તહેનાત કરવામાં આવ્યા હતા.
દરમિયાન મૃત્યુ પામેલા ભાઇ-બહેનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ભાંદેવાડી ડમ્પિંગ યાર્ડ નજીકમાં હોવાથી કચરો વહન કરતી ટ્રકોની અહીં સતત અવરજવર થતી હોય છે. (પીટીઆઇ)