મહારાષ્ટ્ર

પુણેમાં કાર અકસ્માત: ટીનેજર કાર ચલાવી રહ્યો નહોતો એવું બતાવવાનો પ્રયાસ કરાયો: પોલીસ કમિશનર

પુણે: પુણેમાં મળસકે પોર્શે કાર હંકારીને બે સોફ્ટવેર એન્જિનિયરને કચડી નાખનારા રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના 17 વર્ષના નબીરાને બચાવવા માટે પરિવારનો ડ્રાઇવર કાર ચલાવતો હતો એવું બતાવવાનો પ્રયાસ કરાયો હતો, એમ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે શુક્રવારે જણાવ્યું હતું.

આંતરિક તપાસમાં કેસ નોંધતી વખતે કેટલાક પોલીસકર્મીની ભૂલ સામે આવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.

તપાસ દરમિયાન એ સ્પષ્ટ થયું છે કે ટીનેજર કાર હંકારી રહ્યો હતો અને અમે જરૂરી તમામ પુરાવા એકઠા કર્યા છે. ટીનેજર જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે સિક્યુરિટી રજિસ્ટર પરની એન્ટ્રી દર્શાવે છે કે તે કાર લઇને ઘરેથી નીકળ્યો હતો.
ટેક્નિકલ અને સીસીટીવી પુરાવામાં ટીનેજર કાર ચલાવતો હતો તેને સમર્થન મળ્યું છે. સાક્ષીદારોએ પણ કાર આરોપી જ ચલાવતો હોવાનું જણાવ્યું છે. આરોપીનો બચાવ કરવાનો પ્રયાસ કોણે કર્યો તે અંગે તપાસ કરીશું, એમ પોલીસ કમિશનરે કહ્યું હતું.

આ પણ વાંચો: પુણે કાર અકસ્માત: દાદાએ ખરાબ સંગતથી દૂર રાખવાની ખાતરી

દરમિયાન મળસકે કલ્યાણી નગર જંકશન પર અકસ્માત થયો ત્યારે ડ્રાઇવર કાર ચલાવતો હતો એવું બતાવવાનો પ્રયાસ કરાયો હતો. આરોપી કાર ચલાવતો હતો ત્યારે તેના બે મિત્ર પાછળ બેઠા હતા અને તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. આ બાબતે ડ્રાઇવરની પણ પૂછપરછ કરાઇ હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે આરોપી અનેક મહિનાઓથી લાઇસન્સ વિના કાર ચલાવતો હતો.

પોલીસ સ્ટેશનમાં આરોપીને પિત્ઝા અને બર્ગર ખવડાવવામાં આવ્યા તે આરોપ ખોટા છે, એમ પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

આરોપીના લોહીના નમૂના ગુનો નોંધ્યા બાદ રવિવારે સવારે નવ વાગ્યે સાસૂન હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. લોહીના નમૂના રાતે 11 વાગ્યે લેવામાં આવ્યા હતા, જેમાં મોડું થયું હતું ખરું, પરંતુ બ્લડ રિપોર્ટ અમારા કેસનો આધાર નથી, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button