આદિવાસી સગીરાનાં લગ્ન: પાંચ સામે ગુનો…

પાલઘર: પાલઘર જિલ્લાના વાડા ખાતે આદિવાસી સગીરાનાં લગ્ન કરાવવા પ્રકરણે પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કાતકરી આદિવાસી સમુદાયની 16 વર્ષની સગીરાની ફરિયાદને આધારે વાડા પોલીસે આ ગુનો નોંધ્યો હતો. આરોપીઓમાં સગીરાના પતિ, કાકા,કાકી અને એક એજન્ટનો સમાવેશ થાય છે.
સગીરાના પિતાનું અમુક વર્ષ અગાઉ નિધન થયું હતું. માતાએ બીજાં લગ્ન કર્યાં કરતાં સગીરા દાદી સાથે રહેતી હતી. જોકે દાદીનું પણ બે મહિનામાં જ નિધન થયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ ફરિયાદ અનુસાર એજન્ટે સગીરાની માતાને 50 હજાર રૂપિયા આપ્યા હતા અને સગીરાને અહિલ્યાનગર જિલ્લામાં લઈ ગયો હતો.
ત્યાં 14 વર્ષની ઉંમરે જ બળજબરીથી તેનાં લગ્ન કરાવી દેવાયાં હતાં. સગીરા ગર્ભવતી થતાં આરોપીએ તેનું બનાવટી આધાર કાર્ડ બનાવડાવ્યું હતું, જેને આધારે તેને વાડાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગીરાએ બાળકીને જન્મ આપ્યા પછી તેને કથિત ત્રાસ આપવામાં આવ્યો હતો. તેની માતા પાસેથી પણ નાણાં પાછાં માગવામાં આવ્યાં હતાં. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)
આ પણ વાંચો…મહારાષ્ટ્રના પાલઘરમાં બની ચોંકાવનારી ઘટના, ટ્રેનમાંથી ફેકેલું નારિયેળ વાગતાં યુવકનું મોત