પરિવહન પ્રધાનની 3,300 એકરથી વધુ એસટીની જમીન વિકસાવવાની ‘મહત્વાકાંક્ષી’ યોજના
થાણે: મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની 3,360 એકર જમીન વિકસાવવા માટે એક મહત્વાકાંક્ષી યોજના બનાવી રહી છે અને આર્કિટેક્ટ્સને બસ સ્ટેન્ડ અને ડેપોને દેખાવની રીતે આકર્ષક બનાવવા માટે ફરીથી ડિઝાઇન તૈયાર કરવા વિનંતી કરી છે.
થાણેમાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ આર્કિટેક્ટ્સ’ દ્વારા આયોજિત બે દિવસના અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં, તેમણે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ની જમીન પર ભવિષ્યના વિકાસ માટે સર્જનાત્મક અને પર્યાવરણીય રીતે ટકાઉ ડિઝાઇનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
‘રાજ્યભરમાં પથરાયેલી આશરે 3,360 એકર એસટીની જમીન વિકસાવવા માટે એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આમાં 885 એકરને આવરી લેતી 90 જિલ્લા-સ્તરીય સાઇટ્સ, 1,535 એકરમાં ફેલાયેલી 424 તાલુકા-સ્તરીય સાઇટ્સ અને 945 એકર 328 ગ્રામ-સ્તરીય સાઇટ્સનો સમાવેશ થાય છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલી આ જગ્યાઓ એસટીની મિલકતના પોર્ટફોલિયોનો ભાગ છે, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રના બીડમાં ST બસે ત્રણ જણને કચ્ડ્યાંઃ ડ્રાઈવર સામે નોંધાયો કેસ
આ સ્થળોને બસ સ્ટેશન, જાહેર પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, ઓફિસો અને હોટલ સહિત આધુનિક હબમાં વિકસાવવાનું વિઝન તેમણે રજૂ કર્યું હતું.
તેમણે આર્કિટેક્ટ્સને નવા સૂચનો આપવા અને એકંદર આયોજન પ્રક્રિયાને વધારવા માટે દરખાસ્તો રજૂ કરવા અપીલ કરી હતી.
‘આર્કિટેક્ટ્સનો સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણ બધા બસ સ્ટેન્ડ અને ડેપોને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે, તેમને કાર્યાત્મક સુંદરતાના સીમાચિહ્નોમાં ફેરવી શકે છે,’ એમ સરનાઇકે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે આર્કિટેક્ટ્સ પર પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસના રોલ મોડેલ બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી છે.
એસટી પાસે હાલમાં 598 બસ સ્ટેશન, 251 બસ ડેપો, 63 વિભાગીય કચેરીઓ, 32 કેન્દ્રીય કાર્યશાળાઓ અને એક કેન્દ્રીય તાલીમ સંસ્થા છે એવી માહિતી આપતાં તેમણે આ પ્રોજેક્ટ્સના અમલમાં જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ને અપનાવવાની વાત કરી હતી. (પીટીઆઈ)