મહાબળેશ્વર, પંચગનીમાં પર્યટકોની ભીડ, પણ રસ્તાઓ ખાડાથી પરેશાન

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર પંચગની રસ્તાની અવસ્થા અત્યંત ખરાબ થતાં આ માર્ગ પર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર ઠેક-ઠેકાણે ખાડાઓ હોવાથી વાહનો ચલાવતા કોઈ મોટો અકસ્માત થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. રસ્તા પરના ખાડાને લીધે અનેક વાહનોને નુકસાન પણ થયું હોવાથી મહાબળેશ્વરમાં આવતા પર્યટકોએ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
મહાબળેશ્વરમાં વરસાદ અને રસ્તા વચ્ચે આવેલા ઝાડને લીધે રસ્તાને નુકસાન થાય છે. આ માર્ગ મહાબળેશ્વર અને કોકણને જોડનારો મુખ્ય રસ્તો છે, પણ આ માર્ગ પર દરેક જગ્યાએ ખાડાઓ હોવાથી રાતે અહીં વાહન ચલાવવું જોખમી બની ગયું છે. મહાબળેશ્વરમાં હજારો પર્યટકો આવે છે. પણ અહીંના રસ્તા પર ખાડાઓ હોવાથી પર્યટકોના વાહનોને નુકસાન થવાની સાથે સાથે તેમને માનસિક ત્રાસ પણ સહન કરવો પડે છે. આ સાથે અહીં દર્દીને સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જતાં પણ ખાડાઓમાંથી પ્રવાસ કરવો પડે છે.
રસ્તાઓ પર ખાડાઓ પડતાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોવાથી અહીં આવતા પર્યટકો અને રહેવાસીઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. મહાબળેશ્વર પંચગની રસ્તાની ખરાબ અવસ્થા થતાં સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ શરૂકરવામાં આવ્યું હતું. નાતાલની રજાઓ અને નવા વર્ષની ઉજવણી માટે ગયા એક મહિનાથી મહાબળેશ્વરમાં પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે, જેથી બે જાન્યુઆરી સુધી આ કામોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે પંચગનીના રસ્તાનું સમારકામ બે જાન્યુઆરી બાદ ફરી શરૂ કરવામાં આવશે. આ એક બે લેન રોડ છે જેથી એક તરફના રસ્તાને બંધ કરતાં બીજા રસ્તા પર ટ્રાફિક થાય છે, જેથી પર્યટકો અને સ્થાનિક રહેવાસીઓને પણ તકલીફ થઈ રહી છે. પણ આવતા અઠવાડિયાથી રસ્તાનું સમારકામ શરૂ થતાં આ સમસ્યા દૂર થશે, એવી માહિતી બાંધકામ વિભાગના અધિકારીએ આપી હતી.