ગઢચિરોલીમાં માથે લાખોનું ઈનામ ધરાવતી બે મહિલા નક્સલવાદી સહિત ત્રણ જણ પકડાયાં

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં માથે લાખો રૂપિયાનું ઇનામ ધરાવતી બે મહિલા નક્સલવાદી સહિત ત્રણ જણની સુરક્ષા દળોએ ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ કાજલ ઉર્ફે સિંધુ ગાવડે (28), ગીતા ઉર્ફે સુકલી કોરચા (31) તથા જાન મિલિશિયા સંગઠનના કમાન્ડર પિસા પાંડુ નરોટે તરીકે થઇ હતી. સુરક્ષા દળો પર અનેક હિંસક હુમલામાં બંને મહિલા સંડોવાયેલી છે, જ્યારે આરોપી પિસા નરોટે 2022થી 2023 દરમિયાન પોલીસ પાટીલ સહિત ત્રણ જણની હત્યામાં સામેલ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બે મહિલા નક્સલવાદી આગામી ચૂંટણીને અનુલક્ષી ગઢચિરોલી-કાંકેર સીમા પર પી.એસ. બુર્ગીની હદમાં મૌઝા જવેલીના ગાઢ જંગલમાં સુરક્ષા દળોની હિલચાલ પર નજર રાખી રહી છે, એવી માહિતી મળ્યા બાદ પોલીસ, સી-60 ફોર્સ અને સીઆરપીએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં નક્સલવાદી મહિલાને તાબામાં લેવાઇ હતી.
બંને મહિલાએ 2018થી 2021 દરમિયાન અનેક ગંભીર ગુના આચર્યા હતા હતા. 2020માં બંનેએ કોપર્શી-પોયારકોટી જંગલમાં પોલીસ દળ પર હુમલો કર્યો હતો, જેમાં એક અધિકારી અને જવાન શહીદ થયા હતા.
આપણ વાંચો: Anti Naxal Operation: છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓએ એક નક્સલવાદીને ઠાર કર્યો, એક પોલીસકર્મી શહીદ
દરમિયાન વર્ષ 2023માં તિતોડા ગામમાં પોલીસ પાટીલની હત્યામાં સંડોવાયેલો જાન મિલિશિયાનો કમાન્ડર પિસા નરોટે ગિલાનગુડા જંગલ વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ વિશેષ ઓપરેશન હાથ ધરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પિસા નરોટે 2018થી કાર્યરત હતો.
તે નક્સલવાદીઓને રાશન લાવી આપતો, તેમના શસ્ત્રો સુરક્ષિત સ્થળે છુપાવતો હતો. પોલીસની હિલચાલની માહિતી પણ પૂરી પાડતો હતો. જનતાની ઉશ્કેરણી કરવા પરિપત્રકો વહેંચતો હતો અને ભાંગફોડ પ્રવૃત્તિઓમાં તે સંડોવાયેલો હતો. 2019ની લોકસભાની ચૂંટણી વખતે મૌજા તિતોડા ગામમાં તેણે વિસ્ફોટકો ગોઠવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા કાજલને માથે રૂ. બે લાખનું, ગીતાને માથે રૂ. બે લાખ અને પિસા નરોટેને માથે રૂ. દોઢ લાખનું ઇનામ જાહેર રાખ્યું હતું.