છ વ્યક્તિ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનારો વાઘ બે મહિને પાંજરે પુરાયો
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં છ વ્યક્તિ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનારા વાઘને આખરે પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. વાઘ પકડાવાને કારણે છેલ્લા બે મહિનાથી ભયના ઓછાયા હેઠળ જીવતા ગામવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
વાઘ છેલ્લા બે મહિનાથી વન વિભાગના છટકામાં સપડાતો નહોતો. આખરે કારવા-બલ્લારપુર જંગલ વિસ્તારમાં સોમવારની રાતે તે પાંજરામાં સપડાઈ ગયો હતો, એમ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
આ માનવભક્ષી વાઘે બે મહિનામાં સેન્ટ્રલ ચંદા ડિવિઝનમાં ચાર વ્યક્તિ અને ચંદ્રપુર ડિવિઝનમાં બે વ્યક્તિ પર હુમલો કરી તેમને મારી નાખ્યા હતા.
વાઘના હુમલાની વારંવાર બનતી ઘટનાને પગલે જંગલ વિસ્તારના ગામવાસીઓ ભય હેઠળ જીવતા હતા. તેથી વન વિભાગ દ્વારા વાઘને પકડી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. એકધારા પ્રયાસ પછી આખરે વાઘ પકડાયો હતો, એમ સેન્ટ્રલ ચંદા ડિવિઝનનાં ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટ્સ (ડીસીએફ) શ્ર્વેતા બોડ્ડુએ જણાવ્યું હતું.
બોડ્ડુએ વધુમાં જણાવ્યું હતું કે વાઘ એટલો ચાલાક હતો કે તેને પકડવો બહુ મુશ્કેલ હતું. વન વિભાગની ટીમે જાણે પડકારોનો સામનો કર્યો હતો. આમ છતાં ટીમે ધીરજ રાખી પ્રયાસ ચાલુ રાખ્યા હતા.
માનવભક્ષી બની જતાં વાઘને સામાન્ય રીતે નાગપુરના ઝૂમાં રાખવામાં આવે છે. પછી તેમને ફરી ક્યારેય જંગલમાં છુટ્ટા મુકાતા નથી. જોકે આ વાઘ વિશે નિર્ણય લેવાનો બાકી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)