મરાઠી ફિલ્મો પ્રદર્શિત નહીં કરનારાઓ સામે સરકાર લાલઘૂમ, આપ્યું આ નિવેદન

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિન્ટર સેશન શરુ થઈ ગયું છે ત્યારે સત્રમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષો વચ્ચે ઘર્ષણ જામ્યું છે, ત્યારે આજે બીજા દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં મરાઠી ફિલ્મો નહીં પ્રદર્શિત કરનારા થિયેટરના માલિકો મુદ્દે મહત્ત્વનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે જો રાજ્યના કોઈપણ થિયેટર કે સિનેમાઘરો મરાઠી ફિલ્મોને પ્રદર્શિત કરવાની ના પાડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા પ્રવીણ દરેકરે મરાઠી અભિનેતા પ્રસાદ ખાંડેકરની ‘એકદા યેઉન તર બઘ’ આ નવી ફિલ્મને રાજ્યમાં પ્રદર્શિત કરવા માટે શો ન મળી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ ફડણવીસે પણ આ મુદ્દે પ્રકાશ પડતાં મરાઠી ફિલ્મોને શો નહીં આપતા તે થિયેટર અને સિનેમાઘરો સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કહી હતી.
બાદ વિરોધી પક્ષના નેતા અંબાદાસ દાનવેએ ફડણવીસના આ નિવેદન પર ટીકા કરતાં કહ્યું હતું કે રાજ્યના ખેડૂતો દ્વારા વાપરવામાં આવતી જાળીને તોફાન અને વાવાઝોડાને કારણે નુકસાન પહોચ્યું છે પણ હજી સુધી વીમા કંપનીઓ દ્વારા તેમને વળતર આપવામાં આવ્યું નથી.
દરમિયાન ફડણવીસે આ બાબતે જણાવતા કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આ મામલે માર્ગદર્શન આપી સમસ્યાને ઉકેલવા યોજના બનાવવાનું જણાવ્યું હતું અને આ બાબતે પ્રસ્તાવ પસાર કર્યા બાદ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી.