નાશિકના ડોક્ટરની હત્યાની સુપારી આપનારી થાણેની મહિલાની ધરપકડ
મહિલા રૂ. 50 લાખની ખંડણી માગીને ડોક્ટરને ધમકાવી રહી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: નાશિકના ડોક્ટરની હત્યા માટે ત્રણ લાખ રૂપિયાની સુપારી આપવા બદલ ખંડણી વિરોધી શાખાએ થાણેની 47 વર્ષની મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલા બ્લેકમેઇલ કરીને ડોક્ટર પાસેથી રૂ. 50 લાખની ખંડણી માગી રહી હતી અને તેને વારંવાર ધમકી પણ આપી રહી હતી, એમ તપાસમાં જાણવા મળ્યું હતું.
થાણે ખંડણી વિરોધી શાખાએ ધરપકડ કરેલી મહિલાની ઓળખ નેહા જાધવ ઉર્ફે જ્યોત્સ્ના અમોલ પગારે તરીકે થઇ હતી. થાણેના બાળકુમ વિસ્તારમાં રહેનારી નેહા જાધવને કોર્ટમાં હાજર કરાતાં તેને 24 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
ખંડણી વિરોધી શાખાના સિનિયર ઇન્સ્પેક્ટર શેખર બાગડેને માહિતી મળી હતી કે નેહા જાધવ નામની મહિલા સુપારી આપીને નાશિકના ડોક્ટર કિરણ બેગાડેની હત્યા કરવા માટે હત્યારા શોધી રહી છે. આથી પોલીસે ખાતરી કરવા માટે પોતાના માણસને શૂટર બનાવીને તેને મહિલાનો સંપર્ક સાધવાનું કહ્યું હતું.
મહિલાનો સંપર્ક કરાયા બાદ તેણે ડોક્ટરની હત્યા માટે કહેવાતા શૂટરને રૂ. ત્રણ લાખની સુપારી, ડોક્ટરનો ફોટો, ઝેરી ઇન્જેક્શન અને ઘટનાસ્થળની માહિતી આપી હતી. દરમિયાન મહિલા વિરુદ્ધ કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહિલા અને ડો. બેગાડે વચ્ચે મિત્રતા હતી અને મહિલા ડોક્ટરને બાદમાં બ્લેકમેઇલ કરીને રૂ. 50 લાખની ખંડણી માગી રહી હતી. ખંડણીની રકમ ન આપે તો જાનથી મારી નાખવાની તેને વારંવાર ધમકી આપી રહી હતી.