મહારાષ્ટ્ર

મુંબ્રામાં વિસ્ફોટકો મળવાના કેસમાં ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો…

થાણે: એક વાહનમાં સંતાડેલા વિસ્ફોટકોથી જમીનમાલિકને હાનિ પહોંચાડવાના કાવતરાના 2017ના કેસમાં સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. સાક્ષીદારોનો અભાવ અને આરોપીઓ તેમ જ જપ્ત સામગ્રીઓ વચ્ચે નક્ક કડી સ્થાપિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે આ કેસમાં આપેલા ચુકાદાની નકલ બુધવારે પ્રાપ્ત થઈ હતી. કેસ 6 ઑગસ્ટ, 2017નો છે. થાણે જિલ્લામાં મુંબ્રા ખાતેના ગૌસિયા કમ્પાઉન્ડમાં પોલીસે રેઇડ કરી હતી, જ્યાં લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયેલી કારમાં સંતાડેલી એક બૅગ મળી આવી હતી. બૅગમાંથી વિસ્ફોટક પાઉડર અને નવ ડિટોનેટર્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ફરિયાદ પક્ષે આરોપ કર્યો હતો કે આરોપી મહિંસા રાજેસાબ ગનુર ઉર્ફે મહેશ (57), શાહઆલમ મેહમૂદ શેખ (49) અને આરીફ નવાબઅલી ખાને (40) જમીનમાલિક ઈસ્માઈલ મોહમ્મદ શેખને જાનમાલનું નુકસાન પહોંચાડવા માટે વિસ્ફોટકો ભેગા કર્યા હતા.

આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 286 અને 120-બી તેમ જ એક્સપ્લોઝિવ સબસ્ટેન્સીસ ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બે વર્ષ કસ્ટડીમાં વિતાવ્યા પછી 2019માં તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
કોર્ટે અવલોકન કર્યું હતું કે ફરિયાદ પક્ષના પુરાવામાં મોટું અંતર છે અને કથિત ગુનામાં કોઈ પણ નજરે જોનારા સાક્ષીદારો રજૂ કરાયા નથી.

જુબાની દરમિયાન પણ આરોપીના કબજામાંથી વિસ્ફોટકો મળી આવ્યાનું કોઈએ કહ્યું નથી, એવી નોંધ કોર્ટે કરી હતી. આથી આરોપો સિદ્ધ કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોવાથી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button