ઈન્ડસ્ટ્રિયલ એક્સ્પોના વૉશરૂમમાં મહિલાઓના વીડિયો શૂટ કરનારા શિક્ષકની ધરપકડ
નાગપુર: નાગપુરમાં આયોજિત ઈન્ડસ્ટ્રિયલ એક્સ્પોમાં ભાગ લેવા આવેલી મહિલાઓના વૉશરૂમની બારીમાંથી વીડિયો શૂટિંગ કરવા બદલ પોલીસે શાળાના શિક્ષકની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ મંગેશ વિનાયકરાવ ખાપરે (37) તરીકે થઈ હતી. નાગપુરના કાસારપુરા ખાતે રહેતો ખાપરે વૉશરૂમમાં જનારી મહિલાઓના છૂપી રીતે બારીમાંથી મોબાઈલ ફોનની મદદથી વીડિયો શૂટ કરી લેતો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ત્રણ દિવસના ઈન્ડસ્ટ્રિયલ એક્સ્પો ‘એડવાન્ટેજ વિદર્ભ’નું આયોજન અંબાઝરી સ્થિત નાગપુર યુનિવર્સિટી કૅમ્પસમાં કરાયું હતું. વીડિયો શૂટિંગ અંગે શંકા જતાં એક મહિલાએ આયોજકોને ફરિયાદ કરી હતી, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડ્યો હતો.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદ મળ્યા પછી અંબાઝરી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિનાયક ગોલ્હેની ટીમે સંબંધિત પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે શિક્ષકની ઓળખ મેળવવામાં આવી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એક્સ્પોની તૈયારી માટે છેલ્લા કેટલાક દિવસથી કૅમ્પસમાં શિક્ષકની આવનજાવન થતી હતી. આરોપીને તાત્કાલિક પકડી તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે આરોપીને જામીન પર છોડ્યો હતો. મોબાઈલ ફોનની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ખાપરેએ ડઝન જેટલી મહિલાના વીડિયો શૂટ કર્યા હતા. અમુક વીડિયો ક્લિપ તેણે ડિલીટ કરી હોવાનું પણ જણાયું હતું. શિક્ષક માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી પીડાતો હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
ખાપરે અગાઉ પણ જાહેર શૌચાલયમાં મહિલાઓના વીડિયો રેકોર્ડિંગ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેના ફોનમાંથી આવા 30 જેટલા વીડિયો મળી આવ્યા હતા, જે 2022થી રેકોર્ડ કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું, એવું અધિકારીનું કહેવું છે. (પીટીઆઈ)