મહારાષ્ટ્ર

જળગાંવ ટ્રેન દુર્ઘટનાઃ ટ્રેક પર માતાને શોધતા દીકરાના આક્રંદે લોકોને વ્યથિત કર્યાં, જુઓ તસવીરો

જળગાંવઃ જળગાંવના પચોરા પાસે પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાઈ જતાં અનેક લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા અને સામેથી આવતી બીજી ટ્રેન નીચે કચડાઈ ગયા હતા.

આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. નેપાળી મહિલા કમલા ભંડારી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. તેમનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર મળતા જ તેમનો પુત્ર તપેન્દ્ર ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ઘટનાસ્થળ પર કરુણ દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે હાજર લોકોને હચમચાવી નાખ્યા હતા.

આપણ વાંચો: જળગાંવમાં ટ્રેન દુર્ઘટનાઃ ચાવાળાએ કહ્યું કે ટ્રેનમાં આગ લાગી ને બધા કૂદી પડ્યા, બધા મૃતકો પરપ્રાંતીય

વ્યથિત થયેલા તપેન્દ્રએ તેની માતા કમલા ભંડારી અને પત્ની રાધા ભંડારીને લખનઊ સ્ટેશનથી પુષ્પક એક્સપ્રેસમાં બેસાડ્યા હતા. માતાને ટ્રેનમાં બેસાડતા પહેલા તપેન્દ્રએ રેલવે સ્ટેશન પર તેમનો ફોટો લીધો હતો ત્યારે તપેન્દ્ર ભંડારીને ખ્યાલ નહોતો કે આ તસવીર તેની માતાની છેલ્લી તસવીર હશે.

માતાના મૃતદેહને જોયા બાદ તપેન્દ્રને વિશ્વાસ થયો નહોતો કે તે મૃત છે, પરંતુ જ્યારે તેની માતાના કપડા અકસ્માતસ્થળે જોયા ત્યારે તેની અને તેના પરિવારની વ્યથા પરિવારના સભ્યોની આંખોમાં જોવા મળી હતી.

વ્યથિત તપેન્દ્ર જ્યાં તેની માતાના કપડા મળી આવ્યા હતા અને જ્યાં તેમના લોહીના નિશાન જોવા મળ્યા હતા ત્યાં પડેલા પથ્થરો એકઠા કરવા લાગ્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકો તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

આપણ વાંચો: જળગાંવ ટ્રેન દુર્ઘટનાઃ પુષ્પક એક્સપ્રેસમાં આગ, અફવા અને અફડાતફડી, જાણો વિગતો

આ અકસ્માત બાદ કમલા ભંડારીના મૃતદેહનું જિલ્લા જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રશાસને મૃતદેહને ટ્રેન દ્વારા નેપાળ મોકલવાની વ્યવસ્થા કરી છે. તપેન્દ્રએ કહ્યું કે જે ટ્રેનમાં અકસ્માત થયો હતો તે જ ટ્રેનમાં તે તેની માતાના મૃતદેહને લઈ જવા માંગતો નથી. તેણે સરકાર અને પ્રશાસનને અપીલ કરી છે કે તેઓ તેની માતાના મૃતદેહને એમ્બ્યુલન્સ અથવા એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાની વ્યવસ્થા કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button