શિવસેના યુબીટીના મુસ્લિમ મતોની ભરતી ઓસરી જશે: એકનાથ શિંદે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે શિવસેના (યુબીટી) માટે વધતા સમર્થનના દાવાને ફગાવી દીધો હતો અને એનો દાવો કર્યો હતો કે મુસ્લિમ મતોની તેમની તરફેણમાં જે ભરતી જોવા મળી રહી છે તે ટૂંક સમયમાં ઓસરી જશે.
વૈજાપુરમાં એક રેલીને સંબોધતા શિંદેએ કહ્યું હતું કે શિવસેનાનું ધ્યાન જાતિ આધારિત રાજકારણને બદલે સમુદાય સેવા પર કેન્દ્રિત છે, જે ઔરંગાબાદ લોકસભા મતવિસ્તારમાં પાર્ટીની જીતનું કારણ હતું.
મુખ્ય પ્રધાને આક્ષેપ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથનું ‘સળગતી મશાલ’ ચૂંટણી ચિહ્ન ઘરોને આગ લગાડવાનું અને સમુદાયો વચ્ચે તિરાડ પેદા કરવાનું માધ્યમ બન્યું છે.
આપણ વાંચો: MVAના જાહેરનામા પહેલા જ એકનાથ શિંદેએ કરી દીધી દસ મોટી જાહેરાત
તેઓ (શિવસેના-યુબીટી) મશાલને ક્રાંતિનું પ્રતીક કહે છે. પરંતુ તેમની મશાલ ઘરોને સળગાવી રહી છે અને સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરી રહી છે. મુસ્લિમ મતોનો આ જુવાળ દૂર થઈ જશે, એમ શિંદેએ ઉમેર્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે 2019 (જ્યારે એમવીએ સરકાર સત્તામાં હતી) પછીના 2.5 વર્ષોમાં મરાઠવાડા ક્ષેત્રના વિધાનસભ્યોને તેમના મતવિસ્તારના વિકાસ માટે એક પણ રૂપિયો આપવામાં આવ્યો નહોતો.
શિવસેના (યુબીટી) પર નિશાન સાધતા સીએમએ કહ્યું કે શિવસૈનિકોનું મનોબળ ખરાબ રીતે તૂટી ગયું હતું અને તેઓ નિરાશ થઈ ગયા હતા કારણ કે બાળ ઠાકરેની વિચારધારા છોડી દેવામાં આવી હતી, જો મેં કાર્ય ન કર્યું હોત, તો કોંગ્રેસે શિવસેના અને તેના ધનુષ્ય અને બાણ (ચૂંટણી ચિહ્ન) વેચી દીધા હોત, એમ શિંદેએ જણાવ્યું હતું.