મહારાષ્ટ્ર

સેના ઉમેદવારનું જબરું કારસ્તાન: પક્ષના જ હરીફ ઉમેદવારનાં એબી ફૉર્મ ફાડી ગળી ગયો

પુણે: પુણે મહાનગરપાલિકાની ચૂંટણી માટેના શિવસેનાના ઉમેદવારે ગુસ્સામાં જબરું કારસ્તાન કર્યું હતું. આ ઉમેદવારે પોતાની જ પાર્ટીના હરીફ ઉમેદવાર સાથે થયેલી ઉગ્ર બોલાચાલી પછી તેનાં એબી ફૉર્મ ફાડી ગળી ગયો હતો.

પુણેના ધાનકવાડી સહકારનગરની વૉર્ડ ઑફિસમાં બુધવારે બનેલી આ ઘટના બાદ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં સેનાના ઉમેદવાર ઉદ્ધવ કાંબળે (34) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મહાપાલિકાની આગામી ચૂંટણી માટે પુણે શહેરના વૉર્ડ નંબર-34 માટે શિવસેના દ્વારા બે ઉમેદવારને એબી ફૉર્મ્સ આપવામાં આવ્યાં હતાં. આ વાતને લઈ સેનાના બન્ને ઉમેદવાર ઉદ્ધવ કાંબળે અને મચ્છિન્દ્ર ઢવળે વચ્ચે રકઝક થઈ હતી.
વાત વધી જતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. ગુસ્સામાં કાંબળેએ ઢવળેના હાથમાં એબી ફૉર્મ્સ ઝૂંટવી લીધાં હતાં. પછી ફૉર્મ ફાડીને કાંબળે ગળી ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ કાંબળે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ચૂંટણી માટે એ અને બી ફૉર્મ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ગણાય છે. આ ફૉર્મ દ્વારા રાજકીય પક્ષો એ જાહેર કરે છે ચોક્કસ વ્યક્તિ તેમના પક્ષની ઉમેદવાર છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button